આ જ વર્ષે ફેરા ફરશે:રિલેશનશિપના એક વર્ષ બાદ જ સિદ્ધાર્થ-કિઆરા લગ્નના તાંતણે બંધાશે

મુંબઈએક મહિનો પહેલા

સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણી પોતાના સંબંધોને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ ચર્ચા હતી કે બંને લગ્ન કરવાના છે. આ દરમિયાન હવે તેમના લગ્ન અંગે નવી જ વાત સામે આવી છે. બંને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરશે.

ડિસેમ્બરમાં લગ્ન ને મુંબઈમાં રિસેપ્શન પાર્ટી
'બોલિવૂડ હંગામા'ના અહેવાલ પ્રમાણે, કિઆરા તથા સિદ્ધાર્થ ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે. બંનેએ લગ્નની ડેટ ફાઇનલ કરી દીધી છે. લગ્ન બાદ બંને મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપશે. આ રિસેપ્શનમાં બોલિવૂડના અનેક સેલેબ્સ સામેલ થશે.

લગ્નની જાહેરાત ટૂંક સમયમાં
હાલમાં સિદ્ધાર્થ તથા કિઆરા લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. બંને લગ્નને સિક્રેટ રાખવા માગે છે. કપલ લગ્નની પૂરી તૈયારી કરી લીધા બાદ જ ઓફિશિયલ જાહેરાત કરશે.

દિવાળી પૂજામાં બંને સાથે હતાં
કરન જોહરે દિવાળીના દિવસે ઘરે એક પૂજાનું આયોજન કર્યું હતું. આ પૂજામાં બોલિવૂડના ઘણાં સ્ટાર્સ સામેલ થયા હતા. કિઆરા તથા સિદ્ધાર્થ પણ સાથે જ આવ્યા હતા.

2023માં લગ્ન કરવાના હતા
પહેલાં ચર્ચા હતી કે સિદ્ધાર્થ તથા કિઆરા આવતા વર્ષે લગ્ન કરવાના હતા. તેઓ એપ્રિલમાં દિલ્હીમાં લગ્ન કરવાના હતા. જોકે, પછી તેમણે નિર્ણય બદલીને ડિસેમ્બરમાં જ લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્નમાં માત્ર પરિવાર ને મિત્રો હાજર રહેશે. કિઆરા તથા સિદ્ધાર્થ પહેલાં કોર્ટ મેરેજ કરશે અને પછી રિસેપ્શન તથા કોકટેલ પાર્ટી આપશે.

સલમાને સિદ્ધાર્થને લગ્નની શુભેચ્છા પાઠવી
'બિગ બોસ'માં સિદ્ધાર્થ ફિલ્મ 'થેંક ગોડ'ના પ્રમોશન માટે આવ્યો હતો. સિદ્ધાર્થની સાથે રકુલ પ્રીત સિંહ પણ હતી. આ દરમિયાન સલમાને વાતોવાતોમાં સિદ્ધાર્થના લગ્નની વાત કરી હતી. સલમાને કહ્યું હતું, 'સિદ્ધાર્થ, શાદી મુબારક.'

બંનેએ ક્યારે એકબીજા પ્રત્યે પ્રેમ હોવાનું સ્વીકાર્યું?
કિઆરા તથા સિદ્ધાર્થ પહેલી વાર 2018માં 'લસ્ટ સ્ટોરી'ની પાર્ટીમાં મળ્યાં હતાં. ત્યાર બાદ બંનેએ ફિલ્મ 'શેરશાહ'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંનેની કેમિસ્ટ્રી જોરદાર જોવા મળી હતી. કરન જોહરના ચેટ શો 'કૉફી વિથ કરન'માં બંનેએ મિત્રો કરતાં વિશેષ હોવાનો સ્વીકાર કર્યો હતો. શોમાં કિઆરા અડવાણી એક્ટર શાહિદ કપૂર સાથે આવી હતી જ્યારે સિદ્ધાર્થ એક્ટર વિકી કૌશલ સાથે આવ્યો હતો. સિદ્ધાર્થ શોમાં આવ્યો ત્યારે કરન જોહરે શોમાં એક ક્લિપ ચલાવી હતી. આ ક્લિપમાં કિઆરા તથા શહિદ હતા. કિઆરાએ એ વાત સ્વીકારી હતી કે સિદ્ધાર્થ ક્લોઝ મિત્ર કરતાં વિશેષ છે. લગ્નના પ્લાનિંગ વિશે કિઆરાએ એવું કહ્યું હતું, 'હું તેને મારા જીવનમાં જોઉં છું, પરંતુ આ શોમાં હું લગ્ન અંગે કોઈ વાત કરીશ નહીં.' આટલું સાંભળતા જ શાહિદ કપૂરે કિઆરાની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે 15 મિનિટ પહેલાં કિઆરા રિલેશનશિપનો સ્વીકાર કરવા તૈયાર નહોતી અને હવે તેણે સંબંધોનો સ્વીકાર પણ કરી લીધો! આ ક્લિપ જોતાં જ સિદ્ધાર્થે કરનને એવું કહ્યું હતું કે તે કિઆરાને આટલી હેરાન કેમ કરી?

જ્યારે સિદ્ધાર્થે કહ્યું હતું, કિઆરા સાથે લાંબી મુસાફરી કરવામાં વાંધો નથી
ઓગસ્ટ, 2022માં ફિલ્મ 'શેરશાહ'ને એક વર્ષ થતાં ચાહકો માટે સિદ્ધાર્થ તથા કિઆરાએ સો.મીડિયામાં લાઇવ સેશન કર્યું હતું. ગયા વર્ષે 'શેરશાહ' 12 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. આ લાઇવ સેશનમાં બંનેએ શૂટિંગ દરમિયાન ચંદીગઢથી પાલમપુર વચ્ચેની જર્ની યાદ કરી હતી. લાઇવ સેશનમાં સિદ્ધાર્થે કહ્યું હતું કે તેને કિઆરા સાથે લાંબી મુસાફરી કરવામાં કોઈ જ વાંધો નથી. આ વાત સાંભળીને કિઆરાના ગાલ શરમથી લાલ થઈ ગયા હતા અને તેણે કહ્યું હતું કે તે સમયે તો તેણે આવી કોઈ લાગણી બતાવી નહોતી. કારમાં તું તારું કંઈક કામ કરતો હતો. આ સાંભળીને સિદ્ધાર્થે કહ્યું હતું કે આ લાગણી તેની અંદર હતી.'

કિઆરાનું નામ સાંભળીને જ સિદ્ધાર્થનો ચહેરો લાલ થઈ ગયો
થોડાં દિવસ પહેલાં જ મુંબઈમાં 'થેંક ગોડ'નો પ્રીમિયર શો યોજાયો હતો. આ ફિલ્મમાં અજય દેવગન, રકુલ પ્રીત સિંહ તથા સિદ્ધાર્થ મલ્હોત્રા છે. ફિલ્મનો પ્રીમિયર શો પૂરો થયા બાદ સિદ્ઘાર્થ થિયેટરની બહાર ચાહકોને મળે છે. આ સમયે એક મહિલા સિદ્ધાર્થને કહે છે, 'આ મારી દીકરી કિઆરા' છે. કિઆરાનું નામ સાંભળતા જ સિદ્ધાર્થની આંખમાં ચમક આવી જાય છે અને ગાલ એકદમ રતુંબડા થઈ જાય છે. તે જવાબ આપતા કહે છે, 'ઓહ કિઆરા? લવલી..' પછી સિદ્ધાર્થે ફોટો ક્લિક કરાવ્યો હતો.

પ્રીમિયરમાં કિઆરાની મમ્મી ને દાદી આવ્યા હતા
આ પ્રીમિયર શોમાં કિઆરાની દાદી ને મમ્મી બંને આવ્યા હતા. કિઆરાના મમ્મી-દાદીને જોતાં જ એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે બંને પોતાના સંબંધો અંગે ઘણાં જ ગંભીર છે.

કોણ છે સિદ્ધાર્થ મલ્હોત્રા?
સિદ્ધાર્થ મલ્હોત્રા દિલ્હીમાં પંજાબી હિંદુ પરિવારમાં જન્મ્યો છે. સિદ્ધાર્થના પિતા સુનીલ મર્ચન્ટ નેવીમાં ફોર્મર કેપ્ટન હતા અને માતા રિમ્મા હોમમેકર છે. સિદ્ધાર્થનો ભાઈ હર્ષદ મલ્હોત્રા બેંકર છે. 18 વર્ષની ઉંમરથી સિદ્ધાર્થે મોડલિંગની શરૂઆત કરી હતી. ચાર વર્ષ બાદ તેને મોડલિંગથી સંતોષ ના થતાં તેણે કરિયર છોડી દીધી હતી. ત્યારબાદ 2009માં ટીવી સિરિયલ 'ધરતી કા વીર યૌદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ'માં જયચંદનો રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ તેણે અનુભવ સિંહાની એક ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ આ ફિલ્મ અભરાઈ પર ચઢાવી દેવામાં આવ્યા હતા. 2010માં તેણે 'માય નેમ ઇઝ ખાન'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મ કરન જોહરે ડિરેક્ટ કરી હતી. 2012માં સિદ્ધાર્થે કરન જોહરના બેનર ધર્મા પ્રોડક્શનની ફિલ્મ 'સ્ટૂડન્ટ ઑફ ધ યર'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન હતા. સિદ્ધાર્થના સંબંધો આલિયા સાથે થોડો સમય રહ્યા હતા, પરંતુ પછી બંને અલગ થઈ ગયા હતા.

કિઆરા તથા ઈશા અંબાણીની બાળપણ તથા યુવાનીની તસવીરોનું કોલાજ.
કિઆરા તથા ઈશા અંબાણીની બાળપણ તથા યુવાનીની તસવીરોનું કોલાજ.

કોણ છે કિઆરા અડવાણી?
કિઆરા અડવાણીનું સાચું નામ આલિયા અડવાણી છે. તેના પિતા જગદીપ અડવાણી સિંધી છે અને બિઝનેસમેન છે. તેની માતા જીનીવીવ જાફરી છે. જીનીવીવ મુસ્લિમ માતા તથા ક્રિશ્ચિન પિતાનું સંતાન છે. જીનીવીવ તથા સ્વ. અશોક કુમાર તથા સ્વ. સઈદ જાફરી સંબંધીઓ થતા હતા. કિઆરાએ 2014માં પહેલી ફિલ્મ 'ફુગલી' રિલીઝ થાય તે પહેલાં પોતાનું નામ બદલ્યું હતું. ફિલ્મ 'અંજાના અંજાની' (2010)માં પ્રિયંકા ચોપરાના પાત્રનું નામ કિઆરા હતું. સલમાન ખાને કિઆરાને નામ બદલવાની સલાહ આપી હતી, કારણ કે બોલિવૂડમાં આલિયા ભટ્ટ એક જાણીતી એક્ટ્રેસ હતી. સલમાનની સલાહ માનીને નામ ચેન્જ કર્યું હતું. કિઆરા તથા મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી એક જ સ્કૂલમાં સાથે ભણતા હતા અને બંને વચ્ચે ગાઢ મિત્રતા છે.

સિદ્ધાર્થ-કિઆરાનું વર્કફ્રન્ટ
સિદ્ધાર્થ તથા કિઆરાએ 'શેરશાહ'માં સાથે કામ કર્યું હતું અને અહીઁથી બંને વચ્ચેના પ્રેમની શરૂઆત થઈ હતી. હવે સિદ્ધાર્થ વેબસિરીઝ 'ઇન્ડિયન પોલીસ'માં જોવા મળશે. આ સિરીઝને રોહિત શેટ્ટી ડિરેક્ટ કરે છે. કિઆરા 'સત્યપ્રેમ કી કથા'માં જોવા મળશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન છે.

અન્ય સમાચારો પણ છે...