એક્સિડન્ટ:સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની વેનિટી વેનનો અકસ્માત, એક્ટરની મેકઅપ ટીમનો આબાદ બચાવ

હૈદરાબાદ2 વર્ષ પહેલા

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની વેનિટી વેન ફાલ્કનનો અકસ્માત થયો હતો. આ ઘટના શનિવાર, 6 ફેબ્રુઆરીના રોજ ખમ્મમમાં બની હતી. રિપોર્ટ પ્રમાણે, અકસ્માત થયો ત્યારે અલ્લુ અર્જુન વેનિટી વેનમાં નહોતો. તેની મેકઅપ ટીમના કેટલાંક સભ્યો વેનમાં હતાં, પરંતુ કોઈને પણ ઈજા થઈ નથી. અલબત્ત, વેનને નુકસાન થયું છે.

રિપોર્ટ પ્રમાણે, શૂટિંગ પછી અલ્લુ અર્જુનની મેકઅપ ટીમ વેનિટી વેનમાં આંધ્ર પ્રદેશના પૂર્વીય ગોદાવરી જિલ્લાના મરેદુમિલ્લીથી હૈદરાબાદ જતી હતી. આ દરમિયાન વેનને પાછળથી કોઈ વાહને ટક્કર મારી હતી. આ કેસમાં ખમ્મમ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે, અલ્લુ 'પુષ્પા'નું શૂટિંગ પૂરું કરીને રાજમુંદરીથી ફ્લાઈટમાં આવ્યો હતો. ઘરે આવ્યા બાદ અલ્લુએ પરિવાર સાથેની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી.

2019માં અલ્લુએ વેનિટી વેનની તસવીરો શૅર કરી હતી
અલ્લુ અર્જુને 2019માં પોતાની વેનિટી વેન ફાલ્કનની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. તેણે તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'જ્યારે પણ હું મારા જીવનમાં કંઈક મોટી ખરીદી કરું છું તો મારા મનમાં એક જ વાત આવે છે કે લોકોએ મને ઘણો જ પ્રેમ આપ્યો છે. આ તેમના પ્રેમની તાકાત છે કે હું આ બધું ખરીદવા સક્ષમ છું. હંમેશાં તમારો આભાર. આ મારી વેનિટી વેન ફાલ્કન છે.'

અંદાજે વેનિટી વેનની કિંમત સાત કરોડ રૂપિયાની
અંગ્રેજી ન્યૂઝ પેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, અલ્લુ અર્જુનની આ વેનિટી વેનની કિંમત અંદાજે સાત કરોડ રૂપિયા છે. તેનું ઈન્ટિરિયર ઘણું જ શાનદાર છે. વેનિટી વેનમાં કસ્ટમાઈઝ્ડ વ્હીકલ સ્પોર્ટ્સ લેધર સીટ્સ, મોટો અરીસો, સ્પોટલાઈટ લાઈટિંગ તથા મનોરંજનના કેટલાંક સાધનો છે. વેનિટી વેન પર અલ્લુ અર્જુનની સિગ્નેચર 'AA'નો લોગો પણ છે.

વેનિટી વેનની અંદરની તસવીરો

અલ્લુ અર્જુનની 'પુષ્પા' 13 ઓગસ્ટે રિલીઝ થશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અલ્લુ અર્જુન ફિલ્મ 'પુષ્પા'માં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ રામપછોડાવરમ તથા મરેદુમિલ્લીમાં કર્યું હતું. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના મહત્ત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મ 13 ઓગસ્ટે રિલીઝ થશે.