વાઇરલ વીડિયો:'સીધી બાત નો બકવાસ', ઉર્વશી રાઉતેલાએ ક્રિકેટર રિષભ પંતની હાથ જોડીને માફી માગી

મુંબઈ21 દિવસ પહેલા

ઇન્ડિયન ક્રિકેટર રિષભ પંત તથા બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા વચ્ચેનો વિવાદ જાણીતો છે. હાલમાં જ ઉર્વશી રાઉતેલાનો એક વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. આ વીડિયોમાં તે રિષભનું નામ આવતા હાથ જોડીને માફી માગે છે. ઉર્વશીના એક ઇન્ટરવ્યૂ બાદ ગયા મહિને જ બંને વચ્ચે સો.મીડિયામાં તડાફડી મચી હતી.

ઉર્વશીના વાઇરલ વીડિયોમાં શું છે?
વાઇરલ વીડિયોમાં ઉર્વશીએ પંત અંગે વાત કરી હતી. ઉર્વશીને સવાલ કરવામાં આવ્યો હતો કે RP માટે તે કોઈ મેસેજ આપવા માગે છે? એક્ટ્રેસે કહ્યું હતું, 'સીધી બાત નો બકવાસ. આથી હું બકવાસ કરતી નથી.' તેને બીજીવાર પૂછવામાં આવ્યું હતું કે કોઈ મેસેજ? તમે માફ કરો ને ભૂલી જાવમાં માનો છો. તમે રિષભ પંતને કંઈક કહેવા માગશો? ઉર્વશીએ જવાબમાં કહ્યું હતું, 'હું બસ એટલું જ કહેવા માગીશ, હું શું કહેવા માગીશ...કંઈ નહીં, સોરી, આઇ એમ સોરી.' ઉર્વશીએ હાથ જોડીને આ વાત કહી હતી.

ઉર્વશીએ ગયા મહિને શું કહ્યું હતું?
ગયા મહિને ઉર્વશીનો એક ઇન્ટરવ્યૂ સો.મીડિયામાં વાઇરલ થયો હતો. આ વીડિયોમાં તેણે રિષભ પંતનું નામ 'મિસ્ટર RP' તરીકે લીધું હતું. તેણે કહ્યું હતું, 'જ્યારે હું બનારસથી દિલ્હી શૂટિંગ માટે ગઈ હતી, ત્યારે મિસ્ટર RP મળવા આવ્યા હતા. તે હોટલની લૉબીમાં મારી રાહ જોતા હતા, પરંતુ હું સૂઈ ગઈ હતી. જોકે, મને પછીથી આ અંગે માહિતી મળી હતી. મારા ફોનમાં 17 મિસ્ડ કૉલ્સ હતા. પછી મેં તેમની સાથે વાત કરી અને કહ્યું હતું કે જ્યારે મુંબઈ આવશો ત્યારે મળીશું. પછી અમે મળ્યાં પણ હતાં. જોકે, ત્યાં સુધી મીડિયામાં આ વાત આવી ચૂકી હતી.'

રિષભે શું કહ્યું?
આ વીડિયો વાઇરલ થતાં રિષભે આ અંગે સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, 'આ કેટલું રમૂજી છે. લોકો કેવી રીતે લોકપ્રિયતા તથા સમાચારોમાં રહેવા માટે ઇન્ટરવ્યૂમાં કંઈ પણ ખોટું બોલી દેતા હોય છે. આ દુઃખની વાત છે કે લોકો નામ અને લોકપ્રિયતાના કેટલા ભૂખ્યા છે. ભગવાન તેમની પર કૃપા વરસાવે. મારો પીછો છોડ બહેન. ખોટું બોલવાની પણ એક લિમિટ હોય છે.' જોકે, થોડા સમય બાદ રિષભ પંતે આ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી.

ઉર્વશીએ સામે જવાબ આપ્યો હતો
રિષભની પોસ્ટ બાદ ઉર્વશીએ પણ એક પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, 'છોટુ ભૈયાને બેટબોલ રમવું જોઈએ. હું કંઈ મુન્ની નથી કે તારા માટે બદનામ થાઉં.'

2018માં અફેર હોવાની ચર્ચા થઈ હતી
ઉર્વશી તથા રિષભ વચ્ચે 2018માં અફેર હતું. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો. બંને અવાર-નવાર સાથે જોવા મળતાં હતાં. આટલું જ નહીં IPLની મેચમાં ઉર્વશી ખાસ હાજર રહેતી અને રિષભને ચિયર પણ કરતી હતી. બંને પોતાના સંબંધો ઓફિશિયલ કરે તે પહેલાં જ બ્રેકઅપ થઈ ગયું હતું.

એકબીજાને બ્લોક કર્યા
રિપોર્ટ્સ પ્રમાણે ઉર્વશી તથા રિષભ વચ્ચે એ હદે કડવાશ આવી ગઈ હતી કે બંનેએ એકબીજાને સો.મીડિયામાં બ્લોક કરી દીધા હતા. બ્રેકઅપ કયાં કારણોને લીધે થયું તે આજ સુધી ખ્યાલ આવી શક્યો નથી. જોકે, ત્યારથી જ ઉર્વશીની રિષભ પંતના નામથી મજાક ઉડાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...