મુંબઈ એરપોર્ટ પર કસ્ટમે શાહરુખ ખાનને રોક્યો:શારજાહથી 18 લાખની ઘડિયાળો લાવ્યો, સાત લાખનો દંડ ભરવો પડ્યો

23 દિવસ પહેલા

બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનને મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે રોક્યો હતો. એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)નાં સૂત્રોએ કહ્યું હતું કે શાહરુખ ખાન શુક્રવાર, 11 નવેમ્બરની રાત્રે શારજાહથી મુંબઈ આવ્યો હતો. તેની પાસે મોંઘી ઘડિયાળો મળી આવી હતી. આ ઘડિયાળની કિંમત 18 લાખ રૂપિયા હતી. આ ઘડિયાળ માટે શાહરુખ ખાને 6.83 લાખ રૂપિયાની કસ્ટમ ડ્યૂટી ભરી હતી.

શનિવાર, 12 સપ્ટેમ્બરના રોજ સવારે પાંચ વાગ્યે શાહરુખ ખાન મુંબઈ એરપોર્ટમાંથી બહાર નીકળ્યો હતો (રેડ સર્કલમાં), શાહરુખની સાથે તેની મેનેજર પૂજા દદલાણી પણ હતી.
શનિવાર, 12 સપ્ટેમ્બરના રોજ સવારે પાંચ વાગ્યે શાહરુખ ખાન મુંબઈ એરપોર્ટમાંથી બહાર નીકળ્યો હતો (રેડ સર્કલમાં), શાહરુખની સાથે તેની મેનેજર પૂજા દદલાણી પણ હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શાહરુખ ખાન પ્રાઇવેટ ચાર્ટર્ડ પ્લેનથી મુંબઈ આવ્યો હતો. અહીં મોડી રાત્રે T 3 ટર્મિનલ પર ઊતર્યો હતો અને એક વાગ્યે કસ્ટમ્સે તેને રોક્યો હતો. તપાસ સમયે શાહરુખ ખાનની બેગમાંથી બબન એન્ડ ઝુર્બ્કની ઘડિયાળ, રોલેક્સની ઘડિયાળના છ ડબ્બા, સ્પ્રિરિટ બ્રાન્ડની ઘડિયાળ, એપલ સિરીઝની ઘડિયાળ મળી આવી હતી. આ સાથે જ ખાલી બોક્સ પણ હતાં.

પેનલ્ટી ભરીને શાહરુખ ખાનને છોડવામાં આવ્યો
એરપોર્ટ પર એક કલાક સુધી આ પ્રક્રિયા ચાલી હતી. ત્યાર બાદ શાહરુખ અને તેની મેનેજર પૂજા દદલાણીને ત્યાંથી જવા દેવામાં આવી હતી, પરંતુ શાહરુખ ખાનના બૉડીગાર્ડ રવિ અને તેની ટીમને રોકી રાખવામાં આવ્યાં હતાં. સૂત્રોના મતે, શાહરુખના બૉડીગાર્ડે 6 લાખ 87 હજાર રૂપિયાની કસ્ટમ ડ્યૂટી ભરી હતી. આ બધી પ્રોસેસ પૂરી કરતાં સવારના આઠ વાગી ગયા હતા. ત્યાર બાદ કસ્ટમ અધિકારીઓએ રવિને છોડ્યો હતો.

આ તસવીર દુબઈની છે.
આ તસવીર દુબઈની છે.

બુક લૉન્ચિંગમાં હાજરી આપી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શાહરુખ પોતાની ટીમ સાથે બુક લૉન્ચ ઇવેન્ટમાં પણ સામેલ થયો હતો. તે શુક્રવાર, 11 નવેમ્બરે રાત્રે સાડાબાર વાગ્યાની આસપાસ ચાર્ટર્ડ પ્લેનથી મુંબઈ પરત ફર્યો હતો. એરપોર્ટ પર રેડ ચેનલ ક્રોસ કરતા સમયે કસ્ટમે શાહરુખ અને તેની ટીમને રોકીને બેગની તપાસ કરી હતી.

અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો
બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનને UAEમાં અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. કિંગ ખાનને આ અવૉર્ડ તેના યોગદાન તથા ગ્લોબલ આઇકન તરીકે આપવામાં આવ્યો છે. 11 નવેમ્બરના રોજ શાહરુખ ખાને UAEના એક્સપો સેન્ટરમાં હાજરી આપી હતી. અહીં શારજાહ ઇન્ટરનેશનલ બુક ફેર 2022ના 41મી એડિશનમાં ગ્લોબલ આઇકન ઑફ સિનેમા એન્ડ કલ્ચરલ નેરેટિવ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ઇવેન્ટ દરમિયાન શાહરુખે મીડિયાના સવાલોના જવાબ પણ આપ્યા હતા. જ્યારે શાહરુખને પૂછવામાં આવ્યું કે તેના પેરેન્ટ્સ તેની અચીવમેન્ટ જોઈને શું કહેત? જવાબમાં એક્ટરે કહ્યું હતું, 'મને લાગે છે કે મારી અમ્મી સૌ પહેલા મને જોઈને કહેત કે તું ઘણો જ પાતળો થઈ ગયો છે. થોડું વજન વધાર. તારું મોં કેવું થઈ ગયું છે, તારા ગાલ બેસી ગયા છે.'

શારજાહ ઇન્ટરનેશનલ બુક ફેર 2022ની 41મી એડિશનમાં શાહરુખ ખાનને ગ્લોબલ આઇકોન ઑફ સિનેમા એન્ડ કલ્ચરલ નરેટિવ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
શારજાહ ઇન્ટરનેશનલ બુક ફેર 2022ની 41મી એડિશનમાં શાહરુખ ખાનને ગ્લોબલ આઇકોન ઑફ સિનેમા એન્ડ કલ્ચરલ નરેટિવ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

શાહરુખ ખાને વધુમાં કહ્યું હતું, 'મને લાગે છે કે મારા અચીવમેન્ટ પર પેરેન્ટ્સ બહુ જ ખુશ થાત. જો હું વાસ્તવમાં આને અચીવમેન્ટ કહું તો મને લાગે છે કે આ તમામ વસ્તુઓ આપણે કરવી જોઈએ અને જીવવી જોઈએ. હું એમ માનું છું કે મેં જે રીતે ત્રણેય બાળકને મોટા કર્યા એ જોઈને પેરેન્ટ્સને ગર્વ થાત. મારા પેરેન્ટ્સ આ જોઈને ખુશ થાત.'

આવતા વર્ષે આ ત્રણ ફિલ્મ રિલીઝ થશે
હાલમાં જ શાહરુખ ખાને બોલિવૂડમાં 30 વર્ષ પૂરાં કર્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરુખ ખાન 2018માં 'ઝીરો'માં જોવા મળ્યો હતો. હવે 2023માં સૌ પહેલાં તેની 'પઠાન' રિલીઝ થશે. ત્યાર બાદ 'જવાન' પછી 'ડંકી' રિલીઝ થશે.

શાહરુખને 2011માં પણ મુંબઈ એરપોર્ટ પર જ રોક્યો હતો
જુલાઈ, 2011માં પણ શાહરુખને મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ ડિપાર્ટમેન્ટે અટકાવવ્યો હતો. આ સમયે સમીર વાનખેડે (આ એ જ સમીર વાનખેડે છે, જેમણે ગયા વર્ષે શાહરુખના દીકરા આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. ગયા વર્ષે સમીર વાનખેડે NCBના વડા હતા) અને તેમની ટીમે શાહરુખ ખાનની પૂછપરછ કરી હતી અને તેનો સામાન પણ ચેક કર્યો હતો. સમીર વાનખેડેએ કેટલાક કલાકો સુધી શાહરુખ ખાનની પૂછપરછ કરી હતી. શાહરુખ પોતાની સાથે 20થી વધુ બેગ લઈને આવ્યો હતો. કસ્ટમ ડિપાર્ટમેન્ટે શાહરુખને દોઢ લાખનો દંડ ફટકાર્યો હતો. શાહરુખ લંડન તથા હોલેન્ડમાં વેકેશન મનાવીને પરિવાર સાથે પરત ફર્યો હતો.

અમેરિકામાં ત્રણવાર ડિટેઇન થયો
અમેરિકના એરપોર્ટ પર શાહરુખ ખાનને વર્ષ 2009, 2012 તથા 2016 એમ ત્રણ વાર ડિટેઇન કરવામાં આવ્યો હતો. 2009માં સૌ પહેલા અમેરિકા એરપોર્ટ પર શાહરુખ ખાનને ડિટેઇન કરવામાં આવ્યો હતો. શાહરુખ ખાનની નેવાર્ક એરપોર્ટ પર બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એ સમયે આતંકીનું નામ શાહરુખ ખાન હતું અને ગૂગલ સર્ચિંગમાં જ્યારે પણ આ નામ સર્ચ કરવામાં આવે ત્યારે શાહરુખ ખાનની તસવીર સામે આવતી હતી. જોકે પછી આમાં સુધારો કરવામાં આવ્યો હતો. એરપોર્ટ અધિકારીઓએ એવું કારણ આગળ ધર્યું હતું કે તેમના કોમ્પ્યુટરમાં ખાન નામ એલર્ટ લિસ્ટમાં સામેલ છે. એ સમયે શાહરુખ ખાનને અઢળક સવાલો કરવામાં આવ્યા હતા, જેમાં તે અમેરિકા કેમ આવ્યો છે, કોની સાથે આવ્યો છે, અહીં શું કરશે. તેની બેગ પણ ચેક કરવામાં આવી હતી. એક કલાક સુધી શાહરુખ ખાનને એક ફોન કરવાની પણ પરવાનગી આપવામાં આવી નહોતી. આ સમયે શાહરુખે અધિકારીઓને કહ્યું હતું, 'હું ફિલ્મસ્ટાર છું અને ફિલ્મના શૂટિંગ માટે તેમના દેશમાં આવ્યો છું.' અલબત્ત, અધિકારીઓને શાહરુખ ખાનની એકપણ વાતથી કોઈ ફેર પડ્યો નહોતો. એરપોર્ટ પરના અન્ય ઇમિગ્રેશન અધિકારીઓએ શાહરુખની તપાસ કરનાર ઇમિગ્રેશન અધિકારીને એક્ટર અંગે માહિતી આપી હતી, પરંતુ તે અધિકારીને કોઈ ફેર પડ્યો નહીં. બે કલાક બાદ શાહરુખ ખાનનો છુટકારો થયો હતો.

2012માં શાહરુખ ખાનને ન્યૂ યોર્કની નજીક આવેલા વેસ્ટચેસ્ટર કાઉન્ટી એરપોર્ટ પર ડિટેઇન કરવામાં આવ્યો હતો. આ સમયે શાહરુખ ખાન પ્રાઇવેટ પ્લેનમાં બિઝનેસમેન મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી સાથે હતો. શાહરુખ ખાન યેલ યુનિવર્સિટીમાં સ્પીચ આપવા માટે આવ્યો હતો. શાહરુખને એરપોર્ટ પર 90 મિનિટ સુધી રોકી રાખવામાં આવ્યો હતો. આ જ કારણે તે યુનિવર્સિટીમાં 3 કલાક મોડો પહોંચ્યો હતો. અમેરિકન કસ્ટમ તથા બોર્ડર પ્રોટેક્શન અધિકારીઓએ શાહરુખની માફી માગી હતી. ત્યાર બાદ શાહરુખે એક સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, જ્યારે પણ મને લાગે કે હું અભિમાની થઈ ગયો છું, તો હું અમેરિકા જઈ આવું છું. ઇમિગ્રેશનવાળા એક સ્ટારને તેનો અસલી ચહેરો બતાવી આપે છે.'

2016માં ત્રીજીવાર શાહરુખ ખાનની અટકાયત અમેરિકાના એરપોર્ટ પર કરવામાં આવી હતી. આ સમયે શાહરુખની સાથે તેનાં બાળકો આર્યન ખાન તથા સુહાના ખાન પણ હતાં. શાહરુખ ખાન ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની ફિલ્મના શૂટિંગ અર્થે યુરોપથી અમેરિકા આવ્યો હતો. શાહરુખ ખાનને લોસ એન્જલસના એરપોર્ટ પર ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે રોક્યો હતો. અમેરિકાએ પછી શાહરુખ ખાનની માફી પણ માગી હતી. અમેરિકાના દક્ષિણ તથા મધ્ય એશિયન બાબતોની સહાયક સચિવ નિશાએ આ ઘટના અંગે માફી માગતાં કહ્યું હતું, 'સોરી શાહરુખ, પણ અમેરિકન સચિવોએ પણ એકસ્ટ્રા સ્ક્રીનિંગમાંથી પસાર થવું પડે છે.' ભારતમાં અમેરિકાના રાજદૂત રિચર્ડ વર્માએ પણ માફી માગી હતી. શાહરુખ ખાને પોકેમોન રમત રમીને ટાઇમ પસાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે આ ઘટના ઘણી જ સામાન્ય છે.

એરપોર્ટ પર છત્રી કે માસ્કમાં જ જોવા મળે છે
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ગયા વર્ષે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તે જામીન પર છૂટી ગયો હતો. દીકરાની ધરપકડ થઈ એ સમયે મીડિયામાં આર્યન ખાન અંગે બેફામ વાતો લખવામાં આવી હતી. શાહરુખ ખાન આ વાતથી નારાજ હોય તેમ લાગે છે. તે જ્યારે પણ જાહેરમાં આવે ત્યારે ચહેરો છત્રી, હૂડી કે માસ્કથી છુપાવતો હોય છે. શાહરુખ ખાન ભાગ્યે જ મીડિયાને પોઝ આપે છે. શાહરુખ ખાને પોતાની કારમાં પણ બ્લેક કર્ટેન લગાવીને રાખ્યા છે. શાહરુખ ખાન પાર્ટી અથવા તો બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની ઇવેન્ટમાં સહજતાથી મિત્રો તથા ચાહકો સાથે ફોટો ક્લિક કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...