મદદગાર:સોનુ સૂદે ફરી કમાલ કરી, ઝાંસીથી કોરોના દર્દીને એરલિફ્ટ કરીને હૈદરાબાદ પહોંચાડ્યો

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પહેલાં નાગપુરથી કોરોનાના દર્દીને હૈદરાબાદ પહોંચાડ્યો હતો
  • સોનુ સૂદ સતત કોરોના દર્દીઓની મદદ કરી રહ્યો છે

સોનુ સૂદ છેલ્લાં એક વર્ષથી સતત જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યો છે. કોરોનાની સેકન્ડ વેવમાં સોનુ પણ પોઝિટિવ થયો હતો. જોકે, છ દિવસમાં સોનુનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો. ત્યારબાદ સોનુએ ફરીથી લોકોને મદદ કરવાનું શરૂ કરી દીધું છે. હાલમાં જ સોનુએ ઝાંસીથી કોરોનાના ગંભીર દર્દીને હૈદરાબાદ એરલિફ્ટ કર્યો હતો.

ઝાંસીના ડૉક્ટર્સે આશા છોડી દીધી હતી
ઝાંસીમાં રહેતા કૈલાશ અગ્રવાલ ઘણાં જ બીમાર હતા. ઝાંસીના ડૉક્ટર્સે સુવિધા ના હોવાનું કારણ આપીને કોઈ સારી હોસ્પિટલમાં એડમિટ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ કૈલાશનો પરિવાર સારી હોસ્પિટલ શોધવા લાગ્યો હતો અને તેમણે સોનુ પાસે મદદ માગી હતી. ત્યારબાદ સોનુની ટીમ એક્શન મોડમાં આવી હતી અને તેમને ખબર પડી કે હૈદરાબાદની એક હોસ્પિટલમાં વેન્ટિલેટરની સાથે ICU બેડ ઉપલબ્ધ છે.

એરલિફ્ટ સરળ નહોતું
સોનુએ કહ્યું હતું, 'ડૉક્ટર્સે દર્દીના પરિવારને કોઈ મોટી હોસ્પિટલમાં એડમિટ કરવાની સલાહ આપી હતી. જોકે, મુશ્કેલી એ હતી કે એર એમ્બ્યૂલન્સ માટે જિલ્લાના DMની પરવાનગી જરૂરી હતી. ઝાંસીમાં કોઈ એરપોર્ટ નથી, આથી દર્દીને પહેલાં ગ્વાલિયર લઈ જવાનો હતો અને ત્યાંથી એરલિફ્ટ કરવાનો હતો. આ એક પડકાર હતો. જોકે, અમારી ટીમે સારી વ્યવસ્થા કરી હતી અને એક સેકન્ડનો સમય બગાડ્યો નહોતો. હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં કૈલાશની સારી સારવાર ચાલી રહી છે અને અમને આશા છે કે તે જલ્દીથી ઠીક થઈ જશે.' ઉલ્લેખનીય છે કે હાલમાં કૈલાશની તબિયત સ્થિર છે અને તેની પર દવાની અસર થઈ રહી છે.

આ પહેલાં પણ સોનુએ એક યુવતીને એરલિફ્ટ કરી હતી
આ પહેલાં સોનુએ ગંભીર રીતે બીમાર ભારતીને નાગપુરથી એરલિફ્ટ કરીને હૈદરાબાદ પહોંચાડી હતી. તેને અહીં સમયસર સારવાર મળી રહે એ માટે તેને એરલિફ્ટ કરી હતી. ‘ડાન્સ દિવાને’માં ભારતીના પરિવારનો વીડિયો બતાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં ભારતીની માતા એકદમ ઈમોશનલ થઈ ગઈ હતી અને તેમણે રડતાં કહ્યું હતું કે સોનુ સર તેમના માટે દેવદૂત છે. આટલું સાંભળ્યા બાદ આ એક્ટરની આંખમાં આસું આવી ગયાં હતાં.

મદદ માટે લોકો આજીજી કરી રહ્યા છે
કોરોનાકાળમાં સોનુ સૂદ મસીહા બનીને સામે આવ્યા છે. ગયા વર્ષે તેમણે હજારો શ્રમિકોને મદદ કરી હતી. સોનુ હજી પણ મદદ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં સોનુ સૂદે સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેણે જરૂરિયાતમંદને રેમડેસિવિર ઈન્જેક્શન તથા ઈન્દોરમાં 10 ઓક્સિજન-સિલિન્ડર મોકલ્યાં છે. આ ઉપરાંત તેણે થોડા દિવસ પહેલાં સેન્ટ્રલ ગવર્નમેન્ટમાંથી ઓફલાઈન એક્ઝામ કેન્સલ કરવાની માગણી કરી હતી. જ્યારે CBSEએ ધોરણ 10ની પરીક્ષા કેન્સલ કરી અને 12ની પરીક્ષા મુલતવી રાખી તો એક્ટરે ખુશી વ્યક્ત કરી હતી.

હાલમાં જ પોતાની લાચારી વ્યક્ત કરી હતી
સોનુએ કોરોના દર્દીઓ માટે પૂરતાં બેડ્સ તથા દવાઓની મદદ ના કરી શકવા બદલ લાચારી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું, ‘મેં સવારથી મારો ફોન હાથમાં રાખ્યો છે. દેશભરમાંથી હોસ્પિટલ, બેડ્સ, દવાઓ ઈન્જેક્શન માટે હજારો ફોન આવી ગયા છે. અત્યારસુધી હું અનેકને આ વસ્તુઓ પૂરી પાડી શક્યો નથી. લાચારી અનુભવાય છે. સ્થિતિ ડરામણી છે. પ્લીઝ ઘરમાં રહો, માસ્ક પહેરો તથા પોતાને ચેપથી બચાવો.’

અનેક બોલિવૂડ સેલેબ્સ મદદ માટે આગળ આવ્યા
સોનુ સૂદ સહિત અનેક સેલેબ્સે કોરોનાગ્રસ્ત દર્દીઓની મદદ માટે આગળ આવવાનું કહ્યું છે. સોનુ સૂદ ઉપરાંત સલમાન ખાન, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા, રીતિક રોશન સહિતના સેલેબ્સ મદદ માટે આગળ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...