લવ રંજને ગઈ કાલે એટલે કે 13 ડિસેમ્બરના રોજ ચાહકોને રણબીર કપૂર-શ્રદ્ધા કપૂરની ફિલ્મનું ટાઇટલ શું હશે તેનો અંદાજો લગાવવાનું કહ્યું હતું. હવે આ ફિલ્મના નામની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનું નામ ટીઝર સાથે શૅર કરવામાં આવ્યું છે. લવ રંજનની આ રોમ-કોમ ફિલ્મનું નામ 'તુ જૂઠી મૈં મક્કાર' છે. આ ફિલ્મ આવતા વર્ષે હોળી પર 8 માર્ચ, 2023ના રોજ રિલીઝ થશે.
સો.મીડિયામાં ફિલ્મનું ટીઝર શૅર કરવામાં આવ્યું
સો.મીડિયામાં ફિલ્મનું ટીઝર શૅર કરવામાં આવ્યું છે. ટીઝરમાં રણબીર કપૂર તથા શ્રદ્ધા કપૂરની ફંકી કેમિસ્ટ્રી જોવા મળી છે.
એક દિવસ પહેલાં ચાહકોને નામનો અંદાજો લગાવવાનું કહેવામાં આવ્યું હતું
13 ડિસેમ્બરના રોજ સો.મીડિયામાં ફિલ્મના નામના ફર્સ્ટ લેટર (TJMM) અંગેનું પોસ્ટર શૅર કરવામાં આવ્યું હતું અને ફિલ્મનું નામ શું હશે તે પૂછવામાં આવ્યું હતું. આલિયા ભટ્ટે ફન્ની પોસ્ટ કરતાં કહ્યું હતું કે ફિલ્મનું નામ 'ટિંગલ જિંગલ મિંગલે મિંગલે' હશે.
આ ફિલ્મને લવ રંજને ડિરેક્ટ કરી છે અને અંકુર ગર્ગે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે. રણબીર તથા શ્રદ્ધા પહેલી જ વાર સાથે કામ કરી રહ્યા છે. લવ રંજનની ફિલ્મ રસપ્રદ નામને કારણે જાણીતી હોય છે, 'પ્યાર કા પંચનામા', 'સોનૂ કે ટીટૂ કી સ્વીટી' પછી હવે 'તૂ જૂઠી મૈં મક્કાર' જોવા માટે ચાહકો ઉત્સુક છે.
હટકે અંદાજમાં 'સોનુ કે ટીટૂ કી સ્વીટી'ના નામની જાહેરાત થઈ હતી
'સોનુ કે ટીટૂ કી સ્વીટી'ને શરૂઆતમાં 'SKTKS' તરીકે ઓળખવામાં આવી હતી. લવ રંજને પછી ફિલ્મના ટાઇટલની જાહેરાત કરી હતી. તેમણે વીડિયો શ2ર કરીને ફિલ્મના નામની જાહેરાત કરી હતી. આ વીડિયોમાં ફિલ્મની લીડ સ્ટાર-કાસ્ટ સ્પોટલાઇટ માટે અંદરોઅંદર ઝઘડતી જોવા મળી હતી. આ ફિલ્મ 2018માં 23 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ફિલ્મમાં નુસરચ ભરુચા, કાર્તિક આર્યન તથા સની સિંહ હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.