'પઠાન'નો વિરોધ:મુખ્યમંત્રી હિમંત બિસ્વાની 'કોણ છે શાહરુખ ખાન'ની ટિપ્પણી બાદ SRKએ આસામના CMને ફોન કર્યો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વાએ રવિવાર, 22 જાન્યુઆરીના રોજ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેમણે શાહરુખ ખાન સાથે મોડી રાત્રે ફોન પર વાત કરી હતી. અસમમાં 'પઠાન'નો વિરોધ થઈ રહ્યો છે અને મુખ્યમંત્રીએ શાહરુખ ખાનને વિશ્વાસ અપાવ્યો છે કે રાજ્ય સરકાર ફિલ્મ રિલીઝ વખતે આ પ્રકારની કોઈ ઘટના ના બને તે અંગે યોગ્ય પગલાં લેશે.

મુખ્યમંત્રીએ શું કહ્યું?
મુખ્યમંત્રીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'બોલિવૂડ એક્ટર શ્રી શાહરુખ ખાને મને આજે સવારે બે વાગ્યે ફોન કર્યો હતો અને અમે વાતચીત કરી હતી. શાહરુખ ખાને ગુવાહાટીમાં ફિલ્મ સ્ક્રીનિંગ દરમિયાન બનેલી ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મેં તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે કાયદો અને વ્યવસ્થાનું ધ્યાન રાખવું એ રાજ્ય સરકારની ફરજ છે. અમે આ અંગે યોગ્ય તપાસ કરીશું અને આવી અનિચ્છનીય ઘટના ના બને તેનું પણ ધ્યાન રાખીશું.'

થિયેટરમાં 'પઠાન'ના પોસ્ટર સળગાવાયા હતા
શુક્રવાર, 20 જાન્યુઆરીના રોજ અસમના નારેનગીના થિયેટરમાં કેટલાંક લોકોએ 'પઠાન' ફિલ્મના પોસ્ટર સળગાવ્યા હતા અને થિયેટરમાં તોડફોડ કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું, કોણ છે શાહરુખ ખાન?
'પઠાન'ના વિરોધમાં તોડફોડ થતાં શનિવાર, 21 જાન્યુઆરીના રોજ પત્રકારોએ મુખ્યમંત્રી હિમંતને આ અંગે સવાલ કર્યો હતો. જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું, 'કોણ છે શાહરુખ ખાન? શા માટે આપણે તેની આટલી ચિંતા કરવી જોઈએ? આપણી પાસે ઘણાં શાહરુખ ખાન છે. મેં હજી સુધી 'પઠાન' ફિલ્મ અંગે કંઈ જ સાંભળ્યું નથી અને મારી પાસે ફિલ્મ જોવાનો સમય પણ નથી.' જોકે, પત્રકારોને તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે રાજ્યમાં કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તેનું તે ધ્યાન રાખશે.

વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું, 'કાયદો ને વ્યવસ્થાની સ્થિતને જે પણ ડામાડોળ કરવાનો પ્રયાસ કરશે, તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. જોકે, તેમને થિયેટરના માલિક તરફથી અથવા તો ફિલ્મના મેકર્સ તરફથી હજી સુધી કોઈ ફરિયાદ મળી નથી. જો આવી કોઈ ઘટના બને છે તો શાહરુખે જાતે મને ફોન કરવો જોઈએ. જો તે મને ફોન કરે છે તો હું આ ઘટના તરફ યોગ્ય ધ્યાન આપીશ.'

ફિલ્મમાં કેટલાંક ચેન્જ કરવામાં આવ્યા
ફિલ્મમાં હવે 'રૉ'ને બદલે 'હમારે' તથા 'લંગડે લૂલે'ની જગ્યાએ 'ટૂટે ફૂટે', 'PM'ની જગ્યાએ રાષ્ટ્રપતિ અથવા મંત્રી કહેવામાં આવશે. ફિલ્મમાંથી 'PMO' શબ્દ 13 જગ્યાએ હટાવવામાં આવ્યો છે. આટલું જ નહીં, ફિલ્મમાંથી 'અશોક ચક્ર'ને 'વીર પુરસ્કાર', 'પૂર્વ KGG'ને બદલે હવે 'પૂર્વ SBU' તથા 'મિસિસ ભારતમાતા'ને બદલે 'હમારી ભારતમાતા' કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ફિલ્મમાં 'સ્કોચ'ને બદલે 'ડ્રિંક' શબ્દ સાંભળવા મળશે. ટેકસ્ટ 'બ્લેક પ્રિજન રુસ'ને બદલે હવે દર્શકોને માત્ર 'બ્લેક પ્રિજન' વાંચવા મળશે.

'બેશરમ રંગ..'માં ત્રણ કટ મૂકવામાં આવ્યા
વિવાદાસ્પદ ગીત 'બેશરમ રંગ..'માં દીપિકા પાદુકોણના નિતંબના ક્લોઝઅપ શોટ, સાઇડ પોઝ તથા 'બહુત તંગ કિયા..' વખતે દીપિકાનો જે સેન્સેશનલ ડાન્સ છે એ હટાવવામાં આવ્યો છે.

100 કરોડમાં ફિલ્મના રાઇટ્સ વેચાયા
શાહરુખની આ ફિલ્મના મીડિયા રાઇટ્સ અંદાજે 100 કરોડમાં વેચાયા છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં જોન અબ્રાહમ પણ લીડ રોલમાં છે. શાહરુખ ખાન 'પઠાન'થી ચાર વર્ષ બાદ બિગ સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. શાહરુખ છેલ્લે 2018માં 'ઝીરો'માં જોવા મળ્યો હતો. 'પઠાન'નું બજેટ અંદાજે 250 કરોડ રૂપિયાનું છે.

અન્ય સમાચારો પણ છે...