મદદગાર સ્ટાર:શ્રમિકોની મદદ સાથે સોનુ સૂદ વિદ્યાર્થીઓને ભણતર માટે મદદ કરવામાં પણ આગળ, ગામડાના બાળકો માટે સ્માર્ટફોન્સ મોકલ્યા

એક વર્ષ પહેલા

કોરોના મહામારીમાં એક્ટર સોનુ સૂદ દિવસ રાત સતત જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે. એક્ટર અને તેની ટીમ શ્રમિકોને ઘરે પહોંચાડવા માટે સતત કાર્યરત છે. આ સાથે જ સોનુ સૂદ અન્ય જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પણ હંમેશાં આગળ આવ્યો છે. એક્ટરે હરિયાણાના મોરનીના એક ગામડાના બાળકો માટે સ્માર્ટફોન્સ મોકલ્યા છે, જેથી તેમનું ભણતર ઓનલાઇન ક્લાસ મારફતે ચાલું રહે.

સોનુ સૂદે ટ્વીટ કર્યું કે, દિવસની સુંદર શરૂઆત થઇ આ બાળકોને તેમના સ્માર્ટફોન્સમાં ઓનલાઇન ક્લાસ લેતા જોઈને. પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા.

બુધવારે મોરનીના કોટી ગામડાના સરકારી શાળાના સિનિયર સેકન્ડરીના બાળકોને સોનુ સૂદના મિત્ર કરણ ગિલહોત્રા મારફતે સ્માર્ટફોન્સ પહોંચાડવામાં આવ્યા. આ ફોન સ્કૂલના પ્રિન્સિપલને આપવામાં આવ્યા અને બાળકોએ સોનુ સૂદ સાથે વીડિયો કોલ પર પણ વાત કરી. આ બાળકોને પહેલાં ઓનલાઇન ક્લાસ માટે સ્માર્ટફોન એક્સેસ કરવા માટે ઘણા અંતરનું ટ્રાવેલ કરવું પડતું હતું. તેમના માતા પિતા ગરીબ હોવાથી સ્માર્ટફોન અફોર્ડ કરી શકે એમ નથી અને મહિના ઉપરથી બાળકો ભણતર માટે આટલું ટ્રાવેલિંગ કરતા હતા.

24 ઓગસ્ટે આ બાળકોની તકલીફ સોનુ સૂદના ધ્યાનમાં આવતા તેણે ટ્વીટ કર્યું હતું કે, હવે આ બાળકોને ટ્રાવેલિંગ નહીં કરવું પડે. તેમને આવતીકાલે તેમના સ્માર્ટફોન્સ મળી જશે.

આ પહેલીવાર નથી કે સોનુ સૂદે વંચિત બાળકોના ભણતર માટે હાથ લંબાવ્યો હોય. અગાઉ તેણે હિમાચલ પ્રદેશના પરિવારની મદદ કરી હતી જેમણે તેમની એકમાત્ર આવકનું સાધન તેમની ગાય વેચી દીધી હતી, તેમના બાળકના ઓનલાઇન ક્લાસ માટે સ્માર્ટફોન ખરીદવા. લોકડાઉન શરૂ થયું ત્યારથી સોનુ સૂદ શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવા, રોજગારી આપવા માટે એપ તો કોઈને તેમની કલા મુજબ ક્લાસ શરૂ કરી દઈને પણ મદદ કરતો રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...