સોમી અલીએ ફરી એકવાર સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને સલમાન ખાન પર ગંભીર આક્ષેપો મૂક્યા છે. સોમીએ કહ્યું હતું કે જ્યારે તે મુંબઈમાં રહેતી હતી તો સલમાન તેને માર મારતો અને ગંદી ગાળો પણ ભાંડતો હતો.
સોમીએ વધુમાં કહ્યું હતું કે તેણે અનેકવાર મેકઅપની મદદથી ઈજાના નિશાન છુપાવ્યા હતા. સલમાને તેની સાથે જે કર્યું તે કંઈ નવી વાત નથી, કારણ કે તેણે અનેક યુવતીઓની સાથે આમ કર્યું છે. નોંધનીય છે કે સોમી અલીએ ભૂતકાળમાં અનેકવાર સલમાન વિરુદ્ધ વાત કરી છે.
મેકઅપ લગાવીને ઈજાના નિશાન છુપાવવા પડતા
સોમી અલીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેના NGOથી પ્રભાવિત થઈને ડિસ્કવરી ચેનલ પર ડોક્યુમેન્ટરી 'ફાઇટ તથા ફ્લાઇટ' આવી હતી, પરંતુ સલમાને તેના પર બૅન મૂકી દીધો હતો. જ્યારે તે ન્યૂ યોર્કમાં હતી તો સલમાનના વકીલે તેને ધમકીભર્યા ઇમેલ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તે સલમાન વિરુદ્ધ કંઈ પણ બોલી તો જીવ ગુમાવવો પડશે. આ ઉપરાંત જ્યારે તે મુંબઈમાં હતી તો સલમાન માર મારતો હતો.
વધુમાં સોમીએ કહ્યું હતું તેના મેકઅપ આર્ટિસ્ટ અજય શેલાર તેની ગરદન તથા બૉડીના અન્ય હિસ્સામાં મેકઅપ લગાવીને ઈજાના નિશાન છુપાવતો હતો. સ્ટૂડિયોમાં તમામ પ્રોડ્યૂસરે તેની હાલત જોઈ હતી અને તે ઈચ્છે છે કે તે પબ્લિકલી તેની માફી માગે, પરંતુ તે આવું કરશે નહીં, કારણ કે તે ઘણો જ અભિમાની વ્યક્તિ છે.
નાનપણથી હિંસાનો શિકાર બની
સોમી અલીએ આગળ કહ્યું હતું કે તેણે નાનપણથી હિંસા સહન કરી છે. પાંચ વર્ષની ઉંમરથી તેનું શોષણ કરવામાં આવ્યું છે. 9 વર્ષની ઉંમરે પાકિસ્તાનમાં તેનું શારીરિક શોષણ થયું. 14 વર્ષની ઉંમરમાં અમેરિકામાં હિંસા થઈ. જ્યારે ભારત આવી તો જેને 8-8 વર્ષ સુધી ડેટ કર્યો તેણે હિંસા આચરી.
સલમાન સિગારેટના ડામ આપતો
સોમીએ એક મહિના પહેલાં પણ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કેહ્યું હતું, 'હજી ઘણું થશે. મારા શોને ઇન્ડિયામાં બૅન કરાવ્યો અને વકીલોના માધ્યમથી મને ધમકીઓ આપી. તું એક ડરપોક વ્યક્તિ છે. જો તું વકીલનો ડર બતાવીશ તો હું મારા પ્રોટેક્શનમાં 50 વકીલો ઊભા રાખી શકું તેમ છું.' તે મને સિગારેટના ડામ આપ્યા, ફિઝિકલ રીતે હેરાન કરી.'
સલમાનને સપોર્ટ કરનાર એક્ટ્રેસને ખરું-ખોટું સંભળાવ્યું
સોનીએ એમ પણ કહ્યું હતું, 'જે મહિલાઓ મારપીટ કરનાર વ્યક્તિને સપોર્ટ કરે છે તે તમામને શરમ આવવી જોઈએ. તને સપોર્ટ કરનાર મેલ એક્ટર્સ પર શરમ આવે છે. ધ્યાન રહે કે આ આરપારની લડાઈ છે.' જોકે, સોમી અલીએ આ પોસ્ટ થોડા સમય બાદ ડિલિટ કરી નાખી હતી.
ભૂતકાળમાં પણ સલમાન પર આક્ષેપો કર્યા હતા
સોમી અલીએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં સલમાન-ભાગ્યશ્રીની ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'ના ઓપનિંગ સીનનો સ્ક્રીનશોટ શૅર કર્યો હતો. સોમીએ લખ્યું હતું, 'બોલિવૂડના હાર્વે વિન્સ્ટીન એક દિવસ તારો પણ ભાંડો ફૂટશે. તે જે મહિલાઓને એબ્યૂઝ કરી છે, તે એક દિવસ સામે આવશે અને તારી સચ્ચાઈ કહેશે, જેવી રીતે ઐશ્વર્યા રાયે કહી હતી.'
સલમાનનો ક્રશ ભારત સુધી લઈ આવ્યો
બોલિવૂડમાં કરિયર બનાવવા નહીં, પરંતુ સલમાન ખાન પરનો ક્રશ સોમીને ભારત સુધી ખેંચી લાવ્યો હતો. 1991-1997ની વચ્ચે તેણે 'અંત', 'કિશન અવતાર', 'તીસરા કૌન', 'આંદોલન', 'અગ્નિચક્ર' જેવી 10 ફિલ્મ તથા જાહેરાતમાં કામ કર્યું છે. સોમીએ સૈફ અલી ખાન, મિથુન ચક્રવર્તી તથા સુનીલ શેટ્ટી સહિતના સ્ટાર્સ સાથે કામ કર્યું છે.
'મૈંને પ્યાર કિયા' જોઈને સોમી એક્ટર સલમાન પર ફિદા થઈ
સોમી જ્યારે 15 વર્ષની હતી ત્યારે તેણે સલમાનની 'મૈંને પ્યાર કિયા' જોઈ હતી અને તેને પ્રેમ કરવા લાગી હતી. સલમાન સાથે લગ્ન કરવાની ઈચ્છાએ સોમી મુંબઈ આવી. અહીં આવીને તે કામ શોધવા લાગી. આ દરમિયાન એક સ્ટુડિયોમાં સોમીની મુલાકાત સલમાન સાથે થઈ હતી. 8 વર્ષ સુધી સોમી તથા સલમાન રિલેશનશિપમાં રહ્યાં હતાં.
ઐશ્વર્યાને કારણે સંબંધો તૂટ્યા
એક ઈન્ટરવ્યૂમાં સોમીએ કહ્યું હતું કે સલમાન તેનો પહેલો બોયફ્રેન્ડ હતો. જોકે ઐશ્વર્યા રાય વચ્ચે આવી ગઈ અને તેમના સંબંધો તૂટી ગયા. સોમીએ કહ્યું હતું, 'જ્યારે હું ટીનેજર હતી ત્યારે સલમાન પર ક્રશ થયો હતો. આ ક્રશને કારણે હું ફ્લોરિડાથી ઇન્ડિયા આવી હતી. મેં લગ્ન કરવા માટે માત્ર ને માત્ર ફિલ્મમાં કામ કર્યું.' 1997માં સલમાનની નિકટતા 'હમ દિલ દે ચૂક સનમ'ના સેટ પર ઐશ્વર્યા તથા સલમાનની નિકટતાને કારણે સોમી સાથેના સંબંધો તૂટ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.