હિંદી ભાષાવિવાદ:'બંધારણમાં ક્યાંય લખ્યું નથી કે ભારતની રાષ્ટ્રભાષા હિંદી છે', હવે સોનુ નિગમે વિવાદમાં પેટ્રોલ રેડ્યું

મુંબઈ18 દિવસ પહેલા
  • મનોજ બાજપેયી તથા સોનુ સૂદ બાદ હવે સોનુ નિગમે આ મુદ્દે વાત કરી

હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા સાઉથ ઇન્ડસ્ટ્રી વચ્ચે ભાષા અંગે વિવાદ ચાલી રહ્યો છે. પહેલાં કન્નડ સ્ટાર કિચ્ચા સુદીપે કહ્યું હતું કે હિંદી આપણી રાષ્ટ્રભાષા નથી. બોલિવૂડ હવે પેન ઇન્ડિયા ફિલ્મ બનાવી રહ્યું છે. આના પર અજય દેવગને જવાબ આપ્યો હતો.

હાલમાં જ આયોજિત એક ઇવેન્ટમાં સોનુ નિગમે આ વિવાદ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું, 'તમારા અન્ય દેશો સાથે ઝઘડા ઓછા છે તો તમે પોતાના જ દેશમાં ઝઘડો કરી રહ્યા છો.' આ પહેલાં મનોજ બાજપેયી તથા સોનુ સૂદે પણ પ્રતિક્રિયા આપી હતી.

હિંદી રાષ્ટ્રભાષા હોવાનું બંધારણમાં ક્યાંય લખેલું નથીઃ સોનુ
સોનુ નિગમ એક કાર્યક્રમમાં સામેલ થયો હતો. આ ઇવેન્ટમાં સોનુએ કહ્યું હતું, 'મને નથી લાગતું નથી કે બંધારણમાં ક્યાંય પણ એવું લખ્યું હોય કે ભારતની રાષ્ટ્રભાષા હિંદી છે. જ્યાં સુધી મને ખબર છે અને મેં જેટલા એક્સપર્ટને પૂછ્યું છે. આવું ક્યાંય લખ્યું નથી કે હિંદી આપણી રાષ્ટ્રભાષા છે. હિંદી સૌથી વધુ બોલાતી ભાષા છે. શું તમને ખ્યાલ છે કે તમિળ સૌથી જૂની ભાષા છે. તમિળ તથા સંસ્કૃતની વચ્ચે પણ આ જ ઝઘડો થતો હતો, પરંતુ તમિળ આ દુનિયાની સૌથી જૂની ભાષા છે.'

આ ચર્ચા કેમ થઈ રહી છે?
સોનુએ આગળ કહ્યું હતું, 'તમારા અન્ય દેશો સાથે ઝઘડા ઓછા છે કે તમે તમારા જ દેશમાં ઝઘડો કરી રહ્યા છો. આ ચર્ચા કેમ થઈ રહી છે. આપણે કેમ કરી રહ્યા છીએ. તમે તમિળીયન છો, તમે હિંદી બોલો એમ કહીને આપણે આપણા જ દેશમાં દુશ્મન ઊભા કરી રહ્યા છીએ. કોઈ કેમ બોલશે, જેને જે બોલવું હોય એ બોલે. આપણી કોર્ટનું જજમેન્ટ અંગ્રેજીમાં હોય છે. આ ચર્ચા જ ખોટી છે. કોઈ વ્યક્તિ પર કોઈ ભાષા થોપવી જોઈએ નહીં.'

તે લોકો ઘણા જ જુનૂની છેઃ મનોજ
મનોજે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, 'તે લોકો ઘણા જ જુનૂની છે. તે પોતાની ફિલ્મના દરેક શોટ એ રીતે લે છે કે જાણે દુનિયાના બેસ્ટ શોટ લેતા હોય, આમાં બહુ જ જુનૂન ને ઘણો જ વિચાર લાગે છે. તે ક્યારેય પોતાના ઓડિયન્સ અંગે અપમાનજનક વાત કરતા નથી. તે ક્યારેય એમ નથી કહેતા કે અરે ઓડિયન્સ સમજી જશે.'

માત્ર બોક્સ ઓફિસ અંગે વિચારીએ છીએ
મનોજે આગળ કહ્યું હતું, 'પુષ્પા' તથા 'KGF 2' જેવી ફિલ્મના મેકિંગ જુઓ, દરેક સીન તથા ફ્રેમ એ રીતે શૂટ કરવામાં આવ્યાં છે, જાણે તે લોકો જીવન અને મોતની વચ્ચે હોય. દરેક બાબત એકદમ પર્ફેક્ટ છે. આપણામાં આની ખામી છે. આપણે મેનસ્ટ્રીમ ફિલ્મ માત્ર પૈસા ને બોક્સ ઓફિસ કલેક્શન તરીકે જ વિચારીએ છીએ. આપણે આપણી જ ટીકા કરી શકતા નથી.'

દેશની એક ભાષા છે અને એ એન્ટરટેઇનમેન્ટ છેઃ સોનુ સૂદ
આ વિવાદમાં સોનુ સૂદે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેણે કહ્યું હતું, 'માત્ર હિંદીને આ દેશની રાષ્ટ્રભાષા કહી શકાય નહીં. આ દેશની એક જ ભાષા છે અને એ એન્ટરટેઇનમેન્ટ છે. તમે કઈ ઇન્ડસ્ટ્રીમાંથી આવો છે એનાથી કોઈને ફરક પડતો નથી. તમે લોકોને એન્ટરટેઇન કરો છો તો લોકો તમને પ્રેમ કરશે. તમારો આદર કરશે અને તમારો સ્વીકાર કરશે.'