વાઈરલ:સોનુ સૂદના ચાહકે 'માતાના સોગન' લઈને સ્માર્ટફોન માગ્યો, એક્ટરનો રસપ્રદ જવાબ

મુંબઈ8 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ હાલમાં ફિલ્મ કરતાં અન્ય લોકોને મદદ કરવાને કારણે વધુ ચર્ચામાં રહે છે. સોનુ સૂદે લૉકડાઉનમાં પ્રવાસી શ્રમિકોને મદદ કરી હતી અને ત્યારબાદથી તે વિવિધ રીતે અલગ અલગ લોકોને મદદ કરી રહ્યો છે. જરૂરિયાતમંદ લોકો સો.મીડિયામાં સોનુ સૂદને મદદ કરવાની અપીલ કરતા હોય છે. હાલમાં જ સોનુના એક ચાહકે સ્માર્ટફોન માગ્યો હતો.

શું કહ્યું ચાહકે?

ચાહકે સોનુ સૂદ પાસે ગજબની ડિમાન્ડ કરી હતી. ચાહકે સોનુ સૂદને સો.મીડિયામાં ટૅગ કરીને કહ્યું હતું કે તેણે પોતાના મિત્રોની સામે માતાના સોગન લીધા છે કે તે એક સારો મોંઘો ફોન ખરીદશે. આથી તેણે સોનુ સૂદ પાસે ફોનની ડિમાન્ડ કરી હતી. જોકે, સોનુએ આ પોસ્ટનો ઘણો જ રસપ્રદ જવાબ આપ્યો હતો. સોનુ સૂદે કહ્યું હતું, 'માતાના સોગન લઈને કોઈની મદદ કરી દે ભાઈ, માતા વધુ દુઆ આપશે. ફોન તો બધાની પાસે છે. દુઆ કોઈકની પાસે જ છે.'

હાલમાં જ ચાર દીકરીઓને દત્તક લીધી

ઉત્તરાખંડમાં તાજેતરમાં ગ્લેશિયર તૂટતા પૂર આવ્યું હતું. 45 વર્ષીય આલમ સિંહ વિષ્ણુગાડ જળ વિદ્યુત પરિયોજના સાથે જોડાયેલી ઋત્વિક કંપનીમાં ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા હતા. જળ પ્રલયના દિવસે આલમ સિંહ પરિયોજનાની ટનલની અંદર રહીને કામ કરતા હતા. આઠ દિવસ બાદ કાટમાળમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારમાં એકમાત્ર કમાનારી વ્યક્તિનું અકાળે મોત થતાં પત્ની પર ચાર દીકરીનું ગુજરાન ચલાવવાની જવાબદારી આવી ગઈ છે, સૌથી મોટી દીકરી આંચલ 14 વર્ષની છે, જ્યારે અંતરા 11ની, કાજલ 8ની તથા અનન્યા માત્ર 2 વર્ષની છે. પતિના મોત બાદ પત્નીને સતત ચાર બાળકોનાં ભવિષ્યની ચિંતા કોરી ખાતી હતી. આવા સમયે સોનુ સૂદ દેવદૂત બનીને આ પરિવારની મદદે આવ્યો હતો. સૂત્રોના મતે, એક્ટર સોનુ સૂદે દિવંગત આલમ સિંહનાં ચાર બાળકોને દત્તક લઈને તેમના અભ્યાસ તથા લગ્ન સુધીની તમામ જવાબદારી લેવાનું આશ્વાસન આપ્યું છે. મુંબઈ સ્થિત એક્ટરની ટીમે ચાર બાળકોને દત્તક લેવાની વાતની પુષ્ટિ કરી હતી.

હાલમાં જ પંજાબમાં ઈ-રિક્ષા વહેંચી
સોનુ સૂદે પોતાના જન્મસ્થળ મોગા (પંજાબમાં)થી ઈ-રિક્ષા વહેંચવાની શરૂઆત કરી હતી, જેને કારણે બેરોજગારો આત્મનિર્ભર થઈને પોતાનું ગુજરાન ચલાવી શકે. સોનુ સૂદ પંજાબ ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા સહિત ઘણાં રાજ્યોમાં ઈ-રિક્ષા વહેંચવાનો છે.

ઈ-રિક્ષા વહેંચીને રોજગારી આપવાનો પ્રયાસ કરી રહ્યો છે.
ઈ-રિક્ષા વહેંચીને રોજગારી આપવાનો પ્રયાસ કરી રહ્યો છે.

લોન લઈને મદદ કરી રહ્યો છે
એક અહેવાલ પ્રમાણે, સોનુ સૂદે જુહુ સ્થિત કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બે દુકાનો તથા શિવ સાગર કો-ઓપરેટિવ હાઉસિંગમાં આવેલા છ ફ્લેટ ગીરવી મૂક્યાં હતાં. આ બિલ્ડિંગ જુહુના ઈસ્કોન મંદિર નજીક એબી નાયર રોડ પર આવેલું છે. સોનુ સૂદે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાંથી 10 કરોડ રૂપિયાની લોન લીધી હતી. 15 સપ્ટેમ્બરના રોજ એગ્રીમેન્ટ સાઈન કરવામાં આવ્યો હતો અને 24 નવેમ્બરના રોજ રજિસ્ટ્રેશન થયું હતું. ડોક્યુમેન્ટ્સ પ્રમાણે, સોનુ સૂદે 10 કરોડની લોનની રજિસ્ટ્રેશન ફી માટે પાંચ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ સંપત્તિ સોનુ સૂદ તથા તેની પત્ની સોનાલીના નામે છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે રિયલ એસ્ટેટ એક્સપર્ટના મતે, હોમ લોન કરતાં પ્રોપર્ટી લોનનો વાર્ષિક દર 12-15 ટકા હોય છે. સામાન્ય રીતે આ લોન 10-15 વર્ષની હોય છે.

લોન લઈને જરૂરિયાતમંદને મદદ કરી રહ્યો છે.
લોન લઈને જરૂરિયાતમંદને મદદ કરી રહ્યો છે.

લૉકડાઉનમાં સોનુ સૂદ 'રિયલ હીરો' બન્યો
સોનુ સૂદે લૉકડાઉન દરમિયાન શ્રમિકોને બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાં મોકલ્યા હતા. તેણે શ્રમિકોની મદદ કરવા માટે ટોલ ફ્રી નંબર પણ શરૂ કર્યો હતો. સોનુ સૂદે સ્પેશિયલ બસોની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત સોનુ સૂદે મુંબઈથી 170 શ્રમિકોને ફ્લાઈટમાં દેહરાદૂન, ઉત્તરાખંડ મોકલ્યા હતા. આ પહેલાં તેણે કેરળથી 167 શ્રમિકોને ઓડિશા ફ્લાઈટમાં મોકલ્યા હતા.

સોનુ સૂદે મુંબઈમાં હેલ્થવર્કર્સને PPE કિટ્સ દાન આપી હતી. પંજાબમાં 1500 PPE કિટ્સ દાનમાં મોકલાવી હતી. મહારાષ્ટ્રમાં 25 હજાર પોલીસ અધિકારીઓને ફેસશિલ્ડ દાનમાં આપ્યાં હતાં. જુલાઈમાં સોનુ સૂદે સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટ કરીને કિર્ગીસ્તાનથી 135 ભારતીય વિદ્યાર્થીને વારાણસી મોકલ્યા હતા.

સોનુ સૂદના વર્કફ્રન્ટની વાત કરીએ હાલમાં તે ફિલ્મ ‘કિસાન’ને કારણે ચર્ચામાં છે. એક્ટરની આ ફિલ્મનું ડિરેક્શન ઈ નિવાસ કરશે, જ્યારે પ્રોડ્યુસર રાજ શાંડિલ્ય છે. ઉપરાંત સોનુ સૂદ યશરાજ બેનરની ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં અક્ષય કુમાર તથા માનુષી છિલ્લર સાથે જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...