'8 વર્ષની ઉંમરમાં પિતાએ મારું યૌન શોષણ કર્યું':સાઉથ એક્ટ્રેસ ખુશ્બુએ આપવીતી સંભળાવી, કહ્યું- 'મને ને માતાને માર મારતા'

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાઉથ એક્ટ્રેસ તથા રાજકારણી ખુશ્બુ સુંદર હાલમાં જ નેશનલ કમિશન ફૉર વુમનની સભ્ય બની. એક મીડિયા ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે પોતાની સાથે થયેલા સેક્સ્યુઅલ અસૉલ્ટ અંગે વાત કરી હતી. આ દરમિયાન ખુશ્બુએ એ પણ કહ્યું હતું કે જ્યારે તે 8 વર્ષની હતી ત્યારે તેના પિતાએ જ તેની સાથે યૌન ઉત્પીડન કર્યું હતું. આટલું જ નહીં ખુશ્બુએ એમ પણ કહ્યું હતું કે તેના પિતા તેને તથા તેની માતાને માર મારતા હતા.

મારી માતાનું લગ્નજીવન ખરાબ રહ્યું: ખુશ્બુ
જર્નલિસ્ટ બરખા દત્તને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુશ્બુએ પોતાની આપવીતી સંભળાવતા કહ્યું હતું, 'મારું માનવું છે કે જ્યારે એક બાળક યૌન ઉત્પીડનનો ભોગ બને છે તો જીવનભર તેના મનમાં આ નિશાન રહી જાય છે, પછી તે છોકરો હોય કે છોકરી. મારી માતા એક ઉત્પીડિત લગ્નનો ભોગ બની. તેનું જીવન એવી વ્યક્તિ સાથે પસાર થયું, જેણે પોતાની પત્ની ને દીકરીને માર માર્યો અને એકની એક દીકરીનું યૌન શોષણ કર્યું.'

15 વર્ષની થઈ ત્યારે વિરોધ કરવાની હિંમત આવીઃ ખુશ્બુ
ખુશ્બુએ વધુમાં કહ્યું હતું કે જ્યારે તેની સાથે યૌન ઉત્પીડન કરવામાં આવ્યું ત્યારે તે માત્ર 8 વર્ષની હતી. 15 વર્ષની થઈ ત્યારે તેનામાં વિરોધ કરવાની હિંમત આવી. એક સમયે તેણે પોતાની જાત માટે સ્ટેન્ડ લીધું હતું.

ડર હતો કે માતા વિશ્વાસ નહીં કરેઃ ખુશ્બુ
'વી ધ વુમન' ઇવેન્ટમાં ખુશ્બુએ જણાવ્યું હતું, 'મને હંમેશાં એ વાતનો ડર હતો કે મારી માતા વિશ્વાસ કરશે નહીં, કારણ કે તેની માનસિકતા પતિ દેવતા છે તેવી હતી. 15 વર્ષની ઉંમરે વિચાર્યું કે હવે બહુ થઈ ગયું અને મેં વિરોધ કરવાનું શરૂ કર્યું. હું હજી 16ની પણ નહોતી થઈ અને અમારી પાસે જે પણ હતું, તે બધું જ અમે છોડી દીધું. અમને ખબર નહોતી કે બીજા દિવસે જમવાનું ક્યાંથી આવશે. ભલે મારું નાનપણ મુશ્કેલીભર્યું રહ્યું હોય, પરંતુ મેં મહેનત અને મુશ્કેલીઓનો સામનો કરીને મારા હક માટે લડાઈ લડી છે.'

2010માં રાજકારણમાં જોડાઈ
ખુશ્બુએ હિંદી ફિલ્મ 'ધ બર્નિંગ ટ્રેન'થી ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. ખુશ્બુ સાઉથની લોકપ્રિય એક્ટ્રેસ છે. 2010માં તે રાજકારણમાં જોડાઈ હતી.