શાહરુખની સંતાકૂકડી:દીકરા અંગેના બેફામ સમાચારોને કારણે SRK મીડિયાથી નારાજ છે? ક્યારેક છત્રીમાં તો ક્યારેક હૂડીમાં ચહેરો છુપાવે છે

અમદાવાદ15 દિવસ પહેલા

કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન હાલમાં બેક ટુ બેક ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આવતા વર્ષે શાહરુખ ખાનની ત્રણ-ત્રણ ફિલ્મ રિલીઝ થવાની છે. જોકે શાહરુખ ખાન હાલમાં મીડિયાથી નારાજ હોય તેમ લાગી રહ્યું છે. શાહરુખ ખાન છેલ્લા ઘણા મહિનાઓથી મીડિયાને પોઝ આપતો નથી. આટલું જ નહીં, તે જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે એ વાતનું અચૂક ધ્યાન રાખે છે કે મીડિયા તેની તસવીર ક્લિક ના કરે. શાહરુખના દીકરા આર્યન ખાનની ગયા વર્ષે ઓક્ટોબરમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ ધરપકડ કરી હતી. આર્યન ખાન 28 દિવસ જેલમાં રહ્યો હતો. આ દરમિયાન આર્યન ખાન વિશે મીડિયામાં જાતભાતની વાતો થતી હતી. માનવામાં આવે છે કે શાહરુખ ખાન આ તમામ વાતોથી નારાજ થયો છે.

ગયા વર્ષથી શરૂ થયો આ સિલસિલો
શાહરુખ ખાનનો દીકરો જેલમાંથી ઘરે આવ્યો પછી 6 નવેમ્બરે એક્ટર મુંબઈથી દિલ્હી ગયો હતો. શાહરુખ મુંબઈના પ્રાઇવેટ એરપોર્ટ કલીના આવ્યો હતો. અહીંયા તેણે છત્રીથી ચહેરો છુપાવ્યો હતો. શાહરુખ 7 નવેમ્બરે દિલ્હીથી મુંબઈ પરત ફર્યો હતો.

મુંબઈ એરપોર્ટ પર શાહરુખ.
મુંબઈ એરપોર્ટ પર શાહરુખ.

એપ્રિલમાં કારમાં પડદા લગાવીને બહાર નીકળ્યો
રણબીર-આલિયાએ 14 એપ્રિલના રોજ ઘરમાં લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ બંનેએ 16 એપ્રિલના રોજ વેડિંગ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં કરન જોહર, ડિરેક્ટર લવ રંજન, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, તારા સુતરિયા, આદર જૈન, કરિશ્મા કપૂર, આદિત્ય રોય કપૂર સહિતના મહેમાનો આવ્યા હતા. શાહરુખ ખાન પણ પાર્ટીમાં આવ્યો હતો. જોકે, તે કારને પડદા લગાવીને આવ્યો હતો. ફોટોગ્રાફર્સે શાહરુખ ખાનને તેની કાર પરથી ઓળખી કાઢ્યો હતો.

રણબીર-આલિયાની વેડિંગ પાર્ટીમાં શાહરુખ કારમાં બ્લેક કર્ટેન લગાવીને આવ્યો હતો.
રણબીર-આલિયાની વેડિંગ પાર્ટીમાં શાહરુખ કારમાં બ્લેક કર્ટેન લગાવીને આવ્યો હતો.

પાર્ટીમાં મન વગર મીડિયાને પોઝ આપ્યા
બાબા સિદ્દીકીએ 17 એપ્રિલ, રવિવારના રોજ ઈફ્તાર પાર્ટી મુંબઈની હોટલ તાજ લેન્ડ્સ એન્ડમાં યોજી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. શાહરુખ ખાન પણ આ પાર્ટીમાં ખાસ હાજર રહ્યો હતો. શાહરુખ ખાન રેડ કાર્પેટ પર ઊભા રહીને મીડિયા સામે પોઝ આપવા તૈયાર નહોતો. જોકે, બાબા સિદ્દીકીએ હાથ પકડીને શાહરુખ ખાન સાથે ફોટા ક્લિક કરાવ્યા હતા. આ સમયે શાહરુખ ખાનના ચહેરા પર સ્પષ્ટ રીતે અણગમો જોઈ શકાતો હતો.

કારની અંદર છુપાયો
એપ્રિલ મહિનામાં કરન જોહર તથા અપૂર્વ મહેતાએ નેટફ્લિક્સની ગ્લોબલ ટીવી ચીફ બેલા બજારીયા માટે પાર્ટી હોસ્ટ કરી હતી. આ પાર્ટીમાં શાહરુખ ખાન આવ્યો હતો, પરંતુ તેણે કારમાં કાળા પડદા લગાવી દીધા હતા.

શાહરુખ પાર્ટીમાં કારમાં બ્લેક કર્ટેન લગાવીને એન્ટર થયો હતો.
શાહરુખ પાર્ટીમાં કારમાં બ્લેક કર્ટેન લગાવીને એન્ટર થયો હતો.

ગયા મહિને પણ છત્રી પાછળ સંતાયો હતો
મે મહિનામાં શાહરુખ ખાન મુંબઈના પ્રાઇવેટ એરપોર્ટ કલીના પર જોવા મળ્યો હતો. એરપોર્ટની અંદર જવા માટે શાહરુખ ખાને બૉડીગાર્ડ પાસે છત્રી મંગાવી હતી. શાહરુખ પોતાની કારમાંથી ઊતર્યો એટલે તરત જ બૉડીગાર્ડે મોટી છત્રી ખોલી હતી. આ છત્રીમાં છુપાઈને શાહરુખ ખાન એરપોર્ટની અંદર ગયો હતો. શાહરુખ ખાન દિલ્હીમાં એક ઇવેન્ટમાં સામેલ થયો હતો.

દિલ્હીમાં શાહરુખ ખાન.
દિલ્હીમાં શાહરુખ ખાન.

કરન જોહર પાર્ટીમાં પાછલા દરવાજેથી આવ્યો
બોલિવૂડ ડિરેક્ટર-પ્રોડ્યૂસર કરન જોહરે 25 મેના રોજ 50મો જન્મદિવસ ઉજવ્યો હતો. 50મા જન્મદિવસ પર કરન જોહરે ગ્રાન્ડ પાર્ટી આપી હતી. પાર્ટીમાં બોલિવૂડના અનેક નામી-અનામી સેલેબ્સ આવ્યા હતા. શાહરુખ ખાન પાર્ટીમાં પાછલા દરવાજેથી આવ્યો હતો. રેડ કાર્પેટ પર પોઝ ન આપવા પડે તે માટે શાહરુખ ખાને એન્ટ્રી ગેટ પરથી આવવાનું ટાળ્યું હતું. પાર્ટીમાં શાહરુખ ખાને સ્ટાર્સ સાથે બિંદાસ ફોટો ક્લિક કરાવ્યા હતા.

કરન જોહરની પાર્ટીમાં શ્રીરામ નેને-માધુરી, સલમાન-શાહરુખ તથા ગૌરી.
કરન જોહરની પાર્ટીમાં શ્રીરામ નેને-માધુરી, સલમાન-શાહરુખ તથા ગૌરી.
શાહરુખે કરન જોહરની પાર્ટીમાં ડાન્સ પણ કર્યો હતો.
શાહરુખે કરન જોહરની પાર્ટીમાં ડાન્સ પણ કર્યો હતો.
કરન જોહરની પાર્ટીમાં શાહરુખ.
કરન જોહરની પાર્ટીમાં શાહરુખ.

ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યો
જૂન મહિનાની શરૂઆતમાં શાહરુખ ખાન મુંબઈમાં ડબિંગ સ્ટૂડિયોની બહાર જોવા મળ્યો હતો. અહીંયા તેણે ફરી એકવાર છત્રીની મદદથી ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોટોગ્રાફર્સે શાહરુખની એક ઝલક કેમેરામાં ક્લિક કરી લીધી હતી.

ડબિંગ સ્ટૂડિયોની બહાર શાહરુખ.
ડબિંગ સ્ટૂડિયોની બહાર શાહરુખ.

હૂડીથી ચહેરો છુપાવ્યો
તાજેતરમાં જ શાહરુખ ખાન હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. શાહરુખ ખાન ડિરેક્ટર એટલી સાથે હૈદરાબાદ એરપોર્ટ આવ્યો હતો. એક્ટર હૈદરાબાદમાં 'જવાન'નું શૂટિંગ કરી રહ્યો છે. એરપોર્ટ પર શાહરુખ ખાને હૂડી તથા માસ્કમાં ચહેરો છુપાવ્યો હતો. શાહરુખ ખાનની સાથે મેનેજર પૂજા પણ જોવા મળી હતી.

હૈદરાબાદ એરપોર્ટ પર મેનેજર પૂજા તથા ડિરેક્ટર એટલી સાથે શાહરુખ.
હૈદરાબાદ એરપોર્ટ પર મેનેજર પૂજા તથા ડિરેક્ટર એટલી સાથે શાહરુખ.

ફિલ્મના સેટ પર ચાહકો સાથે ફોટો ક્લિક કરાવે છે
નવાઈની વાત એ છે કે મીડિયાથી ભાગતો ફરતો શાહરુખ ખાન ફિલ્મના સેટ પર આરામથી ચાહકો સાથે ફોટો ક્લિક કરાવે છે, પછી તે 'ડંકી' હોય કે 'પઠાન' કે પછી 'જવાન'.

'પઠાન'ના સેટ પર શાહરુખ.
'પઠાન'ના સેટ પર શાહરુખ.
'ડંકી'ના સેટ પર શાહરુખ ખાન.
'ડંકી'ના સેટ પર શાહરુખ ખાન.
'જવાન'ના સેટ પર શાહરુખ.
'જવાન'ના સેટ પર શાહરુખ.

બે વર્ષ બાદ ઈદ પર ચાહકોનું અભિવાદન કર્યું
મે મહિનાની શરૂઆતમાં ઈદ હતી. કોરોનાને કારણે શાહરુખ ખાન બે વર્ષ સુધી ઈદ પર ચાહકોને મળ્યો નહોતો. આ વર્ષે ઈદ પર શાહરુખ ખાનના ઘર મન્નતની બહાર હજારો ચાહકો ભેગા થયા હતા. શાહરુખ મન્નતના ધાબે આવ્યો હતો અને ચાહકોનું અભિવાદન કર્યું હતું.

ઈદના દિવસે મન્નતના ધાબે ચાહકો સાથે સેલ્ફી લેતો શાહરુખ.
ઈદના દિવસે મન્નતના ધાબે ચાહકો સાથે સેલ્ફી લેતો શાહરુખ.

શાહરુખ ખાનને થોડાં દિવસ પહેલાં ફ્રાંસના સર્વોચ્ચ અવોર્ડ 'લીજન ઓફ ઓનર'થી નવાજવામાં આવ્યો હતો. ફ્રાંસના વિદેશ મંત્રી લોરેન્ટે ત્રણ મેના રોજ શાહરુખ ખાનને મુંબઈમાં મન્નતમાં આ અવોર્ડ આપ્યો હતો. સો.મીડિયામાં શાહરુખ ખાનની ફ્રાંસના કોન્સ્યુલેટ્સ સાથેની મુલાકાતની તસવીરો વાઇરલ થઈ હતી.

વિવિધ દેશના જનરલ કોન્સ્યુલ સાથે શાહરુખ.
વિવિધ દેશના જનરલ કોન્સ્યુલ સાથે શાહરુખ.

એક્ટ્રેસના લગ્નમાં પણ જોવા મળ્યો
સાઉથ એક્ટ્રેસ નયનતારાએ 9 જૂનના રોજ ડિરેક્ટર વિગ્નેશ સાથે ચેન્નઈના મહાબલિપુરમમાં લગ્ન કર્યાં હતાં. લગ્નમાં શાહરુખ ખાન ખાસ હાજર રહ્યો હતો. સાઉથ ડિરેક્ટર એટલીની ફિલ્મ 'જવાન'માં શાહરુખ તથા નયનતારા સાથે કામ કરી રહ્યા છે. લગ્નમાં શાહરુખ ખાને એ. આર. રહેમાન સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. આ ઉપરાંત રિસોર્ટના ગાર્ડનમાં પણ ફોટો પડાવ્યા હતા. અહીંયા તેણે કેમેરા સામે કોઈ જાતનો છોછ રાખ્યો નહોતો અને મહેમાનો સાથે હસતા ચહેરે ફોટા પડાવ્યા હતા.

નયનતારાના લગ્નમાં એ આર રહેમાન તથા તેમના પુત્ર અમીન સાથે
નયનતારાના લગ્નમાં એ આર રહેમાન તથા તેમના પુત્ર અમીન સાથે
મેનેજર પૂજા, ડિરેક્ટર એટલી સાથે શાહરુખ ખાન.
મેનેજર પૂજા, ડિરેક્ટર એટલી સાથે શાહરુખ ખાન.