ડ્રગ્સ કેસને કારણે આર્યનનો પ્લાન ચોપટ:SRKનો દીકરો હવે વિદેશમાં નહીં પણ અબ્બુજાન સાથે રહીને ભારતમાં જ ફિલ્મમેકિંગ શીખશે

મુંબઈ5 મહિનો પહેલા
  • શાહરુખ ખાનનો દીકરો યશરાજ અથવા ધર્મા પ્રોડક્શન સાથે કામ કરે તેવી શક્યતા

બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ઓક્ટોબરમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને બોમ્બે હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. જામીન મળ્યા બાદ આર્યન ખાનનું જીવન ધીમે ધીમે પાટે ચઢી રહ્યું છે. આર્યન ખાનને દર શુક્રવારે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની ઓફિસમાં હાજરી પુરાવવી પણ જરૂરી નથી. હવે એ વાત સામે આવી છે કે આર્યન ખાન ફરીથી ફિલ્મ મેકિંગ પર ધ્યાન આપી રહ્યો છે.

આર્યન ખાન ટૂંક સમયમાં બોલિવૂડના બિગ પ્રોડક્શન હાઉસમાં બિગ ડિરેક્ટર્સ સાથે ફિલ્મમેકિંગ શીખવાનું શરૂ કરશે. આર્યન ખાન પહેલાં વિદેશમાં જઈને હોલિવૂડના ડિરેક્ટર્સ પાસેથી ફિલ્મમેકિંગ શીખવાનો હતો. જોકે, ડ્રગ્સ કેસમાં ફસાયા બાદ હવે આર્યન વિદેશ જઈ શકે તેમ નથી. આર્યન ખાનને શરતી જામીન મળ્યા છે અને તે પ્રમાણે, આર્યને NCB પાસે પાસપોર્ટ જમા કરાવ્યો છે. આથી જ શાહરુખનો દીકરો બોલિવૂડમાં રહીને જ ફિલ્મમેકિંગ શીખશે.

શાહરુખ ખાન યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા તથા ધર્મા પ્રોડક્શનના કરન જોહરની ઘણો જ નિકટ છે. આથી જ માનવામાં આવે છે કે આર્યન ખાન આ બંનેમાંથી એક પ્રોડક્શન હાઉસ સાથે કામ શૉકરી શકે છે. ચર્ચા તો એવી પણ છે કે આર્યન ખાન અબ્બુજાનની ફિલ્મ 'પઠાન' સાથે જોડાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન ધર્મા પ્રોડક્શનની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો છે.

દીકરાને સ્ટ્રેસમાંથી બહાર લાવવા લાઇફ કોચની મદદ લીધી
આર્યન ખાન ડ્રગ્સ કેસ બાદ એકદમ ગુમસુમ થઈ ગયો હતો. શાહરુખે દીકરા માટે જાણીતા લાઇફ કોચ આરફીન ખાનને હાયર કર્યા હતાં. નોંધનીય છે કે રીતિક રોશને પત્ની સુઝાન ખાનને વર્ષ 2014માં ડિવોર્સ આપ્યા ત્યારે પણ આરફીન ખાનનું નામ ચર્ચામાં આવ્યું હતું. રીતિક રોશને તે સમયે આરફીન ખાનને જ હાયર કર્યો હતો.

આર્યન ખાનની ધરપકડ 3 ઓક્ટોબરે થઈ હતી
આર્યન ખાન 2 ઓક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જતાં કૉર્ડેલિયા શિપમાં મિત્રો સાથે પાર્ટી કરવા ગયો હતો. અહીંયા NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ આર્યન ખાન સહિત 8 લોકોની અટકાયત કરી હતી. 3 ઓક્ટોબરે આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આર્યન ખાનને આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યો હતો. 28 ઓક્ટોબરે બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાનની જામીન અરજી મંજૂર કરી હતી અને તે 30 ઓક્ટોબરે જેલની બહાર આવ્યો હતો.