'જેઠાલાલ'નો ધમાકો:સ્પેનિશ જર્નલિસ્ટે 'જેઠાલાલ'નો ફોટો શૅર કરતાં જ સો.મીડિયામાં અચાનક લોકપ્રિયતા વધી ને ધડાધડ ફોલોઅર્સ વધવા લાગ્યા

મુંબઈ5 દિવસ પહેલા
  • સ્પેનિશ જર્નલિસ્ટે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું, જેઠલાલના ઉલ્લેખથી ફોલોઅર્સમાં વધારો થયો

કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ શોની લોકપ્રિયતા માત્ર દેશ સુધી જ મર્યાદિત નથી, પરંતુ વિદેશમાં પણ આ શો ઘણો જ પોપ્યુલર છે. આ શોના દરેક પાત્રને દર્શકો પ્રેમ કરે છે અને તેમાંય 'જેઠાલાલ'નું પાત્ર ચાહકોને ઘણું જ પસંદ છે.

સ્પેનિશ જર્નલિસ્ટની લોકપ્રિયતા વધી
'તારક મહેતા..'માં જેઠલાલનું પાત્ર દિલીપ જોષીએ ભજવ્યું છે. હાલમાં જ સ્પેનિશ જર્નલિસ્ટે જેઠાલાલનો ફોટો સો.મીડિયામાં શૅર કરતાં તેના ટ્વિટર ફોલોઅર્સ અચાનક જ 300થી વધી ગયા હતા. સ્પેનિશ ચેસ જર્નલિસ્ટ ડેવિડ લાડાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. ડેવિડે સો.મીડિયામાં કહ્યું હતું, 'જેઠાલાલનો એકવાર ઉલ્લેખ કરવાથી અચાનક જ મારા 200 ફોલોઅર્સ વધી ગયા.'

અન્ય એક પોસ્ટમાં ડેવિડે કહ્યું હતું કે 300 અને હજી પણ ગણતરી ચાલુ જ છે.

'જેઠલાલ'નું એક મીમ શૅર કર્યું હતું
21 નવેમ્બરે આર્મેનિયાના ચેસ-પ્લેયર લેવોન એરોનિયને 'તારક મહેતા..'ના જેઠાલાલનો એક ફોટો પોતાની તસવીર સાથે કોલાજ કરીને શૅર કર્યો હતો. આ તસવીરમાં જેઠલાલ તથા લેવોને પ્રિન્ટેડ શર્ટ પહેર્યો હતો. લેવોને જેઠલાલના શર્ટની કૉપી કરીને કલરફુલ પ્રિન્ટેડ શર્ટ પહેર્યો હતો. તેણે સો.મીડિયામાં આ ફોટો શૅર કરીને કહ્યું હતું, 'લોકો મને પૂછે છે કે જ્યારે હું રમું છું ત્યારે મારી ગર્લફ્રેન્ડ શું કરે છે? મારા ફોટો સાથે મીમ બનાવવાનું કામ કરે છે, બીજું તો શું..? લેવોને જ્યારે આ પોસ્ટ શૅર કરી હતી ત્યારે તે કોલકાતામાં હતો. તે 'ટાટા સ્ટીલ ચેસ'ની સ્પર્ધામાં આવ્યો હતો અને તે આ ટાઇટલ જીતી ગયો છે.

ડેવિડે આ પોસ્ટ સો.મીડિયામાં શૅર કરી
સ્પેનિશ જર્નલિસ્ટ તથા ચેસ પ્રમોટર ડેવિડે લેવોનની પોસ્ટ પોતાના સો.મીડિયા અકાઉન્ટમાં શૅર કરી હતી અને સાથે કહ્યું હતું, 'જેઠાલાલે વધુ સારી રીતે શર્ટ પહેર્યો છે.' સો.મીડિયામાં આ પોસ્ટ શૅર કર્યા બાદ જ ડેવિડના ફોલોઅર્સ ટ્વિટર પર 200થી વધી ગયા હતા.