દેવદૂત:સોનુ સૂદે સુરેશ રૈના અને નેહા ધૂપિયાને મદદ કરી, તાત્કાલિક ઈન્જેક્શન-ઓક્સિજન સિલિન્ડર મોકલ્યા

મુંબઈ5 મહિનો પહેલા
  • સોનુ સૂદ માત્ર સામાન્ય લોકોની જ નહીં, સેલેબ્સની મદદ માટે આગળ આવ્યો

સોનુ સૂદ 2020થી કોરોનાકાળમાં લોકોની મદદ માટે આગળ આવ્યો છે. સોનુ સૂદ આજે પણ મદદ કરી રહ્યો છે. કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. હોસ્પિટલમાં બેડ્સ, ઓક્સિજન, ઈન્જેક્શનની અછત ઊભી થઈ છે. માત્ર સામાન્ય માણસો જ નહી, જાણીતા સેલેબ્સને પણ આ બધું મેનેજ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. આવા સમયે સામાન્ય જરૂરિયાતમંદ વ્યક્તિની જેમ જ સેલેબ્સ પણ સોનુ સૂદ પાસે મદદ માગી રહ્યા છે. હાલમાં જ ક્રિકેટર સુરેશ રૈના તથા એક્ટ્રેસ નેહા ધૂપિયાએ સોનુ સૂદ પાસે મદદ માગી હતી. સોનુ સૂદે એક સેકન્ડનું મોડું કર્યા વગર તાત્કાલિક મદદ મોકલાવી હતી.

નેહાએ મિત્ર માટે ઈન્જેક્શન માગ્યા

નેહા ધૂપિયાએ સો.મીડિયામા કોરોનાની જંગ લડતી પોતાની મિત્ર માટે ઈન્જેક્શનની માગણી કરી હતી. નેહાએ સો.મીડિયામાં સોનુને ટૅગ કરીને કહ્યું હતું, મારા એક જૂના મિત્રએ ફોન કરીને રેમડેસિવિર ઈન્જેક્શન માટે મદદ માગી છે. હું માત્ર એક વ્યક્તિને ઓળખું છે, જે આ સમયે મારી મદદ કરી શકે છે અને તે છે સોનુ સૂદ.

સુરેશ રૈનાએ માસી માટે ઓક્સિજન સિલિન્ડરની મદદ માગી

ક્રિકેટર સુરેશ રૈનાએ પોતાની માસી ઓક્સિજન સિલિન્ડરની મદદ માગી હતી. સોનુ સૂદે જવાબ આપતા કહ્યું હતું કે તે માત્ર 10 મિનિટની અંદર મદદ કરશે. ત્યારબાદ સુરેશ રૈનાની માસીને ઓક્સિજન સિલિન્ડર મળી ગયા હતા. સુરેશ રૈનાએ સો.મીડિયામાં સોનુ સૂદનો આભાર માન્યો હતો.

સુરેશ રૈનાએ શું કહ્યું હતું?
સુરેશ રૈનાએ કહ્યું હતું, 'મેરઠમાં મારી માસીને ઓક્સિજન સિલિન્ડરની તાત્કાલિક જરૂર છે. તેઓ 65 વર્ષના છે અને હોસ્પિટલમાં ફેફસાંનું ઈન્ફેક્શન છે.' આ પોસ્ટ બાદ સોનુ સૂદે 10 મિનિટની અંદર ઓક્સિજન સિલિન્ડર મોકલવાની વાત કરી હતી. મદદ પહોંચ્યા બાદ સુરેશ રૈનાએ સોનુ સૂદનો આભાર માનતા કહ્યું હતું કે સોનુ પાજી તમે બહુ જ મોટી મદદ કરી. તમારો ઘણો જ આભાર. ભગવાન તમારી પર કૃપા કરે.

ઉલ્લેખનીય છે કે થોડાં દિવસ પહેલાં સોનુ સૂદ ઓક્સિજન તથા હોસ્પિટલમાં બેડ્સની અછત પર ભાવુક થઈ ગયો હતો. તેણે કહ્યું હતું, 'મને ખ્યાલ છે કે કેવું લાગે છે, જ્યારે તમારું કોઈ પોતાનું તમને છોડીને જતું રહે છે, કારણ કે તમે તેના માટે ઓક્સિજનની વ્યવસ્થા કરી શકતા નથી. આપણે કયા દેશમાં જીવી રહ્યાં છીએ.'