શાહરુખ ખાનનો અવાજ કાઢતા હોય તેવા અનેક કલાકારો તમે સાંભળ્યા હશે. આજે અમે તમારી મુલાકાત એક એવી વ્યક્તિ સાથે કરાવીએ છીએ તે માત્ર શાહરુખ જેવો જ નહીં પરંતુ 350 લોકોના અવાજની નકલ કરી શકે છે. પછી તે શાહરુખ હોય કે વડાપ્રધાન મોદી. આ કલાકારનું નામ છે જયવિજય સચાન.
જયવિજય બુંદેલખંડના હમીરપુરનો છે. પિતા ફેમિલી બિઝનેસમાં કામ કરે તેમ ઈચ્છતા હતા, પરંતુ તે કંઈક અલગ જ કરવા માગતો હતો. તે ઘર છોડીને મુંબઈ આવ્યો. અહીંયા બે નોકરી કરી, પરંતુ પગાર મળ્યો નહીં. અનેકવાર ભૂખ્યા સૂવું પડ્યું હતું. જ્યારે નસીબ બદલાયું અને શાહરુખની મિમિક્રી કરવા લાગ્યો તો શાહરુખ ખાનના ઇન્ટૉલરન્સના નિવેદનને કારણે દેશભરમાં આક્રોશ જોવા મળ્યો હતો. અનેક શો કેન્સલ થયા હતા. જોકે, ખરાબ સમયમાં પણ હિંમત હાર્યો નહીં. આજે જયવિજય જાણીતું નામ છે. 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'થી લઈ 'ધ કપિલ શર્મા'માં જોવા મળ્યો છે. એક સમયે 4500ની કમાણી કરનાર જયવિજય આજે એક શોના પાંચ લાખ રૂપિયા લે છે.
હંમેશાં શાહરુખ જેવું બનવું હતું
જયવિજયે પોતાની સફર અંગે વાત કરતા કહ્યું હતું કે તે હંમેશાંથી શાહરુખ જેવું જીવન જીવવા માગતો હત. નાનપણથી તે શાહરુખને ફોલો કરે છે. અનેકવાર તેણે શાહરુખ જેવો અવાજ કાઢ્યો તો લોકોને એમ લાગતું કે ત્યાં શાહરુખ ખાન છે. તે જ્યાં પણ જતો ત્યાં તેની ઓળખ શાહરુખ જેવો અવાજ કાઢનાર આર્ટિસ્ટ તરીકે થતી.
શાહરુખની મિમિક્રી કરી તો જાનથી મારી નાખવાની ધમકી મળી
જયવિજયે કહ્યું હતું કે તેના જીવનમાં શાહરુખ ખાનને કારણે પરિવર્તન આવ્યું છે. 2016માં એક શો દરમિયાન શાહરુખ સાથે મુલાકાત થઈ હતી. આ શોનું નામ 'યાદોં કી બારાત' હતું. શાહરુખ ખાન સાથેની આ મુલાકાત બાદ જ તેનું જીવન બદલાઈ ગયું.
2018માં સો.મીડિયામાં શાહરુખ ખાનનો બોયકોટ કરવામાં આવ્યો ત્યારે તેના કામ પર અસર થઈ હતી. તેનો પણ બોયકોટ કરવામાં આવ્યો હતો, કારણ કે તે શાહરુખ ખાન જેવો અવાજ કાઢતો હતો. તેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. સો.મીડિયામાં એકવાર તેને ફોન પણ આવ્યો હતો અને તેને ગદ્દાર કહીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તે લોકોએ તેને ગળું કાપી નાખવાની ધમકી આપી હતી, પરંતુ તેણે શાહરુખ ખાનની મિમિક્રી કરવાનું બંધ કર્યું નહોતું. સમય જતાં ધીમે ધીમે પરિસ્થિતિ સામાન્ય બની ગઈ હતી.
પિતા જર્નલિઝ્મના અભ્યાસની વિરુદ્ધમાં હતા
જયવિજયનો જન્મ કાનપુર નજીક હમીરપુર, બુંદેલખંડમાં થયો છે. પરિવારમાં પેરેન્ટ્સ તથા તે છે. થોડાં વર્ષ પહેલાં ભાઈનું અવસાન થયું હતું. તેણે પોલિટિકલ તથા માસકોમ જર્નલિઝ્મમાં ડબલ MA કર્યું છે. તેના પિતા અભ્યાસની વિરુદ્ધમાં હતા.
પિતા ફેમિલી બિઝનેસમાં જોડાવવા દબાણ કરતા હતા
પિતાની ઓપ્ટિકલની દુકાન હતી અને તે ઈચ્છતા હતા કે તે આ દુકાન સાંભાળે. જોકે, તેને ખ્યાલ હતો કે તે વિવિધ લોકોની મિમિક્રી કરી શકે છે. આ ઉપરાંત તેના પિતાને પણ આ વાતની જાણ હતી, પરંતુ તે માનતા હતા કે આમાં કંઈ જ ભવિષ્ય નથી. તેણે મીડિયામાં અભ્યાસ કર્યો અને રેડિયો-ન્યૂઝ ચેનલમાં કામ કર્યું.
9 કલાકની શિફ્ટમાં કામ કર્યું, પરંતુ પગાર ના મળ્યો
જયવિજયે વધુમાં કહ્યું હતું કે મીડિયામાં કામ કરવું સરળ નથી. તેણે આ ફિલ્ડમાં કેવી રીતે કામ થાય છે તે તમામ બાબતો શીખી. જોકે, જ્યારે તેણે ન્યૂઝ ચેનલમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેને પગાર મળતો નહોતો. એક સમયે તે એક સાથે બે કંપનીમાં કામ કરતો, પરંતુ તેને પગાર મળ્યો નહોતો. ઘણીવાર તે દિવસના 12-13 કલાક કામ કરતો.
પૈસા માટે પિતા સાથે ઝઘડો થયો
જયવિજયે આગળ કહ્યું હતું કે દિલ્હીમાં સહારાની ઓફિસની બાજુમાં આવેલી નાનકડી હોટલમાં રહેતો હતો. ખર્ચ ચલાવવા માટે પિતા પાસે પૈસા માગતો અને તેમને આ વાત ગમતી નહોતી. આ જ વાત પર એક દિવસ ઝઘડો થયો અને પછી નક્કી કર્યું કે તે પિતા પાસેથી પૈસા લેશે નહીં.
એક સમયે ખાવાના પૈસા નહોતા
જયવિજયે વાતને આગળ વધારતા કહ્યું હતું કે એક સમય એવો પણ આવ્યો કે બે ટંક ભોજનના પૈસા પણ નહોતા. આ સમયે શારીરિક ને માનસિક રીતે ભાંગી પડ્યો હતો. તે સમયનો વિચાર કરીને આજે પણ ડરી જવાય છે. પૈસા ના હોવાને કારણે ભૂખ્યો પણ સૂઈ રહેતો.
પૈસા ના હોવાને કારણે મિત્રે ઘરમાંથી હાંકી કાઢ્યો
જયવિજયે વધુમાં કહ્યું હતું કે જ્યારે તેની પાસે પૈસા નહોતા તો તે મિત્ર પાસેથી ઉધાર લેતો. જોકે, તે મિત્રે તેને ઘરમાંથી જતા રહેવાનું કહ્યું હતું. ત્યારબાદ તે જ બિલ્ડિંગમાં ઉપરના ફ્લોર પર રહેવા ગયો હતો. જોકે, અહીંયા ના પાણી પણ પૂરતું મળતું નહોતું. મે મહિનામાં પુષ્કળ ગરમી લાગતી હતી. તે જેમ તેમ કરીને અહીંયા રહ્યો હતો.
સુપરવાઇઝર તરીકે કામ કર્યું
જયવિજયે સંઘર્ષના દિવસો યાદ કરીને કહ્યું હતું કે પૈસા માટે તેણે સુપરવાઇઝર તરીકે કામ કર્યું છે. તેનું કામ ફેક્ટરીમાં કામ કરતા લોકોને જમવાનો ટાઇમ થઈ જયો છે તે કહેવાનું રહેતું. આ ઉપરાંત બાથરૂમ ગયા બાદ તેમણે પાણી નાખ્યું છે કે નહીં તે સ્વીપરને કહેવું પડતું.
જેમણે રિજેક્ટ કર્યો તે જ લોકો આજે શો માટે બોલાવે છે
જયવિજયે આગળ કહ્યું હતું કે એકવાર તેણે જ્યાં ઇન્ટરવ્યૂ આપ્યો હતો ત્યાંથી રિજેક્ટ થયો હતો. આજે તેને તે જ જગ્યાએ શો માટે બોલાવવામાં આવ્યો હતો.
પૈસા ના હોવાને કારણે પ્રેમિકાએ રિજેક્ટ કર્યો
જયવિજયે કહ્યું હતું કે કોલેજ ટાઇમથી તે એક યુવતીને પ્રેમ કરતો હતો. તે યુવતી પણ દિલ્હીમાં નોકરી કરતી હતી. તેની ઓફિસ પણ નજીકમાં હતી. જ્યારે મયૂર વિહાર સ્થિત એક ચેનલની ઓફિસમાં કામ કરતો ત્યારે તે પોતાની પ્રેમિકા માટે 40 રૂપિયામાં પનીરનું શાક ને બે રોટલી લઈને જતો. તે એક ટાઇમ ભૂખ્યો રહીને પ્રેમિકાને પનીરનું શાક આપવા જતો, કારણ કે તેને પનીર ઘણું જ પસંદ હતું. જ્યારે તેણે લગ્ન માટે પ્રેમિકાને પ્રપોઝ કરી તો તેણે એમ કહ્યું હતું કે તું બાળકોને પણ 40 રૂપિયાનું પનીર ખવડાવીશ. તેની આ વાત સાંભળીને આઘાત લાગ્યો અને પુષ્કળ પૈસા કમાવવાનું નક્કી કર્યું.
ભાઈના મોતના સમાચાર સાંભળ્યા બાદ પણ સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યું
જયવિજયે આગળ જણાવ્યું હતું કે 2016માં તે નાના-મોટા સ્ટેજ પર્ફોર્મન્સ આપતો હતો. આ જ રીતે એકવાર તે મુંબઈમાં પર્ફોર્મન્સ આપતો હતો. ચાલુ પર્મફોર્મન્સ દરમિયાન તેનો ફોન વાઇબ્રન્ટ મોડ પર હતો અને સતત વાગતો હતો. જ્યારે પર્ફોર્મન્સ પૂરું થયું તો તેણે ફોન ચેક કર્યો હતો મમ્મીના 40 ફોન હતા. તેણે સામે કોલ બેક કરીને કહ્યું કે જ્યારે તે પર્ફોમન્સ આપતો હોય ત્યારે તેને આ રીતે ફોન કરવા નહીં તે હજી બોલવાનું પૂરું કરે તે પહેલાં જ તેની માતાએ કહ્યું હતું કે દીકરા, શાનુ જતો રહ્યો. શાનુ તેનો ભાઈ હતો. તે સાંભળીને શૂન્યમન્સક થઈ ગયો. તે હજી કંઈ રિએક્ટ કરે તે પહેલાં જ બીજા પર્ફોર્મન્સ માટે તેને બોલાવવામાં આવ્યો. અહીંયા તેણે એક કલાક સુધી પર્ફોર્મન્સ આપ્યું. તે અંદરથી ભાંગી પડ્યો હતો, પરંતુ ચહેરા પર સ્માઇલ હતી અને દર્શકોને હસાવતો હતો.
ભાઈના મોત બાદ ક્યારેય તહેવાર સેલિબ્રેટ કર્યો નથી
જયવિજયે કહ્યું હતું કે તેને હંમેશાં એ વાતનો અફસોસ છે કે તે ભાઈ સાથે વધુ સમય પસાર કરી શક્યો નહીં. તેના ગયા પછી તેણે એક પણ તહેવાર સેલિબ્રેટ કર્યો નથી. તે જ્યારે પણ શોમાં જાય છે તો તમામને હેલમેટ પહેરીને ટૂ વ્હીલર ચલાવવાની સલાહ આપે છે. કોઈને અકસ્માત થયો હોવાની જાણ થાય તો તે શક્ય તેટલી મદદ કરે છે. પાંચ ફૂટનો વ્યક્તિ પાંચ મીટરની ચાદરમાં ભરાઈ જાય ત્યારે મા-બાપ પર શું વિતશું હશે તેની કલ્પના કરવી અશક્ય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.