ફ્રેંચ એક્ટ્રેસ બ્રિજિટનાં 4 લગ્ન ને 100 જેટલાં અફેર્સ:ફિલ્મ એટલી બોલ્ડ હતી કે થિયેટર-માલિકોને રિલીઝ કરવા બદલ જેલમાં પૂરવા પડ્યા હતા

3 મહિનો પહેલાલેખક: ઈફત કુરૈશી

બ્રિજિટ બાર્ડો, 1950ના દાયકાની એક્ટ્રેસ છે, પરંતુ આજે પણ ફ્રેંચ ફિલ્મની સૌથી સુંદર એક્ટ્રેસ છે. બ્રિજિટે ફ્રેંચ ફિલ્મમાં બોલ્ડનેસનો નવો જ બેંચમાર્ક સેટ કર્યો છે. એક્ટ્રેસની ફિલ્મ એ હદે બોલ્ડ રહેતી કે અમેરિકામાં એકવાર ફિલ્મ બતાવવા પર અનેક થિયેટર-માલિકને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા.

ચાર લગ્ન કરનાર બ્રિજિટે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે તેનાં 100થી વધુ અફેર્સ રહ્યાં છે, પરંતુ તેનું બાળપણ ઘણું જ મુશ્કેલ રહ્યું હતું. નાનપણમાં તે શિસ્તમાં રહેતી હતી. તેના માટે મિત્રો પણ તેની માતા પસંદ કરતી હતી. પિતા એટલા કઠોર હતા કે એકવાર ફ્લાવર પૉટ તોડતાં 20 ચાબુક માર્યા હતા અને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે બ્રિજિટ હવે તેમને ક્યારેય પિતા કહીને બોલાવે નહીં.

બ્રિજિટની ફિલ્મી કરિયર 25 વર્ષની હતી, પરંતુ તે ઘણી જ વિવાદાસ્પદ રહી છે. બ્રિજિટના અફેર ફિલ્મ ડિરેક્ટરથી લઈને બારટેન્ડર સાથે રહ્યા હતા. બ્રિજિટ હાલમાં 88 વર્ષની છે અને એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ તરીકે જીવન પસાર કરી રહી છે.

ફ્રાંસની સૌથી સુંદર એક્ટ્રેસ બ્રિજિટની વાત....

ઘરમાં પિતાએ કડક નિયમો બનાવીને રાખ્યા હતા
બ્રિજિટ બાર્ડોનો જન્મ 28 સપ્ટેમ્બર, 1934માં પેરિસમાં થયો છે. પિતા લુઇસ બાર્ડો ઇન્ડસ્ટ્રિયલિસ્ટ હતા અને માતા હાઇ સોસાયટીમાં જાણીતી હતી. બ્રિજિટને એમ્બ્લિયોપિયા નામની બીમારી હતી. આ જ કારણે એક આંખે દેખાવાનું બંધ થઈ ગયું હતું. બ્રિજિટ ક્યારેય પોતાના નાનપણથી ખુશ નહોતી. પિતાએ ઘરમાં કડક નિયમો બનાવીને રાખ્યા હતા. તે ઈચ્છતા કે બ્રિજિટ અને તેની બહેન ઘરમાં સ્ટ્રિક્ટ ટેબલ મેનર્સ ફોલો કરે, હાઇ સોસાયટીની યુવતીઓની જેમ કપડાં પહેરે તથા તે જ રીતે વર્તન કરે. તેમને પોતાની મરજી પ્રમાણે મિત્રો પસંદ કરવાની પરવાનગી નહોતી. આથી જ બ્રિજિટને નાનપણમાં ખાસ મિત્રો નહોતા.

ફ્લાવર પૉટ તોડ્યું તો પિતાએ 20 ચાબુક માર્યા હતા
બ્રિજિટ હાઇ સોસાયટીની યુવતી હતી અને તે 7 રૂમના લક્ઝુરિયસ ઘરમાં રહેતી હતી. જોકે, બ્રિજિટ નાનપણમાં માનસિક સ્ટ્રેસમાં રહેતી. એક દિવસ ઘરમાં બહેન સાથે રમતાં રમતાં તેમનાથી પેરેન્ટ્સનું મનપસંદ ફ્લાવર પૉટ તૂટી ગયું હતું. સજા તરીકે પિતાએ બંને બહેનોને 20-20 ચાબુક માર્યા હતા. ત્યારથી તેમના પિતા તેમની સાથે અજાણ્યાની જેમ રહ્યા હતા. બંને બહેનોને કહેવામાં આવ્યું કે તેઓ પેરેન્ટ્સને vous કહે. આ શબ્દ હાઇ સ્ટેટસના અજાણ્યા લોકો માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ઘટનાની બ્રિજિટ પર ગંભીર અસર થઈ હતી અને તેને પેરેન્ટ્સ પ્રત્યે કોઈ લાગણી રહી નહોતી. તેણે હાઇ સોસાયટીના નિયમો તોડવાનું શરૂ કર્યું હતું.

વર્લ્ડ વૉર 2 પછી નાઝી જર્મનીએ પેરિસ આંચકી લીધું ત્યારે બ્રિજિટ મોટાભાગે ઘરમાં રહેતી હતી. ઘરમાં રહીને બ્રિજિટ ડાન્સ કરતી અને જાતે જ રેકોર્ડિંગ કરતી હતી. માતાએ ટેલેન્ટ જોઈને બેલે ડાન્સની ટ્રેનિંગ અપાવી હતી. માતાને કારણે 3 દિવસ સ્કૂલે જતી અને બાકીના દિવસ ડાન્સ પ્રેક્ટિસ કરતી.

15 વર્ષની ઉંમરમાં એલે મેગેઝિનની કવર ગર્લ બની
બ્રિજિટની સુંદરતાથી ઇમ્પ્રેસ થઈને એલે મેગેઝિનના ડિરેક્ટર હેલેને 1949માં બ્રિજિટને જૂનિયર ફેશન મોડલ તરીકે હાયર કરી હતી. 1950માં માત્ર 15 વર્ષની ઉંમરમાં બ્રિજિટ એલે મેગેઝિનની કવર ગર્લ બની હતી. મેગેઝિનમાં ચમક્યાં બાદ બ્રિજિટને અનેક ફિલ્મ્સ ઑફર થઈ હતી.

બ્રિજિટ ફિલ્મમાં કામ કરે તે પિતાને પસંદ નહોતું
મેગેઝિનમાં ચમક્યા બાદ બ્રિજિટને સૌ પહેલી ઑફર માર્ક એલેગ્રેટની ફિલ્મ 'લેસ લૉરિયર્સ સોન કૂપ્સ' મળી હતી. પેરેન્ટ્સને બ્રિજિટ ફિલ્મમાં કામ કરે તે પસંદ નહોતું, કારણ કે આ તેમની હાઇક્લાસ સોસાયટીની ઇમેજના વિરોધમાં હતી. માતા-પિતાએ ભલે વિરોધ કર્યો, પરંતુ બ્રિજિટને દાદાનો સપોર્ટ મળ્યો હતો.

17 વર્ષની ઉંમરે ઓડિશન લેનાર ડિરેક્ટ પ્રત્યે પ્રેમ થયો
ફિલ્મની ઑફર્સ મળ્યા બાદ બ્રિજિટ ઑડિશન આપવા પહોંચી તો તેની મુલાકાત સ્ક્રીનરાઇટર તથા ડિરેક્ટર રૉજર વાદિમ સાથે થઈ હતી. રૉજરે બ્રિજિટને રિજેક્ટ કરી દીધી હતી, પરંતુ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યાં હતાં. બંને રિલેશનશિપમાં આવી ગયાં. આ વાતની જાણ જ્યારે પરિવારની થઈ ત્યારે ઘણી જ બબાલ થઈ હતી. પિતાએ તરત જ બ્રિજિટને ઇંગ્લેન્ડ મોકલી દીધી હતી.

પ્રેમ માટે ચહેરાની કુરબાની આપવા તૈયાર હતી
પિતાની કડકાઈને કારણે બ્રિજિટે પોતાનું મોં ઓવનમાં નાખી દીધું હતું, પરંતુ પરિવારે બચાવી લીધી હતી. અંતે બ્રિજિટની જીદ આગળ પરિવારે નમતું જોખ્યું અને એક શરત પર લગ્ન કરાવવા તૈયાર થયા હતા. પિતાની શરત હતી કે બ્રિજિટ 18 વર્ષની થાય પછી રૉજર સાથે લગ્ન કરી શકે છે.

ઘણી ફિલ્મમાં સાઇડ રોલ પ્લે કર્યો
1952માં એલે મેગેઝિનની કવરગર્લ બન્યાં બાદ બ્રિજિટે ઘણી ફિલ્મમાં સાઇડ રોલ કર્યા હતા. ફિલ્મ 'ક્રેઝી ફૉર લવ'માં બ્રિજિટ સાઇડ રોલમાં જોવા મળી હતી. ત્યારબાદ બ્રિજિટે 'માનિના ધ ગર્લ ઇન ધ બિકિની', 'ધ લોંગ ટીથ', 'હિઝ ફાધર્સ પોટ્રેટ', 'એક્ટ ઑફ લવ' જેવી ફિલ્મમાં નાના-મોટા રોલ કર્યા હતા.

1953માં બ્રિજિટ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ હાજર રહી હતી. અહીંયાં તેની સુંદરતા સેન્ટર ઑફ એટ્રેક્શન રહી હતી. 1954માં 'કોન્સર્ટ ઑફ ઇન્ટ્રિંગ'માં લીડ રોલ મળ્યો હતો. ત્યારબાદ લીડ રોલ તરીકે 'કેરોલીન એન્ડ ધ રેબલ', 'સ્કૂલ ફૉર લવ' જેવી ઘણી ફિલ્મ કરી હતી.

વિવાદિત ફિલ્મને કારણે થિયેટર માલિકોની ધરપકડ થઈ
1956માં બ્રિજિટ બાર્ડો પતિ રૉજરના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'એન્ડ ગૉડ ક્રિએટેડ વુમન'માં જોવા મળી હતી. આ ફિલ્મથી બ્રિજિટ ઇન્ટરનેશનલ સ્ટાર તથા સેક્સ સિમ્બોલ તરીકે લોકપ્રિય થઈ હતી. આ ફિલ્મ એટલી બોલ્ડ હતી કે અમેરિકામાં ફિલ્મનો જોરદાર વિરોધ થયો હતો. આ ફિલ્મ જે થિયેટર્સમાં રિલીઝ થઈ, તેના માલિકોની ધરપકડ કરવામાં આવી હતી.

એકસ્ટ્રા મેરિટલ અફેર, સુસાઇડનો પ્રયાસ
1956માં 'એન્ડ ગૉડ ક્રિએટેડ વુમન'ના શૂટિંગ દરમિયાન બ્રિજિટ કો-સ્ટાર જીન લુઈસની નિકટ આવી ગઈ હતી. જીન પહેલેથી જ પરિણીત હતો. તેણે ફ્રેંચ એક્ટ્રેસ સ્ટીફન સાથે લગ્ન કર્યા હતા. બ્રિજિટે લુઇસ સાથેના સંબંધોને કારણે રૉજરને ડિવોર્સ આપી દીધા હતા. ડિવોર્સ બાદ બ્રિજિટ ડિપ્રેશનમાં સરી પડી હતી અને તેણે ઊંઘની દવાઓનો ઓવરડોઝ લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એક અઠવાડિયા સુધી બ્રિજિટની સારવાર કરવામાં આવી હતી.

લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ થઈ
એક અઠવાડિયાની સારવાર બાદ બ્રિજિટના સંબંધો એક્ટર જેક્સ સાથે બંધાયા હતા. બ્રિજિટ લગ્ન પહેલાં જેક્સથી પ્રેગ્નન્ટ થઈ હતી. 18 જૂન, 1959માં બંનેએ લગ્ન કર્યાં હતાં. લગ્નના સાતમા મહિને બ્રિજિટે દીકરા નિકોલસને જન્મ આપ્યો હતો.

ડિલિવરી બાદ તરત જ અફેર
1960માં દીકરાને જન્મ આપ્યાના થોડા સમય બાદ જ બ્રિજિટનું અફેર ગ્લેન ફોર્ડ સાથે હતું. પરિણીત હોવા છતાં બ્રિજિટના વિવિધ અફેર ચાલતાં જ રહ્યાં હતાં. પત્નીના અફેરથી કંટાળીને બીજા પતિ જેક્સે બ્રિજિટને ડિવોર્સ આપી દીધા હતા. દીકરા નિકોલસની કસ્ટડી જેક્સને મળી હતી. 1963-1965 સુધી બ્રિજિટના રિલેશન બોબ જાગુરી સાથે હતા. જોકે, 1966માં બ્રિજિટે ત્રીજા લગ્ન ગંટર સાશ્સ સાથે કર્યાં હતાં. આ લગ્ન માત્ર 2 વર્ષ ચાલ્યા અને બંને અલગ થઈ ગયાં હતાં. ત્રીજા ડિવોર્સ બાદ બ્રિજિટના અનેક લોકો સાથે સંબંધો હતા, જેમાં કોઈ બારટેન્ડર તો કોઈ ક્લબનો માલિક હતો. જોકે, તમામ સંબંધો થોડા મહિના અથવા તો થોડાં વર્ષ સુધી જ ટકી શક્યા હતા.

1962 પછી બ્રિજિટની લોકપ્રિયતામાં ઘટાડો થયો હતો. તેણે પહેલા પતિ રૉજર સાથે ઘણી ફિલ્મ કરી હતી, પરંતુ તમામ ફ્લોપ રહી હતી. 1973માં બ્રિજિટે ફિલ્મી કરિયર છોડવાનો નિર્ણય કર્યો હતો.

48મા જન્મદિવસે માંડ માંડ જીવ બચ્યો
28 સપ્ટેમ્બર, 1983ના રોજ પોતાના જન્મદિવસ પર બ્રિજિટે ફરી એકવાર સ્લીપિંગ પિલ્સનો ઓવરડોઝ લીધો હતો. આ સાથે જ તેણે રેડ વાઇન વધુ માત્રામાં પી લીધો હતો. તેની હાલત ઘણી જ ગંભીર હતી. ડૉક્ટર્સ માંડ માંડ બ્રિજિટનો જીવ બચાવી શક્યા હતા. બ્રિજિટે 58 વર્ષની ઉંમરે ચોથા લગ્ન 1992માં બર્નાડ સાથે કર્યાં હતાં.

1983માં કેન્સર થયું
1983માં બ્રિજિટને બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું હતું. ડૉક્ટર્સની સલાહ હોવા છતાં તેણે કીમોથેરપી લેવાની ના પાડી દીધી હતી. તેણે 3 વર્ષ સુધી રેડિએશન થેરપી લીધી અને 1986માં તે કેન્સર ફ્રી થઈ હતી.

એનિમલ રાઇટ્સ માટે અઢળક પૈસા વાપર્યા
ફિલ્મમાંથી સંન્યાસ લીધા બાદ બ્રિજિટે પોતાની લોકપ્રિયતા ને પૈસાનો ઉપયોગ એનિમલ રાઇટ્સ માટે કર્યો છે. 1986માં બ્રિજિટે 'બ્રિજિટ બાર્ડો ફાઉન્ડેશન' શરૂ કર્યું હતું. આ ફાઉન્ડેશન પ્રાણીઓને બચાવવાનું કામ કરે છે. ફંડ ભેગું કરવા માટે બ્રિજિટે પોતાનાં કિંમતી ઘરેણાં અને સામાનની હરાજી બોલાવવાની શરૂ કરી હતી.

નિવેદનોને કારણે બ્રિજિટ વિવાદમાં રહે છે
એનિમલ એક્ટિવિસ્ટ હોવાને કારણે બ્રિજિટ ઘણીવાર વિવાદમાં ફસાઈ છે. ક્યારેક તેણે મુસ્લિમ કલ્ચર પર તો ક્યારેક રંગભેદ પર વિવાદાસ્પદ વાતો કહી છે. અનેકવાર તેણે માફી માગવી પડી છે અને કોર્ટમાં દંડ પણ ભરવો પડ્યો છે.

1999માં આવેલી બુક Le Carré de Plutonના એક ચેપ્ટરમાં બ્રિજિટનો ઓપન લેટર 'ટુ માય લોસ્ટ ફ્રાંસ' છે. આ લેટરમાં બ્રિજિટે ઈદ પર થતી બકરાઓની કુરબાની અંગે વાત કરી હતી. આ કારણે ફ્રાંસની કોર્ટે બ્રિજિટને સાત હજાર અમેરિકન ડૉલરનો દંડ ફટકાર્યો હતો. 1997 તથા 1998માં પણ બ્રિજિટે દંડ ભરવો પડ્યો હતો.

2004માં બ્રિજિટે જ્યારે રંગભેદ પર વિવાદિત ટિપ્પણી કરી ત્યારે ફ્રાંસની કોર્ટે ચોથીવાર દંડ ફટકાર્યો હતો. બ્રિજિટે આરોપો માનવાનો ઇનકાર કર્યો હતો. જોકે, 2008 સુધી કાર્યવાહી ચાલી અને અંતે દંડ ભરવો પડ્યો હતો.

આજે પણ વિશ્વની સૌથી લોકપ્રિય ફેશન આઇકોન
1950ના દાયકામાં બ્રિજિટ મોડલ તથા લોકપ્રિય એક્ટ્રેસ હતી. 1960માં તે ઇન્ટરનેશનલ સ્ટાઇલ આઇકોન બની હતી. બ્રિજિટ સ્ટાઇલ માટે એટલી લોકપ્રિય થઈ કે 'બાર્ડો નેકલાઇન' તેના જ નામ પરથી શરૂ કરવામાં આવી. ફ્રેંચ સિનેમામાં બિકિનીને આગવી ઓળખ અપાવનારની ક્રેડિટ પણ બ્રિજિટને જાય છે.

બ્રિજિટથી સુંદર ફ્રેંચ સિનેમામાં અન્ય કોઈ એક્ટ્રેસ નથી
1960માં મોડલિંગ સ્ટેચ્યૂ બ્રિજિટની સાઇઝનાં રહેતાં હતાં. ઇન્ડસ્ટ્રીમાં લૉન્ચ થનારા તમામ ફેશન ડ્રેસ બ્રિજિટની બૉડી સાઇઝ પ્રમાણે રહેતા. સ્કારલેટ જ્હોનસનથી લઈ પેરિસ હિલ્ટન સહિતની એક્ટ્રેસિસ બ્રિજિટમાંથી પ્રેરણા લે છે. 2011માં લોસ એન્જલસ ટાઇમ્સ મેગેઝિને બ્રિજિટને સુંદર મહિલાઓના લિસ્ટમાં બીજું સ્થાન આપ્યું હતું. 2015માં થયેલા સુંદરતાના એક સર્વેમાં બ્રિજિટ ટોપ 10માં છઠ્ઠા સ્થાને હતી.

2020માં વૉગ મેગેઝિને બ્રિજિટને 'ધ મોસ્ટ બ્યૂટિફુલ ફ્રેંચ એક્ટ્રેસિસ ઑફ ઓલ ટાઇમ'નો ખિતાબ બ્રિજિટને આપ્યો હતો. 2023માં બ્રિજિટના જીવન પર આધારિત એક ટીવી સિરીઝ રિલીઝ થવાની છે.

અન્ય સમાચારો પણ છે...