મીના શૌરીએ પાંચ લગ્ન કર્યાં, છતાં એકલી રહી:પાકિસ્તાનમાં રહેવા માટે ભારતીય પતિને તરછોડ્યો, દાનના પૈસાથી અંતિમ સંસ્કાર થયા હતા

4 મહિનો પહેલાલેખક: ઈફત કુરૈશી
  • કૉપી લિંક

આજકાલ એક ગીત ટ્રેન્ડમાં છે, 'ચન કિત્થા ગુજારી આઈ રાત વે...' કમ્પોઝિંગ નવું છે, પરંતુ આ ગીત અંદાજે 74 વર્ષ જૂનું છે. આ ફિલ્મનું ગીત એક સમયની લોકપ્રિય એક્ટ્રેસ મીના શૌરી પર શૂટ કરવામાં આવ્યું હતું. મીનાને 'લારા લપ્પા ગર્લ..'થી પણ ઓળખવામાં આવે છે. 50ના દાયકામાં આ ગીત તેનાં પર શૂટ કરવામાં આવ્યું હતું. બોલિવૂડમાં મીના શૌરીની વાત હંમેશાં વણકહી રહી હતી, કારણ કે તે ભારત છોડીને પાકિસ્તાન જતી રહી છે.

જન્મ પણ પાકિસ્તાનના પંજાબમાં થયો હતો, પરંતુ તે સમયે દેશના ભાગલા પડ્યા નહોતા. તેનું સાચું નામ ખુર્શીદ બેગમ હતું. તે લાહોરમાં મોટી થઈ હતી. ગરીબીમાં દિવસો પસાર થયા. મોટી બહેનનાં લગ્ન મુંબઈના એક સારા પરિવારમાં થયાં અને તે બહેનની સાથે લાહોરથી મુંબઈ આવી ગઈ હતી. સુંદર હતી તો સોહરાબ મોદીએ એક્ટ્રેસ બનાવી. ખુર્શીદ બેગમનું ઓનસ્ક્રીન નામ મીના છે.

મીનાએ પાંચ લગ્ન કર્યાં, પરંતુ એક પણ લગ્ન ટક્યાં નહીં. 3 લગ્ન ભારતમાં અને 2 પાકિસ્તાનમાં કર્યાં. 1956માં ત્રીજા પતિની સાથે એક ફિલ્મ માટે પાકિસ્તાન ગઈ તો પછી ક્યારેય પરત ફરી નહીં. પતિ ભારત આવ્યો અને તે પાકિસ્તાની બનીને રહી ગઈ. આ પતિ માટે તે મુસ્લિમમાંથી હિંદુ બની હતી, પરંતુ પાકિસ્તાનમાં રહેવા માટે ફરી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. પાકિસ્તાનમાં પણ બે લગ્ન કર્યાં, પરંતુ તે પણ નિષ્ફળ રહ્યા. મીનાને લક્સ ગર્લ ઑફ પાકિસ્તાન પણ કહેવામાં આવે છે. ત્યાં તેનું જીવન સરળ નહોતું અને મોત તો તેનાથી પણ બદતર હતું.

આજની વણકહી વાર્તાઓમાં મીના શૌરીની વાત....

17 નવેમ્બર, 1921. ખુર્શીદ જહાંનો જન્મ બ્રિટિશ ઇન્ડિયાના રાયવિંડ, પંજાબમાં ગરીબ પરિવારમાં થયો હતો. ચાર ભાઈ-બહેનમાંથી તેનો બીજો નંબર હતો. જમીનદાર પરિવાર સાથે સંબંધો હતા, પરંતુ પિતાની તમામ સંપત્તિ છીનવાઈ ગઈ ત્યારે તેમની પાસે કમાણીનું કોઈ માધ્યમ રહ્યું નહોતું. ફિરોઝપુરમાં પિતાએ કેટલાક બિઝનેસ કર્યા, પરંતુ દરેકમાં નિષ્ફળતા જ મળી. ખુર્શીદ નાની હતી, ત્યારે પિતા રંગકામના બિઝનેસ માટે લાહોરમાં શિફ્ટ થયા, પરંતુ આ બિઝનેસ પણ સફળ ના થયો. આર્થિક તંગીથી ત્રાસીને પિતા-માતા તથા બહેનોને ફટકારતા હતા.

લાહોરથી બોમ્બે સુધીની સફર
પિતાએ ખુર્શીદની મોટી બહેન વઝીર બેગમનાં લગ્ન એક સંપન્ન યુવક સાથે કરાવી દીધાં. ત્યારબાદ વઝીર બેગમ બોમ્બે (હવે, મુંબઈ) આવી. થોડાં સમય બાદ પિતાના અત્યાચારો વધ્યા તો મોટી બહેન વઝીરે ખુર્શીદ તથા માતાને બોમ્બે બોલાવી દીધાં.

પિતાની મરજી વિરુદ્ધ એક્ટિંગ કરી
મીનાને હંમેશાંથી અભિનયનો શોખ હતો, પરંતુ મુસ્લિમ જુનવાણી પરિવાર આની વિરુદ્ધમાં હતો. એક મિત્રની મદદથી મીનાએ પિતાથી છુપાઈને 'લૈલા મજનૂ' પર આધારિત નાટકમાં ભાગ લીધો હતો અને લૈલાનો રોલ પ્લે કર્યો હતો. 12 વર્ષીય મીના જ્યારે સ્ટેજ પર પરફોર્મ કરવા આવી ત્યારે પિતાને આની જાણ થઈ તો સ્ટેજ પરથી ગુસ્સામાં ખેંચીને લઈ આવ્યા હતા.

મીનાનો અભિનય એટલો દમદાર હતો કે તેના અધૂરા પરફોર્મન્સ બાદ પણ તેને અઢળક નાટકોની ઑફર મળતી હતી. ઘરમાં એક સમયે આર્થિક તંગી એ હદે વધી ગઈ કે પિતાએ મીનાને કોલકાતામાં એક નાટક કરવાની પરવાનગી આપી. આ નાટકમાં કામ કરવા બદલ 350 રૂપિયા ફી મળવાની હતી. જોકે, આ જ સમયે પિતાએ મીનાનાં લગ્ન કરાવવાનો નિર્ણય લીધો અને લાહોર જવાનું નક્કી કર્યું. મીના આ વખતે પિતા સામે ઘૂંટણિયે પડી નહીં. ઝઘડો થયો અને મીના બહેન સાથે બોમ્બેમાં જ રહી.

ફિલ્મ 'સિકંદર'ના મુહૂર્તમાં આવી અને હિરોઈન બની ગઈ
એક દિવસ મીના ઉર્ફે ખુર્શીદ પોતાની બહેન અને જીજા સાથે 'સિકંદર' ફિલ્મના મુહૂર્તમાં આવી હતી. ખુર્શીદ ઘણી જ સુંદર હતી અને આ ઇવેન્ટમાં ફિલ્મમેકર સોહરાબ મોદીની નજર તેના પર પડી હતી. તેમણે ખુર્શીદને 'સિકંદર'માં એક રોલ આપવાનું નક્કી કર્યું. સોહરાબ મોદીએ ફિલ્મ માટે ખુર્શીદનું નામ બદલીને મીના કરી દીધું. 1941માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'સિકંદર' મીનાની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેણે રાજા તક્ષીલાની બહેનનો રોલ પ્લે કર્યો હતો.

પહેલી ફિલ્મના કો-સ્ટાર સાથે 19 વર્ષની વયે લગ્ન કર્યાં
'સિકંદર' ફિલ્મનું શૂટિંગ કરતાં મીનાને એક્ટર-પ્રોડ્યૂસર જગૂર રાજા પ્રત્યે લાગણી થઈ અને 1941માં જ બંનેએ લગ્ન કરી લીધાં, પરંતુ આ લગ્ન છ મહિનાથી પણ વધુ ચાલી ના શક્યાં.

એક કોન્ટ્રાક્ટને કારણે ફિલ્મ હાથમાંથી નીકળી ગઈ
સોહરાબ મોદીએ મિનરવા મૂવિટોન પ્રોડક્શન હેઠળ બનેલી ત્રણ ફિલ્મ 'ફિર મિલિંગે' (1942), 'પૃથ્વીવલ્લભ' (1943) તથા 'પથ્થરો કા સૌદાગાર' (1944)માં મીનાને સાઇડ લીડ બનાવીને કામ કર્યું. મીનાએ સોહરાબના પ્રોડક્શન હાઉસ સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો કે તે બીજા પ્રોડક્શન હાઉસની ફિલ્મ સાઇન કરશે નહીં. કોન્ટ્રાક્ટ હેઠળ મીનાને દર મહિને 650 રૂપિયા મળતા હતા. આ સમયે લાહોરના રૂપ કે. શૌરી ખાસ મીનાને લઈને 'શાલીમાર' ફિલ્મ બનાવવા માટે મુંબઈ આવ્યા હતા. જોકે, કોન્ટ્રાક્ટને કારણે મીના તે ફિલ્મ ના કરી શકી. રૂપ શૌરી પાછા લાહોર જતા રહ્યા.

સોહરાબ મોદીએ મીનાનો ફાયદો ઉઠાવ્યો
ખુર્શીદ ઉર્ફે મીના કામ અર્થે લોહાર ગઈ અને તેણે દલસુખ પંચોલીની બે ફિલ્મ 'શહર સે દૂર' (1946) તથા 'અરસી' (1947) સાઇન કરી હતી. સોહરાબને આ વાતની જાણ થઈ તો તેમણે મીના વિરુદ્ધ કાયદાકીય પગલાં લીધાં. કોર્ટ કેસ થયો અને મીનાને 3 લાખનો દંડ થયો. તે સમયે દરેક કોન્ટ્રાક્ટ એક વર્ષના રહેતા, પરંતુ મીના અભણ હોવાથી સોહરાબે આ વાતનો ફાયદો ઉઠાવ્યો અને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો હતો.

કોન્ટ્રાક્ટ કેન્સલ કરવા માટે મોટી રકમ ચૂકવવી પડી
કોન્ટ્રાક્ટ કેન્સલ કરવા માટે સોહરાબે મીના પાસેથી 60 હજાર માગ્યા, પરંતુ તેના માટે આ બહુ મોટી રકમ હતી. મીનાએ આ સમયે સોહરાબની પત્ની મેહતાબની મદદ લીધી. અંતે 30 હજારમાં સેટલમેન્ટ થયું. સોહરાબનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં મીનાએ બીજી ફિલ્મ કરી. ભાગલા પહેલાં લાહોરમાં તેની છેલ્લી ફિલ્મ 'પતઝડ' હતી. આ ફિલ્મ 1948માં રિલીઝ થઈ હતી.

ભાગલા બાદ પહેલી પંજાબી ફિલ્મ સુપરહિટ રહી
1948માં રૂપ કે. શૌરીનો લાહોર સ્થિત સ્ટુડિયો સળગાવી દેવામાં આવ્યો હતો. નુકસાન થતાં રૂપ શૌરી ભારત પરત ફર્યા અને મીનાએ તેમને મદદ કરી અને પ્રોડક્શન હાઉસ 'શૌરી ફિલ્મ્સ' શરૂ કરાવ્યું હતું. પ્રોડક્શનની પહેલી ફિલ્મ 'ચમન' હતી અને મીના હિરોઈન હતી. આ ફિલ્મ ભારત-પાકિસ્તાન ભાગલા પર બનેલી પહેલી પંજાબી સુપરહિટ ફિલ્મ હતી.

ટ્રેન્ડસેન્ટર ગીતો આપીને 'લારા લપ્પા ગર્લ' બની
પહેલી હિટ ફિલ્મ બાદ રૂપ શૌરીએ મીનાને લઈને 'એક થી લડકી' (1949) ફિલ્મ બનાવી. આ ફિલ્મનું ગીત 'લારા લપ્પા લારા લપ્પા લાઈ રખદા' એટલું લોકપ્રિય થયું કે આ ટ્રેન્ડસેન્ટર ગીત વર્ષો સુધી યાદ રાખવામાં આવ્યું છે. મીના 'લારા લપ્પા ગર્લ' તરીકે લોકપ્રિય થઈ હતી. આ ફિલ્મ તે સમયની હિટ ફિલ્મ હતી. આ ફિલ્મ બાદ રૂપ શૌરી ટોપ કોમેડી ફિલ્મ ડિરેક્ટર બની ગયા.

1945ની આસપાસ મીનાએ એક્ટર તથા કો-સ્ટાર અલ નાસિર સાથે લગ્ન કર્યાં, પરંતુ આ લગ્ન પણ થોડા મહિનામાં જ તૂટી ગયાં. બંનેનાં લગ્ન તથા ડિવોર્સની વાત ત્યારે સામે આવી, જ્યારે નાસિરે 1947માં એક્ટ્રેસ વીણા સાથે લગ્ન કર્યાં હતાં. ફિલ્મી ઇન્ડિયાની એક કોલમમાં રાઇટરે લખ્યું હતું કે અલ નાસિર એક્ટ્રેસ મીનાના પૂર્વ પતિ છે અને હવે તે વીણા સાથે લગ્ન કરે છે. મીનાએ ભારતમાં 'તેરી નિશાની' (1949), 'અનમોલ રતન' (1950), 'ઢોલક' (1951), 'એક દો તીન' (1953) જેવી ફિલ્મમાં કામ કર્યું હતું.

ત્રીજા લગ્ન ને પતિના નામથી ઓળખ
રૂપ કે. શૌરી સાથે કામ કરતાં સમયે મીનાએ તેમની સાથે જ ત્રીજા લગ્ન કર્યાં અને ધર્મ બદલીને હિંદુ બની ગઈ. આ લગ્ન ક્યારે થયાં તેની નક્કર માહિતી નથી, પરંતુ આ લગ્ન 7-8 વર્ષ ચાલ્યાં હતાં. રૂપ કે. શૌરી સાથેનાં લગ્ન સમયે મીના સફળ એક્ટ્રેસીસમાંથી એક હતી. પહેલી વાર મીનાનાં લગ્નની માહિતી જાહેરમાં સામે આવી હતી અને તેણે પતિની સરનેમ પણ અપનાવી હતી.

પાકિસ્તાની સિનેમા માટે ત્રીજા લગ્ન તોડ્યાં
રૂપ શૌરી તથા મીનાને પાકિસ્તાની ફિલ્મ પ્રોડ્યૂસર જે સી આનંદે 'મિસ' (1956) ફિલ્મ બનાવવા માટે પાકિસ્તાન બોલાવ્યાં હતાં. બંને ગયાં, ફિલ્મ બની અને હિટ રહી. જોકે, જ્યારે ભારત પરત ફરવાનું થયું ત્યારે મીનાને પાકિસ્તાનમાં પોતાનું સ્ટારડમ જોઈને ભારત આવવાની ના પાડી દીધી. રૂપ કે શૌરી એકલા જ પરત આવ્યા અને બંનેનાં લગ્ન તૂટી ગયાં. પાકિસ્તાનમાં મીનાએ મુસ્લિમ ધર્મ કબૂલ કર્યો.

ચોથા લગ્ન પણ તૂટી ગયાં
પાકિસ્તાની ફિલ્મમાં કામ કરતા મીનાએ પ્રોડ્યૂસર રઝા મીર સાથે ચોથા લગ્ન કર્યાં, પરંતુ તૂટી ગયાં. કારણ અને વર્ષની માહિતી કોઈને નથી.

ફિલ્મમાંથી સાઇડલાઇન થઈ તો ફિલ્મી દુનિયાથી દૂર થઈ
1958માં આવેલી ફિલ્મ 'આખરી નિશાન' પછી મીનાની મોટાભાગની ફિલ્મ ફ્લોપ રહી હતી. થોડા સમય બાદ તેને ફિલ્મમાં સાઇડ રોલ અથવા નેગેટિવ રોલ મળવા લાગ્યા. તે ફિલ્મ 'મૌસિકર'માં વેમ્પ બની તો 'ખામોશ રહો'માં વેશ્યાલયની માલકિન બની હતી. સાઇડલાઇન થતાં મીના દુઃખી રહેવા લાગી અને તે ફિલ્મની ઑફર ઠુકરાવવા લાગી.

પાંચમો પતિ મીનાને મારતો હતો
1963માં ફિલ્મ 'જમાલો'ના શૂટિંગ દરમિયાન મીનાએ કો-સ્ટાર અસદ બુખારી સાથે પાંચમા લગ્ન કર્યાં, પરંતુ થોડાં જ મહિનામાં આ લગ્ન તૂટી ગયાં હતાં. કહેવાય છે કે અસદનો વ્યવહાર મીના પ્રત્યે ઘણો જ ક્રૂર હતો અને તે મારપીટ કરતો હતો.

ભારત આવવા તૈયાર હતી, પરંતુ ફિલ્મ ના મળી
1960માં મીનાએ પ્રેસનોટમાં જાહેરાત કરી કે તે ભારત પરત ફરે છે. તેણે પંજાબી ફિલ્મ 'મૈં જટ્ટી પંજાબ દી' સાઇન કરી, પરંતુ આ ફિલ્મ ક્યારેય બની જ નહીં.

આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો
ફિલ્મમાંથી સંન્યાસ લીધા બાદ મીના ગુમનાની ને એકલતામાં જીવન પસાર કરવા લાગી. બચત બધી જ પૂરી થઈ ગઈ અને તે કંગાળ બની ગઈ. મીના આલીશાન બંગલો છોડીને બે રૂમના ભાડાના મકાનમાં રહેવા મજબૂર બની હતી. આ ભાડાનું ઘર લાહોરના મોહિની રોડ પર હતું. ઘરમાં તેનું ધ્યાન રાખનાર કોઈ નહોતું.

ત્રીજો પતિ મદદ કરતો
પાંચમા લગ્ન તૂટ્યાં બાદ મીના ભારત આવી હતી. કહેવાય છે કે મીનાનો ત્રીજો પતિ રૂપ શૌરી તેને ઘણો જ પ્રેમ કરતો હતો. મીના ભારત આવી તો રૂપ શૌરીને તેની ગરીબાઈની જાણ થઈ હતી. તે કોઈને કહ્યા વગર છાનેમાને મીનાને પૈસાની મદદ કરતો હતો. મીના ઘણી જ સ્વાભિમાની હતી, તેને આ વાતની જાણ થઈ હોત તો ક્યારેય મદદ લેતી નહીં. 1973માં રૂપ કે. શૌરીનું અવસાન થયું અને મીનાને મદદ મળતી બંધ થઈ.

હું લીલા ઝાડની વચ્ચે સુકાયેલું ઝાડ
લાહોરમાં મીના પોતાના ભત્રીજા સાથે ગરીબીમાં જીવન પસાર કરતી હતી. પાકિસ્તાનની લોકપ્રિય ફોક સિંગર તથા ગઝલકાર મલિકા પુખરાજે મદદ કરી હતી. મીનાએ ઘણીવાર પોતાને લીલા ઝાડની વચ્ચે જોવા મળતું સૂકું ઝાડ કહ્યું હતું. 3 સપ્ટેમ્બર, 1989માં મીનાએ લાહોરમાં અંતિમ શ્વાસ લીધા હતા. મીનાના અંતિમ સંસ્કાર કરનારું કોઈ નહોતું. આસપાસા લોકોએ પૈસા ભેગા કરીને અંતિમ સંસ્કાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...