બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ હિંદી, મરાઠી તથા સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. સોનાલી ચાહકોમાં પોતાની સાદગીને કારણે ઘણી જ લોકપ્રિય છે. કેન્સરની જંગ જીત્યા બાદ સોનાલીનું જીવન હવે ધીમે ધીમે નોર્મલ થઈ રહ્યું છે. તેણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. તે સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. હાલમાં જ તેણે સો.મીડિયામાં 'ધેન એન્ડ નાઉ' તસવીર શૅર કરી હતી. આ તસવીર 16 વર્ષ જૂની છે.
16 વર્ષ જૂની તસવીર શૅર કરી
સોનાલીએ 'ધેન એન્ડ નાઉ' તસવીર શૅર કરી છે. સોનાલી 16 વર્ષ જૂની તસવીરમાં હોલિવૂડ એક્ટર પિયર્સ બ્રોસનન સાથે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે પિયર્સ જેમ્સ બોન્ડના રોલ માટે લોકપ્રિય હતો. તસવીરમાં સોનાલી વ્હાઇટ ડ્રેસમાં જોવા મળે છે. ઓપન હેરમાં સોનાલી ઘણી જ સુંદર લાગે છે. બીજી તસવીરમાં સોનાલી પતિ ગોલ્ડી બહલ સાથે જોવા મળે છે. 16 વર્ષ પહેલાં જે વ્હાઇટ ડ્રેસમાં હતી, તે જ વ્હાઇટ ડ્રેસમાં સોનાલી છે.
સોનાલીએ શું કહ્યું?
સોનાલીએ ફોટો શૅર કરીને કહ્યું હતું, 'મને ધેન એન્ડ નાઉની તસવીર ઘણી જ ગમે છે, કારણ કે થોડુંક બદલાય છે અને થોડુંક એમનું એમ જ રહે છે, જેમ કે હું આ જૂનાં ડ્રેસમાં એકદમ ફિટ લાગું છું. મેં આ ડ્રેસ 16 વર્ષ પહેલાં પહેર્યો હતો અને હવે 2022માં ફરીથી એ જ ડ્રેસ. ઘણી જ ખુશ છું કે આ સંબંધમાં કંઈ જ બદલાયું નથી. 2022માં હું મારા જેમ્સ બોન્ડ વર્ઝન સાથે છું.'
ચાહકોને પણ નવાઈ લાગી
આ તસવીર પર અભિષેક બચ્ચન, હુમા કુરૈશી, તબ્બુ સહિતના સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી. ચાહકોને એ વાતની નવાઈ લાગી કે એક્ટ્રેસે આટલાં લાંબા સમય સુધી ડ્રેસને કેવી રીતે સંભાળીને રાખ્યો. એકે કહ્યું હતું, 'મને નવાઈ લાગે છે કે તમે 16 વર્ષ સુધી તમારા વોર્ડરોબમાં આ ડ્રેસ કેવી રીતે સંભાળીને રાખ્યો.'
આ પહેલાં 20 વર્ષ જૂનું જેકેટ પહેર્યું હતું
ગયા વર્ષે ઓગસ્ટમાં સોનાલી રિયાલિટી શો 'સુપર ડાન્સર ચેપ્ટર 4'માં જોવા મળી હતી. આ સમયે તેણે જે જેકેટ પહેર્યું હતું, તે 20 વર્ષ જૂનું હતું. સોનાલીએ ધેન એન્ડ નાઉની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'કેટલીક વસ્તુઓ ઉંમરની સાથે સારી દેખાય છે. અહીં હું મારા જેકેટ અંગે વાત કરી રહી છું. લગભગ બે દાયકા પહેલાં રોહિત બાલનું આ સુંદર જેકેટ પેહર્યું હતું અને મને ઘણો આનંદ છે કે હું ફરીથી આ પહેરી શકી! વિન્ટેજ.'
સોનાલીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં 'લિટલ માસ્ટર્સ' સિઝન 5ની જજ પેનલમાં છે. સોનાલીની સાથે રેમો ડિસોઝા તથા મૌની રોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.