ધુળેટી 2023ની ઉજવણી ઘણા બોલિવૂડ સેલેબ્સે અલગ અલગ રીતે કરી છે. આ વચ્ચે સોહા અલી ખાન અને શિલ્પા શેટ્ટીએ પણ ખાસ અંદાજમાં ધુળેટીની ઉજવણી કરી હતી. આ બંને એક્ટ્રેસનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
સોહા અલી ખાને સોશિયલ મીડિયા પર હોળી રમતો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સોહા પોતાની 5 વર્ષની દીકરી અને પતિ કુણાલ ખેમુ સાથે ઉગ્રતાથી હોળી રમતી જોવા મળી રહી છે. સોહાના આ વીડિયોમાં કૃણાલ પિચકારીથી રંગ નાખી રહ્યો છે અને સંપૂર્ણપણે પલળેલો જોવા મળી રહ્યો છે. આ સાથે જ એક્ટ્રેસ પોતાની દીકરી સાથે ગુલાલથી રમતો જોવા મળી હતી. વીડિયોમાં કપલ ઉપરાંત તેમના મિત્રો પણ જોવા મળ્યા છે.
સોહા અલી ખાનનું વર્કફ્રન્ટ
સોહા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે લાંબા સમય સુધી ફિલ્મોથી દૂર હતી, પરંતુ તાજેતરમાં જ તેણે ઓટીટીથી ડેબ્યુ કર્યું હતું. તે વેબસિરીઝ 'હશ હશ'માં જોવા મળી હતી. એમાં જુહી ચાવલા, કૃતિકા કામરા, કરિશ્મા તન્ના અને શહાના ગોસ્વામી પણ મુખ્ય ભૂમિકામાં હતાં. સોહાના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો તે 'છોરી 2'માં જોવા મળશે.
શિલ્પા શેટ્ટીએ પણ પોતાના અંદાજમાં આ ખાસ દિવસની ઉજવણી કરી હતી, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ ફૂલોથી હોળી રમતી જોવા મળી હતી. આ સાથે તેણે 'હોળી ખેલે' ગીત પર ડાન્સ પણ કર્યો હતો. વીડિયોમાં તેની સાથે તેનાં બે બાળકો પણ જોવા મળ્યાં છે. આ દરમિયાન ત્રણેયે ખૂબ મસ્તી કરી હતી. શિલ્પાએ વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે 'રંગોનો આ તહેવાર હોળી તમારા જીવનમાં ખુશીઓ અને સફળતાના રંગો જ લાવે, હેપી હોલી. આ વીડિયો સામે આવતાં જ ફેન્સ પણ શિલ્પા પર કોમેન્ટ કરીને હોળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
શિલ્પા શેટ્ટીને હોલિકાદહનના એક વીડિયોને કારણે ટ્રોલ કરવામાં આવી હતી. આ વીડિયોમાં શિલ્પાની સાથે તેના પતિ રાજ કુંદ્રા, તેનાં બાળકો અને માતા પણ છે. ખરેખર આ વીડિયોમાં શિલ્પા હોલિકાદહન દરમિયાન જૂતાં પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે તેણે વાંસનાં લાકડાંથી હોલિકાને સળગાવી હતી, જેના પર લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.