એક્ટ્રેસે કહ્યું, પૂર્વ બોયફ્રેન્ડે માર માર્યો..તસવીરો શૅર કરી:ઈજાનાં નિશાન બતાવીને બોલી, પગમાં પડી ગયો હતો એટલે પહેલાં FIR કરી નહોતી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાઉથની પોપ્યુલર મલયાલમ એક્ટ્રેસ અનિકા વિજય વિક્રમણની હાલમાં જ એક તસવીર સામે આવી હતી. આ તસવીરમાં તેની આંખો સૂજેલી છે અને ચહેરા પર ઈજાનાં નિશાન છે. તેની હાલત એટલી ખરાબ છે કે તેને ઓળખી પણ શકાતી નથી. તેણે પૂર્વ બોયફ્રેન્ડ પર મારપીટ ને શારીરિક શોષણનો આક્ષેપ મૂક્યો છે.

પહેલીવાર માર્યા બાદ પગ પકડીને માફી માગી હતી
અનિકાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હું અનુપ પિલ્લાઇ નામની વ્યક્તિને પ્રેમ કરતી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી તે મારું માનસિક ને શારીરિક શોષણ કરતો હતો. મેં આવી વ્યક્તિ ક્યારેય જોઈ નથી. આટલું બધું કર્યા બાદ પણ તે મને ડરાવી રહ્યો હતો. મેં મારા સપનામાં પણ આવું વિચાર્યું નહોતું કે તે મારી સાથે આવું કરશે.'

અનિકાએ વધુમાં કહ્યું હતું, 'આ બીજીવાર છે, જ્યારે મેં બેંગલુરુ પોલીસમાં તેની વિરુદ્ધ મારપીટની ફરિયાદ કરી હતી. આ પહેલાં તેણે મને ચેન્નઈમાં માર માર્યો હતો, પરંતુ પછી પગ પકડી લીધા ને રડતાં રડતાં માફી માગી હતી. મારી ભૂલ હતી કે મેં તેને માફ કર્યો.'

ફરિયાદ બાદ પણ મને મારતો હતો
અનિકાએ વાત કરતાં કહ્યું હતું, 'જ્યારે તેણે મને બીજીવાર માર માર્યો ત્યારે મેં બેંગલુરુ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી, પરંતુ તેણે પોલીસને પૈસા આપ્યા હતા. મને ખ્યાલ આવી ગયો કે પોલીસ તેની સાથે છે અને તેને મને મારવાની હિંમત મળી ગઈ.'

'શૂટિંગ પર ના જઈ શકું એટલે ફોન તોડી નાખ્યો'
અનિકાએ આગળ કહ્યું હતું, 'તેણે આ રીતે મને અનેકવાર છેતરી છે, આથી જ મારે તેનાથી અલગ થવું હતું, પરંતુ તે મને છોડવા માગતો નહોતો. હું શૂટિંગ પર ના જઈ શકું એ માટે તેણે મારો ફોન તોડી નાખ્યો. આ પહેલાં પણ તે સતત મારી વ્હોટ્સએપ ચેટ પર નજર રાખતો.'

'મારતી વખતે મોં દબાવી દીધું, મારો શ્વાસ અટકી ગયો હતો'
અનિકાએ વધુમાં કહ્યું હતું, 'બે દિવસ પહેલાં હૈદરાબાદ શિફ્ટ નહોતા થયાં ત્યારે તેણે મારો ફોન લૉક કરી દીધો હતો. પછી મને મુક્કા મારવા લાગ્યો હતો. જ્યારે મેં મારો ફોન માગ્યો તો મારું મોં દબાવી દીધું. મને બ્રોન્કાઇટિસ છે. મારો શ્વાસ અટકી ગયો હતો. મોંમાંથી અવાજ નીકળતો નહોતો. મને લાગ્યું કે મારા જીવનની આ અંતિમ રાત છે.'

'આખી રાત બાથરૂમમાં બેસી રડી હતી'
'જ્યારે હું મારી જાતને બચાવવા બીજા રૂમમાં ભાગતી હતી તો તે બીજી ચાવીથી લૉક ખોલીને અંદર આવી જતો. બહાર જઈને સિક્યોરિટીની મદદ માગતી, પરંતુ તેઓ કંઈ જ કરી શકતા નહોતા. આખી રાત બાથરૂમમાં બેસીને રડી હતી. મારા પરિવારને ખ્યાલ પણ નહોતો કે મારી સાથે શું બન્યું હતું. મારા મિત્રોએ પણ મારી સાથે વિશ્વાસઘાત કર્યો.'

અનિકાએ પૂર્વ બોયફ્રેન્ડ સાથેની વ્હોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ શૅર કર્યો હતો, જેમાં તે માફી માગે છે.
અનિકાએ પૂર્વ બોયફ્રેન્ડ સાથેની વ્હોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ શૅર કર્યો હતો, જેમાં તે માફી માગે છે.

'ધમકીભર્યા ફોન આવે છે'
અનિકાએ કહ્યું હતું કે તેની સાથે આટલું થયું હોવા છતાં તેને ધમકીભર્યા ફોન આવે છે. સતત તેના પરિવાર પર કાદવ ઉછાળવામાં આવે છે.

કોણ છે અનિકા?
2 જુલાઈ, 1995ના રોજ બેંગલુરુમાં જન્મેલી અનિકાએ વર્ષ 2009માં તમિળ ફિલ્મ 'જાસ્મિન'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેણે 'ઇક', 'એન્ગા પટ્ટાન સોથુ'માં કામ કર્યું હતું. છેલ્લે 2022માં તે 'વિશ્માકરન'માં ફિલ્મમાં જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...