એક્સક્લુઝિવ:'વિઠ્ઠલ તિડી'ના ડિરેક્ટર અભિષેક જૈને કહ્યું- 'વિઠ્ઠલના ક્લાસિક કેરેક્ટરની એન્ગ્રી યંગ મેન જેવી ઈમેજ છે, સ્ટોરી વાંચતી વખતે મારા મનમાં માત્ર ને માત્ર પ્રતીક ગાંધી જ હતો'

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: ઉર્વી બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક
  • 'ગીરના ગામોમાં બાયોબબલમાં રહીને શૂટિંગ કર્યું છે'
  • 'સ્કેમ' બાદ પ્રતીક ગાંધીની પહેલી ગુજરાતી વેબ સિરીઝ છે 'વિઠ્ઠલ તિડી'

ગુજરાતી ડિજિટલ પ્લેટફોર્મ 'ઓહો' શરૂ થઈ રહ્યું છે. આ પ્લેટફોર્મ પર પહેલી વેબ સિરીઝ પ્રતીક ગાંધીની 'વિઠ્ઠલ તિડી' આવી રહી છે. આ સિરીઝનું દમદાર ટ્રેલર જોયા બાદ આ સિરીઝને જોવાની ઉત્કંઠા ચાહકોમાં ઘણી જ વધી ગઈ છે. આ સિરીઝ મુકેશ સોજીત્રાની શોર્ટ સ્ટોરી 'વિઠ્ઠલ તિડી' પરથી બનાવવામાં આવી છે. કાઠિયાવાડના નાના ગામમાં રહેતા બ્રાહ્મણના છોકરાની વાત આ સિરીઝમાં કરવામાં આવ્યું છે. વિઠ્ઠલ જેનું મન માત્ર મહાદેવમાં છે. તેને પત્તાની તેને લત નથી, પરંતુ પત્તા સાથે પ્રેમ છે. મહાદેવની ભક્તિ તથા પૂજા તથા પત્તા સાથેનો પ્રેમ, આ તેનું જીવન છે. આ જીવનની અંદર તે બહુ જ સહજ વ્યક્તિ છે. જીવન તેને કેવી પરિસ્થિતિમાં મૂકે છે અને તે કેવી રીતે રિએક્ટ કરે છે. દિવ્યભાસ્કરે સિરીઝના ડિરેક્ટર અભિષેક જૈન સાથે ખાસ વાત કરી હતી. આ સિરીઝનું શૂટિંગ ગીરમાં કરવામાં આવ્યું હતું અને સ્વાભાવિક છે કે ગીરમાં શૂટિંગ હોય ત્યારે ઘણીવાર સિંહની ત્રાડ પણ સાંભળવા મળી જ હોય. અભિષેકે કહ્યું હતું કે જ્યારે તેમણે આ વાર્તા વાંચી ત્યારે તેમના મનમાં માત્ર ને માત્ર પ્રતીક ગાંધી જ હતો.

'ઓહો'ની સફર કેવી રીતે શરૂ થઈ?
બે વર્ષ પહેલાં અમને આઈડિયા આવ્યો કે એવી ઘણી બધી વાર્તાઓ છે, જે ફિલ્મના સ્વરૂપમાં હોય, થિયેટરમાં જ રિલીઝ થાય, પરંતુ એવી ઘણી વાર્તાઓ છે, જે લોકો સુધી પહોંચવી જરૂરી છે. થિયેટર માટેની ફિલ્મ તો બને છે. જ્યારે વિશ્વભરમાં રિજનલ પ્લેટફોર્મ હોઈ શકે છે અને ભારતમાં બંગાળી રિજનલ OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ હોઈ શકે છે તો ગુજરાતનું કેમ ના હોઈ શકે. ત્યારથી આ ચળવળ શરૂ કરી. પહેલાં એ નક્કી કર્યુ કે અમારે જો આ બનાવવું હશે તો આ લોકો માટે તથા લોકો થકી જ બનશે. એટલે અમે ગયા વર્ષે જૂન-જુલાઈમાં અમે વાર્તા મગાવવાનું શરૂ કર્યું. અમારા આશ્ચર્યની વચ્ચે અમને 800થી પણ વધારે વાર્તા મળી હતી. પછી અમારું કામ શરૂ કર્યું અને અમે આ વાર્તાઓની પસંદગી કરવાનું શરૂ કર્યું, બજેટમાં કઈ રીતે આવશે, અમે વાર્તા માટે કેટલા ઉત્સાહી છીએ, બધી જ વાર્તા પરથી સિરીઝ કે ફિલ્મ બની પણ ના શકે. વાર્તાઓની પસંદગી થઈ. પછી આ પ્લેટફોર્મને નામ શું આપવું એ સવાલ આવ્યો. જો વાર્તા લોકોની હોય તો નામ પણ લોકો જ આપે તે નક્કી થયું. અમે એક પોલ કર્યો હતો, એમાંથી અમને 3 નામ ગમ્યા હતા. આ ત્રણ નામમાંથી કયું નામ સારું, તે અંગેનો પોલ કર્યો અને અંતે ઓહોની પસંદગી કરી હતી. આમ જોવા જાવ તો કન્ટેન્ટથી લઈ નામ સુધી ડેમોક્રેસી અપ્રોચ રહ્યો છે.

'ઓહો' કેવી રીતે લોકો સુધી પહોંચશે?
ઓહો તમારા પ્લેસ્ટોર કે એપ સ્ટોર પર અન્ય OTT પ્લેટફોર્મની જેમ જ ડાઉનલોડ કરી શકશો. તમારે વાર્ષિક લવાજમ ભરવાનું રહેશે, જે 499 રૂપિયા છે. આ એપ સાતમીએ લૉન્ચ થશે. આ એપમાં હોલસેલની જેમ કન્ટેન્ટ તો નહીં હોય, પરંતુ દર 10મા દિવસે એક ઓરિજિનલ સિરીઝ અમે રિલીઝ કરીશું. આ ઉપરાંત અવોર્ડ વિનિંગ ગુજરાતી ફિલ્મ, ક્લાસિક ગુજરાતી ફિલ્મ, ગુજરાતી મ્યૂઝિક વીડિયો સહિત ઘણું બધું આમાં પ્રીમિયર કન્ટેન્ટ જોવા મળશે. આ પ્લેટફોર્મ પર અંગ્રેજી સબટાઈટલ આપવામાં આવશે અને હું ઈચ્છું છું કે આખી દુનિયા આ કન્ટેન્ટ જુઓ અને ગુજરાતીઓનો વટ પડે.

સેટ પર શ્રદ્ધા ડાંગર સાથે અભિષેક જૈન
સેટ પર શ્રદ્ધા ડાંગર સાથે અભિષેક જૈન

'વિઠ્ઠલ તિડી' સુધી કેવી રીતે પહોંચ્યા?
અમારો એક મિત્ર ભાર્ગવ પુરોહિત છે, જેને આ સિરીઝના પટકથા તથા સંવાદ પણ લખ્યા છે. તેમણે આ વાર્તા વાંચી હતી અને પછી મારી સાથે શૅર કરી હતી. બે-અઢી વર્ષ પહેલાંની આ વાત છે. આ વાર્તા પરથી ભાર્ગવે એવું કહ્યું હતું કે આ કન્ટેન્ટ બહુ જ સારું છે અને આના પરથી ફિલ્મ બનાવી શકાય. અમે લોકોએ વાર્તા વાંચી અને તેમાં ઘણું બધું ઉમેરવાનું લાગ્યું. એટલે ભાર્ગવે પટકથા લખવાની શરૂઆત કરી. ધીમે ધીમે લાગ્યુ કે કેરેક્ટર બહુ જ વિશાળ છે અને તેને એક ફિલ્મમાં સિમીત કરી શકાશે નહીં. એટલે અમે વેબ સિરીઝ ફોર્મમાં બનાવવાનું નક્કી કર્યું. આ જ સમયે અમે ગુજરાતી ડિજિટલ પ્લેટફોર્મ અંગે પણ વિચારવાનું શરૂ કર્યું હતું.

વાર્તા 'વિઠ્ઠલ તિડી'માં એવું તો શું હતું કે તમે સિરીઝ બનાવતા તમારી જાતને રોકી ના શક્યા?
'વિઠ્ઠલ તિડી' બનાવવા પાછળ મુખ્ય ત્રણ બાબતો જવાબદાર છે, પહેલી વાત એ કે મારા મનમાં હતું કે મારે ગુજરાતીમાં ફરી કંઈક કરવું છે. આમ તો પાંચેક વર્ષ થઈ ગયા હતા. ડિરેક્ટર તરીકે હું એક સારા સબ્જેક્ટની રાહ જોઈ રહ્યો હતો. આ વાર્તા વાંચ્યા પછી મારા મનમાં અંદરથી અવાજ આવ્યો. બીજું કે કેરેક્ટર ઘણું જ રસપ્રદ છે. ક્લાસિક છે, જે રીતે 70-80ના એન્ગ્રી યંગ મેનની ઈમેજ હોય છે, એ રીતની ઈમેજ છે. આ કહેવાની મજા આવશે. ને છેલ્લે ત્રીજી વાત જે મારા માટે પડકાર હતી. સિરીઝમાં સૌરાષ્ટ્રનો લહેકો તથા બોલી છે. સૌરાષ્ટ્રને એક્સપ્લોર કરવાની તક મળતી હતી. આ બધા કારણો હતા કે 'વિઠ્ઠલ તિડી' બનાવવાનું નક્કી કર્યું.

પ્રતીક ગાંધી 'વિઠ્ઠલ તિડી'માં એન્ગ્રી યંગ મેનની ઈમેજમાં જોવા મળશે
પ્રતીક ગાંધી 'વિઠ્ઠલ તિડી'માં એન્ગ્રી યંગ મેનની ઈમેજમાં જોવા મળશે

શોર્ટ સ્ટોરીને સિરીઝમાં કન્વર્ટ કરવી કેટલી મુશ્કેલ છે?
શોર્ટ સ્ટોરી બહુ જ ટૂંકી હતી. તેને સિરીઝ બનાવવામાં બહુ બધું શ્રેય ભાર્ગવને પણ જાય છે, કારણ કે તે દુનિયાને વિસ્તારથી જાણવી, કેરેક્ટર્સ વધારવા, એ બધું ભાર્ગવે કર્યું છે. શોર્ટ સ્ટોરીને વેબ સિરીઝ બનાવવા ઘણી જ મુશ્કેલ છે, તમારે એ પણ ધ્યાન રાખવું પડે છે કે મૂળ વાર્તા સાથે તમે વધુ ચેડા ના કરી શકો. મૂળ વાર્તાનો હાર્દ સચવાઈ રહે તે જરૂરી છે.

મૂળ વાર્તા કરતાં સિરીઝ કેટલી અલગ છે?
વધુ પડતી અલગ નથી. પાત્રો એના એ જ રાખ્યા છે. અમે માત્ર બહુ બધા પ્રસંગો ઉમેર્યા છે. કેરેક્ટરમાં અમે સહેજ પણ ફેરફાર કર્યો નથી. એપિસોડ જ્યારે આવશે ત્યારે તમે જોશે કે તેની દુનિયાને સારી રીતે મઠારીને જોવાની કોશિશ કરી છે.

સેટ પર પ્રતીક ગાંધી તથા અન્ય સાથે અભિષેક જૈન
સેટ પર પ્રતીક ગાંધી તથા અન્ય સાથે અભિષેક જૈન

સિરીઝના કેટલા ભાગ આવશે અને કેટલા એપિસોડ છે?
સિરીઝના ત્રણ ભાગ છે અને દરેક ભાગમાં છ એપિસોડ છે.

સિરીઝની USP શું છે?
હું મારા જ મોંઢે મારી સિરીઝના વખાણ તો ના કરી શકું, પરંતુ એક નમ્ર પ્રયાસ છે, કંઈક અલગ પીરસવાનો. લોકો અત્યાર સુધી મને એવું કહેતા કે અર્બન ગુજરાતની પદવી મારા માથા પર હતી તો મેં 80ના દાયકામાં સેટ એક કેરક્ટર તથા ગામની વાર્તા કહી છે. મારા માટે આ પણ પડકાર હતો કે કંઈક અલગ કરવું અને બોલીમાં કંઈક અલગ કરવું. અમદાવાદમાં આપણે અલગ ભાષા બોલતા હોઈએ છીએ. કાઠિયાવાડીની વાત આવે ત્યારે એ કેવી રીતે બોલાશે તે એક ચેલેન્જ છે. હું અમદાવાદનો છું. ઓડિયન્સ માટે ખરેખર જોવા જઈએ તો જોતી વખતે એવું લાગશે કે છે ભલે ગુજરાતી પરંતુ જ્યારે આપણે તેલુગુ કે સાઉથનું જોતા હોઈએ છીએ, ત્યારે આપણને મનમાં એવું થાય છે કે ગુજરાતીમાં કેમ આવું બનતું નથી. કદાચ એ હાશકારો મળશે કે આપણાં ત્યા પણ આવું કંઈક બની શકે છે.

પ્રતીક ગાંધી પહેલેથી જ લીડ રોલમાં નક્કી હતો?
હા, જ્યારે અમે આ ટૂંકી વાર્તા વાંચી ત્યારે પ્રતીકને પણ વંચાવી હતી. અમદાવાદમાં જ્યારે તે શૂટિંગ કરતો ત્યારે તેને વંચાવી હતી અને વાત કરી હતી. અમારી વચ્ચે સતત આના પર ચર્ચા ચાલુ હતી. એમ કહેવામાં પણ વાંધો નથી કે વાર્તા વાંચતી વખતે મારા મનમાં માત્રને માત્ર પ્રતીક ગાંધી જ હતો.

સિરીઝમાં ભાષા પર કઈ રીતે ધ્યાન આપ્યું?
હું આ ભાષા બોલતો નથી, એટલે મેં ભાર્ગવને આ જવાબદારી આપી હતી. તે કાઠિયાવાડી છે. તે કાઠિયાવાડીમાં જ લખે તથા બોલે છે. તો હું એના પર વધારે નિર્ભર હતો. જે શબ્દો બોલાય છે તેનું ઉચ્ચારણ બરોબર છે કે નહીં, જે શબ્દો બોલાય છે, તેનો ઉપયોગ બરોબર છે કે નહીં. સંવાદો ભાર્ગવ જ લખાય છે એટલે આમાં વાંધો ના આવ્યો. જ્યારે રિહર્સલ થતું ત્યારે હું ભાર્ગવ સામે જોતો કે કલાકારો બરોબર બોલ્યા છે કે નથી બોલ્યા. આ રીતે સતત ચેક કરતાં હતાં. અમે સતત કમ્યુનિકેશમાં રહ્યાં હતાં. સિરીઝ અંગેના નેરેશન ઘણાં બધા થયા છે.

સેટ પર પ્રતીક ગાંધી તથા અન્ય સાથે અભિષેક જૈન
સેટ પર પ્રતીક ગાંધી તથા અન્ય સાથે અભિષેક જૈન

કોરોનાકાળમાં લોકલ કલાકારોનું કાસ્ટિંગ કેવી રીતે કર્યું? સેટ પર સાવચેતી રાખી?
કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો ત્યારે અમે આ વર્ષે જાન્યુઆરીમાં શૂટિંગ કર્યું હતું. બીજું એ છે કે અમે અંતરિયાળ ગામોમાં શૂટિંગ કર્યું છે. અહીંયા કોરોનાના એક પણ કેસ નહોતા. અમે બાયોબબલમાં શૂટિંગ કર્યું હતું. અમે બધા એક જ જગ્યાએ રોકાયા હતા અને તમામના નિયમિત રીતે ટેસ્ટ થતા હતા. લોકલ કાસ્ટને વિશ્વાસ અપાવ્યો હતો કે આપણે એવું કંઈ નહીં થવા દઈએ. બધા જ માસ્ક પહેરીને રાખીશું અને સતત હેન્ડ સેનિટાઈઝ કરીશું. શૂટિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ રાખવું મુશ્કેલ છે, પરંતુ બાયબબલ બનાવીને આખા યુનિટને અલગ કરી દેવું સરળ છે. અમે લોકોએ ઓનલાઈન ઓડિશન લેતા હતા અને તેમની સાથે વાતો કરતા હતા. કેટલાક કલાકારો સાથે પહેલાં વાત થઈ હતી, તેમને મળ્યા હતા. કોઈ નવા કલાકાર હોય તો તેમની સાથે વર્ચ્યુઅલ મિટિંગ કરી લેતા. તે સેટ પર આવે એટલે થોડી વધારે તૈયારી કરી લેવાની. ક્રૂ મેમ્બર્સ બહુ ઓછા હતા. એક વ્યક્તિ બે-ત્રણ લોકોનું કામ કરતી હતી. નવા મેમ્બર્સ એડ ના થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું.

શૂટિંગ કઈ કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે?
જૂનાગઢની પાસે ગીરમાં નાના-નાના ગામો છે, ત્યાં શૂટિંગ કર્યું હતું. તથા થોડું શૂટિંગ અમદાવાદમાં કર્યું હતું. છ એપિસોડ અંદાજે 16 દિવસમાં શૂટ કર્યાં હતાં. અમારે 80ના દાયકાના ગામ લેવા હતા. અમને શોધતા વાર લાગી પરંતુ અમે અંતરિયાળમાં ગયા એટલે અમને નેસડાવાળા ઘર ને બીજું મળી ગયું. આ ઉપરાંત કોસ્ચ્યુમ ડિઝાઈનર ઓન બોર્ડ હતા એટલે માત્ર મુખ્ય કલાકારો જ નહીં પરંતુ આસપાસના તમામના 80ના દાયકા આધારિત કપડાં બનાવ્યા. અમે આમાં ખાસ્સું એવું રિસર્ચ પણ કર્યું હતું.

શૂટિંગ પૂરું થયા બાદ 'વિઠ્ઠલ તિડી'ની ટીમ ખુશખુશાલ ચહેરે
શૂટિંગ પૂરું થયા બાદ 'વિઠ્ઠલ તિડી'ની ટીમ ખુશખુશાલ ચહેરે

'બે યાર' સમયના પ્રતીક ગાંધી અને 'સ્કેમ' પછીના પ્રતીક ગાંધીમાં શું ચેન્જ લાગ્યો?
કોઈ જ ડિફરન્સ નથી. કોઈ પ્રકારની હવા નથી. કોઈ પ્રકારની વટકો, વધુ પડતો આત્મવિશ્વાસ નથી. જે પ્રતીક આજે છે, જે પ્રતીક પહેલાં છે, એક જેવો જ છે. આજે પણ અમે મળીએ છીએ તો એ જ રીતે વાત કરીએ છીએ અને એ જ રીતે કામ કરીએ છીએ. એ જ માણસની ખાસિયત છે કે એનો સમય બદલાયો છે, પરંતુ એ બદલાયો નથી. અમે ખાસ્સો સમય પછી સાથે કામ કરી રહ્યા હતા, એટલે એક ઈમોશનલ એટેચમેન્ટ હતું. અમે સતત ટચમાં રહેતા હતા. જ્યારે કામ કરવાની તક મળી ત્યારે એવું ના લાગ્યુ કે બહુ સમય પછી કામ કરી રહ્યાં છીએ. પ્રતીક ગાંધી સાથે કામ કરવાની મજા એટલી જ છે કે તે માત્ર એક્ટર તરીકે સેટ પર નથી હોતો, તે તમારા મિત્રની જેમ, સહ કલાકારની જેમ, સહ દિગ્દર્શકની જેમ, એ બધું જ હોય છે. જો કંઈ કામ કરવાનું હોય તો પ્રતીક તરત જ કામ કરી લે છે. કોઈ પણ ક્રૂ મેમ્બરને એવું નથી લાગ્યુ કે આ અમે 'સ્કેમવાળા' પ્રતીક ગાંધી સાથે કામ કરી રહ્યાં છીએ. સાધારણ વ્યક્તિ સાથે કામ કરતાં હોય તેમ લાગ્યુ હતું.

જો પ્રતીક ગાંધીએ ના પાડી હોત કે ડેટ્સ ઈશ્યૂ થયા હોત તમે 'વિઠ્ઠલ તિડી' બનાવી હોત ખરાં?
પ્રતીક ગાંધીએ સામેથી કહ્યું હતું કે મારા સિવાય આ રોલ કોઈ નહીં. હું કોઈ પણ રીતે ડેટ્સ કાઢી આપીશ. મારા માટે આ પ્રશ્ન ઊભો થયો નહોતો. પ્રતીક આ સિરીઝ માટે ઘણો જ ઉત્સાહી હતી. આટલા બિઝી શિડ્યૂઅલની વચ્ચે પ્રતીકે અમે સળંગ 20 દિવસ આપ્યા હતા. આ વાત પરથી સાબિત થાય છે કે પ્રતીક હજી પોતાના મૂળ એટલે કે ગુજરાતીને ભૂલ્યો નથી. તેને ગુજરાતીપણુ કે ગુજરાતનું હજી પણ છે.

સેટ પર અભિષેક જૈન
સેટ પર અભિષેક જૈન

સિરીઝનું ટ્રેલર જોતા અમિતાભ બચ્ચનની એન્ગ્રી યંગ મેનની ઈમેજ સામે દેખાય છે, તો આ વિશે શું કહેશો?
અમે 70-80ના અમિતાભ બચ્ચનને રેફરન્સમાં લઈને જ આ કર્યું હતું. સ્ટાઈલ હોય કે ડાયલોગ કે કોસ્ચ્યુમ હોય. આપણે અમિતાભને બહુ બધા એક્શન રોલમાં જોયા છે, પણ આમાં પ્રતીકને આપણે એક્શન રોલમાં નહીં જોઈએ. જે કેરેક્ટર છે, તે 70-80ના દાયકાનો બચ્ચન જ છે.

અન્ય સમાચારો પણ છે...