રીયલ હીરો:સોનુ સૂદે વધારે શ્રમિકોને મદદ કરવા માટે ટોલ ફ્રી નંબર શરૂ કર્યો, કહ્યું- ટીમ પૂરો પ્રયાસ કરી રહી છે તમ છતાં કોઈ મેસેજ છૂટી જાય તો મને માફ કરજો

3 વર્ષ પહેલા

કોરોના વાઇરસ મહામારીમાં જરૂરિયાતમંદોની મદદ માટે લોકો બનતી મદદ કરી રહ્યા છે. એક્ટર સોનુ સૂદ મુંબઈથી શ્રમિકોને અલગ-અલગ રાજ્યમાં તેમના વતન પરત મોકલવા માટે દિવસ રાત સહાય કરી રહ્યો છે. બસનું અરેન્જમેન્ટ કરી તેણે અત્યારસુધી ઘણાબધા શ્રમિકોને તેમના વતન મોકલ્યા. ટ્વિટર પર તે સતત એક્ટિવ રહીને મદદ માગનાર પાસેથી તેમની માહિતી મેળવી વતન પહોંચાડવા મદદ કરી રહ્યો છે. હવે તેણે એક ટોલ ફ્રી નંબર શરૂ કર્યો છે.

પોસ્ટમાં લખ્યું હતું કે, નમસ્કાર, હું તમારો દોસ્ત સોનુ સૂદ બોલી રહ્યો છું. મારા પ્રિય શ્રમિક ભાઈઓ અને બહેનો, જો તમે મુંબઈમાં હોય અને ઘરે જવા ઇચ્છતા હોય તો કૃપા કરીને આ નંબર પર કોલ કરો. તેણે વ્હોટ્સ એપ નંબર પણ શેર કર્યો છે. હું અને મારી ટીમ જે પણ મદદ કરી શકશું તે જરૂર કરશું. અમારી ટીમ જલ્દી તમારો સંપર્ક કરશે. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, ઘરે જઈએ.

સોનુની આ પહેલ બાદ શ્રમિકોના મદદ માટેના મેસેજના ઢગલા થઇ રહ્યા છે. તેણે વીડિયો શેર કરી લખ્યું કે, તમારા મેસેજ અમને આ સ્પીડથી મળી રહ્યા છે. હું અને મારી ટીમ પૂરો પ્રયન્ત કરી રહ્યા છે કે દરેકને મદદ મળે. પરંતુ આમાં જો અમે કોઈ મેસેજ મિસ કરી દઈએ તો મને તેના માટે માફ કરજો.

ટોલ ફ્રી નંબર બાબતે એક ઇન્ટરવ્યૂમાં સોનુએ કહ્યું કે, મારી પાસે રોજ હજારો કોલ્સ આવી રહ્યા હતા. મારો પરિવાર અને મિત્રો આ બધો ડેટા ભેગો કરી રહ્યા હતા ત્યારે અમે જોયું કે ઘણા લોકો અમારા સુધી પહોંચી નથી શકતા. માટે અમે કોલ સેન્ટર ખોલવાનું વિચાર્યું, આ ટોલ ફ્રી નંબર છે. અમારી પાસે એક ટીમ છે જે વધુ લોકો સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. અમને નથી ખબર અમે કેટલા લોકોની મદદ કરી શકશું પણ અમે પ્રયત્ન કરશું.

સોનુ અત્યારસુધી અંદાજે 12 હજાર જેટલા લોકોને તેમના વતન બિહાર, ઝારખંડ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશ વગેરે રાજ્યોમાં પહોંચાડ્યા છે. સોનુ ખુદ સામે રહીને બસને સેનિટાઇઝ કરાવે છે અને લોકોને માસ્ક પહેરવા અપીલ કરે છે. તે બસને વળાવા પણ જાય છે.

અન્ય સમાચારો પણ છે...