તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઈન્ટરવ્યૂ:સિંગર શ્રેયા ઘોષાલનો જૂના ગીતોના રીમિક્સ, રીક્રિએટેડ વર્ઝન સામે વિરોધ, કહ્યું- આવું કરીને જૂના ગીતો બગાડી નાખે છે

મુંબઈ6 મહિનો પહેલાલેખક: અંકિતા તિવારી

શ્રેયા ઘોષાલનું નવું ગીત 'અંગના મોરે' હાલમાં જ રિલીઝ થયું છે. શ્રેયાએ આ ગીતના શબ્દો લખ્યા છે અને કમ્પોઝ પણ કર્યું છે. ગીતનો પ્રોડ્યૂસર શ્રેયાનો ભાઈ સૌમ્યદીપ છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં શ્રેયાએ ગીત, ભાઈ સાથેના કોલેબ્રેશન તથા અંગત જીવન અંગે વાત કરી હતી. શ્રેયાએ કહ્યું હતું કે ફિલ્મમાં જૂના ગીતોના રીમિક્સ કે રીક્રિએટેડ વર્ઝન તેને પસંદ નથી. આમ કરીને જૂના ગીતોને બગાડી નાખવામાં આવે છે.

સવાલઃ તમારા નવા ગીત 'અંગના મોરે' અંગે કંઈક જણાવો. આ ગીત બનાવવા પાછળ શું વાર્તા છે?
લૉકડાઉનમાં એક બાજુ બધા કંટાળી જતા હતા તો મારા અંદરથી અવાજ આવ્યો કે એક ક્લાસિકલ બંદિશનું ગીત બનાવવું જોઈએ. મેં મારા ભાઈ સૌમ્યદીપને ફોન કર્યો અને કહ્યું હતું કે હું ગીત કમ્પોઝ કરવા, લખવા તથા ગાવા તૈયાર છું. તું માત્ર કોન્સેપ્ટલાઈઝ કરશે. આ રીતે વીડિયો કૉલ પર જ ગીત બની ગયું. ગીતના પિક્ચરાઈઝેશનમાં ગ્રાફિક્સ તથા આર્ટવર્કનો ઉપયોગ કર્યો છે. ગીતની કોરિયોગ્રાફી શક્તિ મોહનની છે. હું તથા સૌમ્યદીપ આ ગીતમાં છીએ.

સવાલઃ ભાઈ સાથે કામ કરવામાં કેટલી મજા આવી?
મને લાગે છે કે જ્યારે હું તથા સૌમ્યદીપ સાથે કામ કરીએ છીએ તો અમે બહુ જ મજાક મસ્તી કરીએ છીએ. ઘણીવાર તો કોઈ જોક પર કલાકો સુધી હસતા રહીએ છીએ. જોકે, આ મસ્તી મજાકમાં કામ એકદમ ઊભરીને બહાર આવે છે. સૌમ્યદીપ મારા કરતાં 7 વર્ષ નાનો છે. હું ઘણીવાર પ્રયાસ કરું કે તેને ધમકાવું પણ મને ઘણો જ ડર લાગે છે. તે એક ટાસ્ક માસ્ટર છે. તે પોતાનું કામ પર્ફેક્શન સાથે કરે છે.

સવાલઃ ગીતમાં એક્ટિંગ કરો છો તો ફિલ્મમાં એક્ટિંગ કરવાની ઈચ્છા ખરી?
સાચું કહું તો હું વર્ષોથી ગીતમાં એક્ટંગ કરું છું. મને ઘણી ફિલ્મની ઓફર આવી છે. મોટા મોટા પ્રોડક્શન હાઉસે પણ ફિલ્મ ઓફર કરી છે. જોકે, મને એક્ટિંગ કરવી એવી ખાસ પસંદ નથી. એક્ટિંગ માટે કેમેરાની સામે આવવામાં મને ડર લાગે છે. મને લાગે છે કે મ્યૂઝિક વીડિયોમાં પમ એક પ્રકારની વાત જ છે. તેથી તેનો હિસ્સો બનવો ગમે છે. ભવિષ્યમાં પણ ફિલ્મમાં એક્ટિંગ કરવાની ઈચ્છા નથી.

સવાલઃ લૉકડાઉનમાં શું કર્યું?
સાચું કહું તો લૉકડાઉનમાં પરિવારને સમય આપ્યો હતો. આ ઉપરાંત ગાર્ડનિંગ તથા કુકિંગ કર્યું. સૌથી મહત્ત્વની વાત એ છે કે લાંબા સમયથી સંગીતમાં જે ડિસિપ્લિન હોય છે તેમાં અનિયમિતતા આવી ગઈ હતી. હું રિયાઝ કરી શકતી નહોતી. રેકોર્ડિંગ્સ, ઈવેન્ટ્સ તથા શો હોય છે અને તેને કારણે રિયાઝને સમય આપી શકતી નહોતી. લૉકડાઉનમાં રોજ એક કલાક રિયાઝ કર્યો.

સવાલઃ નાની ઉંમરથી જ ગીતો ગાઈ રહ્યાં છો તો તમારા જીવનની સૌથી યાદગાર વખાણ અંગે જણાવો.
હું મારી જાતને નસીબદાર માનું છે કે મને નાની ઉંમરમાં દિગ્ગજોના આશીર્વાદ મળ્યા. તેમની સાથે ગીત ગાવાની તક મળી. ગિરિજા દેવી, વિલાદ ખાન, અનિલ બિશ્વાસ, ઝાકિર હુસૈન સહિતના દિગ્ગજોએ વખાણ કર્યાં. તેમના હસ્તે મને અવોર્ડ મળે તે મારા માટે કાસ છે. મુંબઈ આવ્યા બાદ મેં આનંદજી કલ્યાણજી પાસેથી 2 વર્ષ સંગીતની ટ્રેનિંગ લીધી હતી. મને આજે પણ યાદ છે કે બાળકો માટે એક લિટિલ વન્ડર્સ નામની કોન્સર્ટ થતી હતી. જોકે, મને આ કોન્સર્ટમાં બહુ બોલાવવામાં આવતી નહોતી.

એક દિવસ મેં તેમને પૂછ્યું કે મને કેમ બોલાવવામાં નથી આવતી તો તેમણે કહ્યું હતું કે તારો અવાજ ગોડ ગિફ્ટ છે અને હું તેને ખરાબ કરવા માગતો નથી. હું નથી ઈચ્છતો કે તું રોજ કોન્સર્ટ કરે. તું યોગ્ય સમય આવે ત્યાં સુધી અવાજને સંભાળીને રાખ. મેં તેમની સલાહ માની લીધી અને ત્યાં સુધી શો ના કર્યાં જ્યાં સુધી યોગ્ય સમય ના આવ્યો. રિયાઝ કરીને અવાજને મધુર બનાવ્યો.

સવાલઃ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં ન્યૂકમર્સને શું સલાહ આપશો?
હું જે સલાહ આપીશ, તે નવી નથી. બસ એટલું જ કહીશ કે હંમેશાં શીખવાની ધગશ રાખવી. સંપત્તિ અને લોકપ્રિયતા પાછળ લાલચી ના બનો. જો લાંબી રેસના ઘોડા બનવું હોય તો કળા પર ફોકસ કરો અને તેને જ પ્રાથમિકતા આપો. તમે રોજ રિયાઝ કરો અને કળાને નિખાર આપો. ભલે કામ થોડું ઓછું મળે, પરંતુ જે તક મળશે તે તમને જીવનભર યાદ રહેશે અને લોકો પણ તમને હંમેશાં યાદ રાખશે.

સવાલઃ જૂની ફિલ્મની તુલનાએ હાલની નવી ફિલ્મમાં ફીમેલ સોલો સોંગ ઓછા હોય છે, શું કહેશો તમે?
આ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી માટે ઘણું જ દુર્ભાગ્યપૂર્ણ છે. હું મારી જાતને લકી માનું છું કે મેં મારી પહેલી જ ફિલ્મ 'દેવદાસ'માં 3-4 સોલો તથા બે ડ્યુટ ગીત ગાયા હતા. મેં તે સમયનો બેસ્ટ સમય જોયો છે. ફીમેલ સોંગ્સનું ચલણ છેલ્લાં કેટલાંક સમયથી ઓછું થઈ ગયું છે. મને લાગે છે કે આપણે આગળ વધવાની બદલે પાછળ જઈ રહ્યાં છીએ. આને બદલવાની જરૂર છે. આ જ કારણે હું મારું ઈન્ડિપેન્ડેન્ટ મ્યૂઝિક કરું છું.

સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં સ્ત્રીઓના પાત્રને મહત્ત્વપૂર્ણ રીતે બતાવવામાં આવે છે. હું માનું છું કે આજે ઈન્ડસ્ટ્રીમાં ફીમેલ સેન્ટ્રિક ફિલ્મ બહુ ઓછી બને છે, જેને કારણે ફીમેલ સોલો સોંગ્સ પણ ઓછા આવે છે.

સવાલઃ છેલ્લાં બે દાયકામાં સંગીત પૂરી રીતે બદલાઈ ગયું છે. મેલોડી સોંગ્સને બદલે રીમિક્સ તથા રીક્રિએટેડ વર્ઝન આવી ગયું છું. તમે આને કઈ રીતે જુઓ છો?
આ મ્યૂઝિક લેબલની ભૂલ છે. રીમિક્સ તથા રીક્રિએટેડ વર્ઝન બનાવવું તદ્દન સરળ છે. 90ના દાયકાના કોઈ પણ હિટ સોંગ લઈને આ બનાવી નાખવામાં આવે છે. પહેલી વાત એ કે આ ગીતો એટલા જૂના છે જ નહીં. આજે પણ ઓરિજિનલ ગીતો વાગે છે ત્યારે લોકોને સાંભળવા ગમે છે. તે ગીતને રીક્રિએટ કરીને નવું તો કંઈ ના કર્યું, પરંતુ જૂના ગીતને બગાડી નાખ્યું. મને આ થોડું ઓછું પસંદ છે.

મને લાગે છે કે દર્શકોને પણ આ પસંદ નથી. તેઓ પણ કંટાળી ગયા છે. હવે સમય આવી ગયો છે કે કંઈક નવું કરીએ. ગયા વર્ષે લૉકડાઉનને કારણે ફિલ્મ ઓછી રિલીઝ થઈ અને આ ટ્રેન્ડમાં થોડો ઘટાડો થયો અને ઈન્ડિપેન્ડેટ મ્યૂઝિક થોડું વધ્યું. દર્શકો પણ સ્માર્ટ છે. તેમને પણ ગોલ્ડન આલ્બમ્સ ગમે છે.

સવાલઃ કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ કોને માનો છો?
મારી પહેલી ફિલ્મ 'દેવદાસ'ના મોટાભાગના ગીતો મેં ગાયાં હતાં અને મારા માટે આ જ ટર્નિંગ પોઈન્ટ છે. તે સમયે મારી ઉંમર માત્ર 16 વર્ષની હતી. આ ગીતોને કારણે મને અલગ ઓળખ મળી. આ ગીતોએ મારું જીવન બદલી નાખ્યું. આવતા વર્ષે મને ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા થશે.