રશિયા-યુક્રેન વૉર:સોનુ સુદે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની કરી મદદ, કહ્યું- આ મારું સૌથી મુશ્કેલ અસાઈનમેન્ટ છે

5 મહિનો પહેલા

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. યુક્રેનમાં આ સમયે પણ હજારો ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. આ સ્થિતિમાં એક્ટર સોનુ સુદે એક વખત ફરીથી મસીહા બનીને ત્યાંના વિદ્યાર્થીઓની મદદ કરી છે. યુક્રેનથી પાછા ફરેલા ઘણા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે કેવી રીતે યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે સોનુ અને તેની ટીમે વિદ્યાર્થીઓની મદદ કરી.

સોનુ સરે અમારી મદદ કરી
હર્ષા નામની એક વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, અમે અહીં કિવમાં ફસાયેલા છીએ. સોનુ સુદ સર અને તેમની ટીમે અમને અહીંથી બહાર કાઢવામાં મદદ કરી છે. અમે લોકો લ્વીવ માટે રવાના થયા છીએ જે એક સુરક્ષિત જગ્યા છે. ત્યાંથી અમે આરામથી ભારત પહોંચીશું.

નવી આશા આપવા બદલ આભાર
જ્યારે ચારુએ કહ્યું કે હું કિવથી નીકળી રહી છું. સોનુ સરે યોગ્ય સમયે મદદ કરી, થોડા સમય પછી અમે લ્વીવ પહોંચી જઈશું. ત્યાંથી અમે આજ રાત્રે પોલેન્ડ બોર્ડર પાર કરીશું. તમારો ખૂબ ખૂબ આભાર અને તમારી ટીમે અમને એક નવી આશા આપી છે.

આ મારું સૌથી મુશ્કેલ અસાઈનમેન્ટઃ સોનુ
સોનુ સુદે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર એક વીડિયો શેર કરતા લખ્યું, 'યુક્રેનમાં અમારા વિદ્યાર્થીઓ માટે ઘણો મુશ્કેલ સમય અને કદાચ અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ અસાઈનમેન્ટ. સદનસીબે અમે ઘણા વિદ્યાર્થીઓને બોર્ડર પાર કરીને સુરક્ષિત વિસ્તારમાં જવામાં મદદ કરવામાં સફળ રહ્યા. ચાલો પ્રયત્ન કરતા રહીએ, તેમને આપણી જરૂર છે.' સોનુ સુદે પોસ્ટમાં ભારત સરકાર, વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસનો પણ આભાર માન્યો છે.