સોમવાર, 13 માર્ચે સવારે સાડા પાંચ વાગ્યે ઓસ્કર સેરેમની યોજાઈ ગઈ. ફિલ્મી દુનિયા માટે ઓસ્કરથી મોટો કોઈ અવૉર્ડ થી. આજે અમે તમારા માટે ઓસ્કર વિનર એક્ટ્રેસની વાત લઈને આવ્યા છીએ. આ એક્ટ્રેસે હોલિવૂડ ફિલ્મનો નકશો બદલવાની શરૂઆત કરી હતી. આ એક્ટ્રેસનું નામ હેટી મેક્ડેનિયલ. હેટી શ્યામ એટલે અશ્વેત હતી. 1930-40ના દાયકામાં દુનિયામાં અશ્વેતો સાથે ભેદભાવ કરવામાં આવતો હતો.
હોલિવૂડ ફિલ્મમાં બ્લેક એક્ટર્સને માત્ર નોકરનો રોલ મળતો હતો. સેટ પર કોઈ સુવિધા મળતી નહોતી. ગોરા કલાકારો જેટલા પૈસા પણ મળતા નહોતા. ત્યાં સુધી કે કપડાં બદલવા માટે અલગથી ડ્રેસિંગ રૂમ પણ નહોતો. તે સમયે હેટીએ પોતાની ફિલ્મી સફર શરૂ કરી હતી. નોકરના રોલમાં પણ તેણે જીવ નાખી દીધો હતો.
1939માં હોલિવૂડની લેન્ડમાર્ક રોમેન્ટિક ફિલ્મ 'ગોન વિથ ધ વિંડ'માં નોકરાણીનો રોલ પ્લે કરવા બદલ હેટીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર મળ્યો હતો. ઈતિહાસમાં પહેલી જ વાર બ્લેક કલાકારને આ સન્માન મળ્યું હતું. હેટીએ પોતાની જીવનમાં ઘણો જ સંઘર્ષ કર્યો હતો. પિતા યુદ્ધામાં હારેલા ગુલામ હતા. મજૂરી કરીને ઘર ચલાવતા હતા. હેટી જ્યારે જન્મી ત્યારે કુપોષિત હતી. હેટીએ ક્લબમાં, વોશરૂમ અટેન્ડર તરીકે નોકરી કરી. ફિલ્મમાં શ્યામ રંગને કારણે એ હદે ભેદભાવ સહન કરવો પડ્યો કે ફિલ્મના પ્રીમિયરમાં પણ તે જઈ શકી નહોતી. હેટીએ ચાર લગ્ન કર્યા, પરંતુ તમામ નિષ્ફળ રહ્યા. મિસકેરેજને કારણે ક્યારેય માતા ના બની શકી.
જન્મ થતાં જ કાળા-ગોરાના ભેદ 1952માં હેટીનું મોત થયું ત્યાં સુધી ચાલુ રહ્યો. તેની અંતિમ ઈચ્છા હતી કે જે કબ્રસ્તાનમાં ગોરા લોકોને દફન કરવામાં આવે છે, ત્યાં તેને દફાનાવવામાં આવે. જોકે, તેને ત્યાં જગ્યા ના મળી. તેનો ઓસ્કર અવૉર્ડ પણ ચોરી થઈ ગયો હતો.
આજે વણકહી વાર્તામાં હેટીની સંઘર્ષમય વાત.....
13 ભાઈ-બહેનમાં હેટી સૌથી નાની હતી
હેટી મેક્ડેનિયલનો જન્મ 1893માં અમેરિકાના વિચિટા શહેરમાં થયો હતો. 13 ભાઈ-બહેનમાં તે સૌથી નાની હતી. પરિવાર એટલો ગરીબ હતો કે બે ટંકના ભોજનની પણ વ્યવસ્થા થઈ શકતી નહોતી. હેટી કુપોષિત જન્મી હતી.
અનેક દિવસો સુધી પરિવાર ભૂખ્યો રહેતો
હેટીનો પરિવાર વર્ષો સુધી સિવિલ વૉર તથા ગુલામીના ડરના પડછાયામાં રહ્યો. માતા-પિતા સુઝાન તથા હેમરી મિડ-એટલાન્ટિક સાઉથમાં જન્મ્યા હતા. આ ગુલામ હતા. 1864માં પિતા હેમરી સિવિલ વૉરમાં સામેલ થયા હતા. તેમને નાશવિલેના ક્રૂર યુદ્ધમાં મોકલવામાં આવ્યા હતા. જંગ સમયે હેનરીના મોંનું હાડકું તૂટી ગયું હતું. યોગ્ય સારવારના અભાવે ઇન્ફેક્શન થયું હતું. યુદ્ધ પૂરું થયા બાદ હેનરી મજૂરી કરીને ઘર ચલાવતા હતા. 1893માં હેટીનો જન્મ થયો તો એક વર્ષ પછી પરિવાર અમેરિકાના ડેનવરમાં આવી ગયો. ભાઈ 'ઓટિસ મિસ્ટેલ શો' નામની કાર્નિવલ કંપનીમાં કામ કરતો હતો. આ શોમાં અમેરિકન લોકો આફ્રિકનની જેમ તૈયાર થઈને તેમની મજાક ઉડાવતા હતા.
હેટી પણ ડ્રામા માટે ગીતો લખવા લાગી હતી. 1916માં ભાઈના મોત પછી હેટીએ આ કામ છોડી દીધું હતું. થોડાં દિવસના સંઘર્ષ બાદ 1920માં રેડિયોમાં ગીતો ગાવાની નોકરી મળી ગઈ. હેટીનો અવાજ ઘણો જ સારો હતો.
સ્ટોક માર્કેટ ક્રેશ થયું તો બાથરૂમ અટેન્ડર તરીકે કામ કર્યું
1929માં સ્ટોક માર્કેટ ક્રેશ થતાં તમામ સિંગર્સને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હેટીની પણ નોકરી જતી રહી. પરિવારનું ગુજરાન ચલાવવા હેટીએ નાઇટ ક્લબ સબર્બન ઇનમાં બાથરૂમ એટેન્ડર તરીકે કામ કર્યું. આ નાઇટક્લબમાં એક દિવસ હેટીએ સ્ટેજ પર પર્ફોમ કર્યું હતું. તેનું પર્ફોર્મન્સ જોઈને નાઇટક્લબના માલિકે તેને સિંગરની જગ્યા આપી હતી. 2 વર્ષ બાદ નાઇટક્લબ બંધ થતાં હેટીની ફરી નોકરી જતી રહી હતી.
20 ડૉલર પર્સમાં નાખીને હોલિવૂડ આવી
નોકરી જતા હેટીએ હોલિવૂડ જવાનું નક્કી કર્યું. તેની બચત માત્ર 20 ડૉલર હતી. તેનો એક ભાઈ સેમ અહીંયા એક્ટર હતો. હોલિવૂડમાં તે ક્યારેક કુક તો ક્યારેક નોકરનો રોલ કરતો. રેડિયો શો 'હે હેટ હેટી' નામનો પ્રોગ્રામ મળ્યો. શોમાં તે માલિકોને હેરાન કરવાની વાત કરતી. અહીંયા પણ તેનો પગાર ઘણો જ ઓછો હતો.
પહેલો રોલ પણ નોકરાણીનો જ મળ્યો
થોડાં વર્ષના સંઘર્ષ બાદ 1937માં હેટીને હોલિવૂડ ફિલ્મમાં નોકરાણીના રોલ મળવા લાગ્યા. હોલિવૂડમાં આ રીતના રોલ કરવા અપમાનજનક હતી. જોકે, હેટી આ રોલ માટે તૈયાર હતી. બ્લેક કમ્યુનિટીના લોકો પણ આ રોલનો વિરોધ કરતા.
બિગ ફિલ્મ મળી તો ગોરાઓએ વિરોધ કર્યો
1939માં ફિલ્મ 'ગોન વિથ ધ વિંડ'માં હેટીએ મેમી નામની નોકરાણીનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મની હિરોઈન બ્રિટિશ વિવિયન લીગ હતી. ફિલ્મના કાસ્ટિંગ પર રંગભેદનો વિવાદ થયો. અનેક વિવાદ બાદ ફિલ્મ બનવાની શરૂ થઈ. હેટી ઉપરાંત બટરફ્લાય મેક્કવીન નામની બ્લેક એક્ટ્રેસ હતી. તેને પણ નોકરાણીનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મના એક સીનમાં હિરોઈન બટરફ્લાયને થપ્પડ મારે છે અને બટરફ્લાય કહે છે કે તે માટે હિરોઈને તેની માફી માગવી જોઈએ. જોકે, પછી ફિલ્મમાં તેનો રોલ ટૂંકો કરી દેવામાં આવ્યો હતો. આ સમયે હોલિવૂડમાં રંગભેદ ચરમ સીમા પર હતો. હોલિવૂડમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા બ્લેક એક્ટર હતા. તેઓ મોટાભાગે નોકર ને ગુંડાના રોલ કરતા હતા. પરિસ્થિતિ એ હદે ખરાબ હતી કે બ્લેક આર્ટિસ્ટ માટે મેકઅપ રૂમની સગવડ નહોતી.
પોતાના જ ફિલ્મના પ્રીમિયરમાં જઈ ના શકી
ફિલ્મ 'ગોન વિથ થ વિન્ડ'નું પ્રીમિયર 15 ડિસેમ્બર, 1939ના રોજ એટલાન્ટમાં યોજાયું હતું. હેટી પોતાની ફિલ્મના પ્રીમિયરમાં જઈ શકી નહોતી, કારણ કે તેને હોટલમાં ગોરાઓની સાથે બેસવાની પરમિશન નહોતી. ફિલ્મના પ્રીમિયરમાં 3 લાખ લોકો આવ્યા હતા.
મેયરે ધ્રુજતા અવાજે બ્લેક આર્ટિસ્ટના વખાણ કર્યા હતા
ચાર કલાકની ફિલ્મ પૂરી થયા બાદ એટલાન્ટાના મેયર વિલિયમ હાર્ટ્સફીલ્ડ સ્ટેજ પર આવ્યા હતા અને ધ્રુજતા અવાજે ફિલ્મની તમામ કાસ્ટને સ્ટેજ પર બોલાવ્યા અને વખાણ કર્યા હતા. ન્યૂ યોર્ક ટાઇમ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું, 'મેયરે સ્ટેજ પરથી નીગ્રો મેમ્બર્સ માટે તાળીઓ પડાવી, પરંતુ ત્યાં બ્લેક આર્ટિસ્ટ હાજર નહોતો, કારણ કે તે થિયેટરમાં ગોરાઓની સાથે તેમને બેસવાની પરવાનગી નથી.'
ઓસ્કરમાં ખૂણામાં બેસાડવામાં આવી
29 ફેબ્રુઆરી, 1940માં 12મા ઓસ્કર અવૉર્ડનું આયોજન થયું હતું. હેટી બ્લૂ ગાઉન ને વાળમાં સફેદ ફૂલ લગાવીને આવી હતી. તેને VIP ટેબલ પર બેસવા દેવામાં આવી નહોતી. તેને રૂમમાં સૌથી પાછળ એક ખૂણામાં નાનકડું ટેબલ આપવામાં આવ્યું હતું.
ઓસ્કર સ્પીચ આપતા હેટી રડી પડી
12મા ઓસ્કર અવૉર્ડમાં 'ગોન વિધ થ વિન્ડ' ફિલ્મમાં મેમીના રોલ માટે હેટીને બેસ્ટ સપોર્ટિંગ રોલનો ઓસ્કર અવૉર્ડ મળ્યો હતો. અવૉર્ડ લેતા સમયે હેટી ભાવુક થઈ ગઈ હતી અને તેણે કહ્યું હતું, 'આ ક્ષણ તેના જીવનની સૌથી ખુશીની ક્ષણ છે. આશા છે કે મને મારી કમ્યુનિટી તથા મોશન પિક્ચરના ઈતિહાસમાં હંમેશાં યાદ રાખવામાં આવશે. મારી લાગણીને શબ્દોમાં વ્યક્ત થઈ શકે તેમ નથી. મને આભાર માનવા દો.' આટલું કહેતા જ હેટી રડી પડી અને આંસુ લૂછતા લૂછતા તે સ્ટેજ પરથી નીચે ઉતરી. તેની ફિલ્મને 20માંથી 8 ઓસ્કર મળ્યા હતા.
બે પતિઓના મોત
હેટીએ 19 જાન્યુઆરી, 1911માં ડેનવરમાં હાવર્ડ હિકમેન સાથે પહેલા લગ્ન કર્યા હતા. આ લગ્નથી તે ખુશ હતી, પરંતુ 1915માં પતિનું મોત થયું હતું. સાત વર્ષ બાદ હેટીએ 1922માં જ્યોર્જ લેંગફોર્ડ સાથે બીજા લગ્ન કર્યા. લગ્નના ત્રણ વર્ષ બાદ પતિને ગોળી વાગતા મોત થયું. આ સમયે હેટીનું કરિયર પીક પર હતું.
હેટી માતા બનવાની હતી, મિસકેરેજથી ભાંગી પડી
21 માર્ચ, 1941માં હેટીએ રિયલ સ્ટેટના સેલ્સમેન જેમ્સ સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. બુક 'બોલ્ડ ડ્રીમ્સ'માં રાઇડર ડોનાલ્ડ બોગલે લખ્યું હતું કે લગ્નના ચાર વર્ષ બાદ હેટી પ્રેગ્નન્ટ થઈ હતી. તેણે બાળક માટે અનેક કપડાં ખરીદ્યા હતા અને ઘરમાં નર્સરી પણ બનાવી હતી. મેક્ડેનિયલ ઘણી જ ખુશ હતી, પરંતુ મિસકેરેજ થતાં તે ભાંગી પડી હતી. 51 વર્ષીય હેટીએ રંગભેદ ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડગલે ને પગલે દુઃખોનો મક્કમતાથી સામનો કર્યો હતો, પરંતુ બાળક ગુમાવવાને કારણે તે ડિપ્રેશનમાં જતી રહી હતી. ત્યારબાદ તે ક્યારેય માતા ના બની શકી. 1945માં તેણે જેમ્સને ડિવોર્સ આપ્યા. હેટીએ કહ્યું હતું કે તેનો પતિ તેની સફળતાની ઈર્ષ્યા કરતો હતો.
55 વર્ષની ઉંમરમાં ચોથા લગ્ન, 5 મહિનામાં તૂટ્યાં
11 જૂન, 1949માં હેટીને ઇન્ટિરિયર ડેકોરેટર લેરી સાથે ચોથા લગ્ન કર્યા હતા. થોડા અઠવાડિયા બાદ જ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. ફિલ્મને બદલે હેટી રેડિયોમાં નોકરી કરતી હતી. અહીંયા તે પોતાનો શો ચલાવતી હતી. તેનો પતિ લેરી કામમાં દખલગિરી કરવા લાગતા હેટીએ પાંચ મહિના બાદ ડિવોર્સ લઈ લીધા હતા. ડિવોર્સની સુનાવણી દરમિયાન હેટી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેણે કહ્યું હતું કે તે અંદરથી એ હદે ભાંગી પડી હતી કે તે સૂઈ પણ શકતી નહોતી ને કામ પર ફોકસ કરી શકતી નહોતી. ડિવોર્સ બાદ હેટી એકલવાયું જીવન જીવી હતી.
1942માં ફિલ્મ 'ઇન ધિસ અવર લાઇફ'માં હેટીએ કેરેક્ટર રોલ પ્લે કર્યો હતો. રંગભેદને કારણે હેટીએ 'ધ મેલ એનિમલ' (1942), 'સિસ યુ વેટ અવે' (1944) જેવી ફિલ્મમાં નોકરાણીનો રોલ પ્લે કર્યો હતો. 'ફેમિલી હનિમૂન' (1949) હેટીના કરિયરની છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેનો ખાસ રોલ નહોતો.
1949 પછી હેટ મેક્ડેનિયલે ફિલ્મમાં કામ કરવાનું બંધ કર્યું હતું. પછી તેણે રેડિયોમાં કામ કર્યું હતું. રેડિયો શો 'બ્યૂલાહ' પર ટીવી શોમાં કામ કરનાર હેટી પહેલી બ્લેક એક્ટર હતી. આ શો માટે તેને દર અઠવાડિયે 2000 ડૉલર મળતા હતા. અમેરિકન આર્મીના વિરોધ બાદ આ શોને એશિયામાં બૅન કરવામાં આવ્યો હતો.
બ્રેસ્ટ કેન્સર થયા બાદ પર્ફોમ ના કરી શકી
1951માં ડાયાબિટીઝમાં કોમ્પ્લિકેશન થતાં હેટીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહીંયા તેને બ્રેસ્ટ કેન્સર હોવાની જાણ થઈ હતી. હેટ કામ કરી શકે તેવી સ્થિતિમાં નહોતી. એક વર્ષ સારવાર ચાલી અને 26 ઓક્ટોબર 1952ના રોજ હેટીનું અવસાન થયું હતું.
વિલમાં બે ઈચ્છાઓ લખી હતી
હેટીએ પોતાના વિલમાં બે ઈચ્છાઓ પ્રગટ કરી હતી. પહેલી ઈચ્છા હતી કે તેનો ઓસ્કર અવૉર્ડ હાવર્ડ યુનિવર્સિટીને આપવામાં આવે અને બીજી ઈચ્છા હતી કે તેને હોલિવૂડ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવે. તે સમયે કોઈ શ્યામ વ્યક્તિને દફન કરવામાં આવ્યા નહોતા. કબ્રસ્તાન શ્યામ લોકો માટે પૂરી રીતે બૅન હતા. હેટીની આ ઈચ્છા પૂરી થઈ શકી નહોતી. હેટીને એન્જિલસ રોઝડેલ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવી હતી. તેના અંતિમ સંસ્કારમાં ત્રણ હજાર લોકો સામેલ થયા હતા. હોલિવૂડના બિગ સેલેબ્સ પણ આવ્યા હતા.
ઓસ્કર અવૉર્ડની ચોરી થઈ
હેટીની ઈચ્છા પ્રમાણે ઓસ્કર અવૉર્ડ હાવર્ડ યુનિવર્સિટીને આપવામાં આવ્યો હતો. 1970માં અચાનક આ અવૉર્ડની ચોરી થઈ હતી. અવૉર્ડ કેવી રીતે ચોરાયો તે આજે પણ એક રહસ્ય છે. 70ના દાયકામાં સિવિલ રાઇટ મૂવમેન્ટ ચરમ સીમા પર હતી. કહેવામાં આવે છે કે બ્લેક લોકો હેટીના નોકરાણીના રોલથી નારાજ હતા તો ગોરાઓને હેટીના અચીવમેન્ટ માટે કોઈ ખુશી નહોતી. હેટીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને ક્યારેય પોતે પ્લે કરેલા રોલ માટે શરમ નહોતી. તેના કારણે બ્લેક લોકોને ગર્વનો અનુભવ થયો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.