બોલિવૂડના લોકપ્રિય મ્યુઝિક કમ્પોઝર તથા સિંગર એઆર રહમાનની દીકરી ખતીજાએ નિકાહ કર્યા છે. ખતીજા તથા રિયાસદીન શેખ મોહમ્મદના વેડિંગ ફંક્શન ચેન્નઈમાં યોજાયાં હતાં. સિંગરે સો.મીડિયામાં ફેમિલી ફોટો શૅર કરીને જમાઈનું પરિવારમાં સ્વાગત કર્યું હતું.
એઆર રહમાને સો.મીડિયામાં લગ્નની ફેમિલી ફોટો શૅર કર્યો છે, જેમાં દીકરી ખતીજા, જમાઈ રિયાસદીન છે. આ ઉપરાંત દીકરી રહીમા તથા દીકરો આમીન છે. તસવીરમાં સિંગરની દિવંગત માતા કરીમાની ફોટોફ્રેમ છે.
તસવીર શૅર કરીને શું કહ્યું?
રહમાને તસવીર શૅર કરીને કહ્યું હતું, 'સર્વશક્તિમાન, આ નવા કપલને તમારા આશીર્વાદ આપજો. તમારી શુભેચ્છા તથા પ્રેમ માટે એડવાન્સમાં આભાર.' સિંગરની પોસ્ટ પર શ્રેયા ઘોષાલ, હર્ષદીપ કૌર, બોની કપૂર સહિત સેલેબ્સ તથા ચાહકોએ શુભેચ્છા પાઠવી હતી.
કોણ છે જમાઈ?
રિયાસદીન તમિળનાડુમાં રહે છે અને ઓડિયો એન્જિનિયર છે.
છાનામાના સગાઈ કરી હતી
ગયા વર્ષે ખતીજાએ પોતાના જન્મદિવસ પર છાનામાના સગાઈ કરી હતી. એન્ગેજમેન્ટ બાદ ખતીજાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. ખતીજાએ કહ્યું હતું, 'સર્વશક્તિમાનના આશીર્વાદથી મને મહત્ત્વકાંક્ષી ઉદ્યમી તથા વિઝિ્કડ ઓડિયો એન્જીનિયર રિયાસદીન શેખ મોહમ્મદ સાથે સગાઈની જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે. મારી સગાઈ મારા જન્મદિવસ 29 ડિસેમ્બરે થઈ હતી. સગાઈમાં નિકટના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.'
એઆર રહમાનને ત્રણ બાળકો
રહમાને છ વર્ષ નાની સાયરા બાનો સાથે લગ્ન કર્યા છે. તેમને બે દીકરીઓ ખતીજા તથા રહીમા અને દીકરો આમીન છે. હિંદુ પરિવારમાં જન્મેલા રહમાનનું નામ દિલીપ કુમાર હતું, પરંતુ 20 વર્ષની ઉંમરમાં તેમણે મુસ્લિમ ધર્મ કુબૂલ કર્યો હતો. ખતીજાએ તમિળ ફિલ્મમાં ગીતો ગાયાં છે. તેણે રજનીકાંતની 'એન્થીરન'ના ગીત 'પુડિયા મનિધા'થી સિગિંગ કરિયરની શરૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.