બાપ્પાનું સ્વાગત:શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રા વગર જ ગણેશચતુર્થી મનાવશે, રંગેચંગે ગણપતિ ભગવાનને ઘરે લઈને આવી

મુંબઈ3 મહિનો પહેલા
  • 10 સપ્ટેમ્બરના રોજ ગણેશચતુર્થી, દર વર્ષની જેમ આ વર્ષે પણ શિલ્પા ઘરે ગણેશજીની સ્થાપના કરશે

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા હાલમાં પોર્નોગ્રાફી કેસમાં જેલમાં બંધ છે. રાજ કુંદ્રા 19 જુલાઈથી જેલમાં છે. શિલ્પા શેટ્ટી આ વર્ષે પતિ વગર જ ગણેશોત્સવ મનાવશે. શિલ્પા શેટ્ટી આજે (8 સપ્ટેમ્બર) બાપ્પાને લેવા લાલ બાગ ગઈ હતી. 10 સપ્ટેમ્બરે ગણેશચતુર્થી છે.

શિલ્પાએ હસતા ચહેરે બાપ્પાનું સ્વાગત કર્યું
શિલ્પા શેટ્ટીએ હસતા ચહેરે બાપ્પાનું સ્વાગત કર્યું હતું. તેણે સાથિયા કરેલા પાટલા પર બાપ્પાને બેસાડ્યા હતા અને તેમની પર ચૂંદડી ઓઢાડેલી હતી. ત્યાર બાદ તેણે ગણેશજીને કારમાં મુકાવ્યા હતા. શિલ્પા શેટ્ટી કારથી દુકાનમાં ગણેશજીની મૂર્તિ લેવા ગઈ ત્યારે તે ખુલ્લા પગે હતી. શિલ્પાએ ખુશીથી ફોટોગ્રાફ્રર્સને પોઝ પણ આપ્યા હતા.

બાપ્પાને ઘરે લાવતી શિલ્પા શેટ્ટી....

રાજથી અલગ થાય એવી ચર્ચા
વેબ પોર્ટલ બોલિવૂડ હંગામાના અહેવાલ પ્રમાણે, શિલ્પા શેટ્ટીના ખાસ નિકટના મિત્રોએ એક્ટ્રેસના અંગત જીવન અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. એક મિત્રે કહ્યું હતું કે રાજ કુંદ્રાની મુશ્કેલીઓનો નિકટના ભવિષ્યમાં ઉકેલ આવે એમ લાગતું નથી. આ મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધતી જાય છે. રાજ કુંદ્રા પોર્નોગ્રાફીમાં ફસાયેલો છે, એ વાત જાણીને શિલ્પાને ઘણો જ આઘાત લાગ્યો હતો. શિલ્પાને ખ્યાલ જ નહોતો કે આ ડાયમંડ તથા ડુપ્લેક્સ પોર્ન બિઝનેસમાંથી આવે છે.

પોલીસ ઘરે આવી ત્યારે શિલ્પા ગુસ્સે થઈ હતી
ગયા મહિને 23 જુલાઈના રોજ જ્યારે ક્રાઇમ બ્રાંચ જુહુ સ્થિત શિલ્પાના ઘરે આવી ત્યારે એક્ટ્રેસ રાજને જોઈ ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ હતી અને બૂમો પાડવા લાગી હતી. તેણે રાજને જોઈને કહ્યું હતું કે આ કેસે પરિવારની બદનામી કરી નાખી છે, અનેક એન્ડોર્સમેન્ટ, બિઝનેસ ડીલ્સ કેન્સલ થઈ ગઈ છે. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ શિલ્પાને શાંત પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો.

પતિને સાથ આપ્યો
થોડીવાર બાદ શિલ્પા શાંત થઈ હતી અને પછી તેણે પતિને સાથ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે રાજ પોર્ન કન્ટેન્ટ બનાવતો નથી. હોટશોટ્સ એપ સાથે તેને કંઈ જ લેવાદેવા નથી. આ સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે પોર્ન તથા ઇરૉટિક બંને અલગ છે.
શિલ્પાએ એમ પણ કહ્યું હતું કે બીજા OTT પ્લેટફોર્મ પર રહેલું કન્ટેન્ટ વધુ અશ્લીલ છે. નિવેદન આપ્યા બાદ શિલ્પાએ મુંબઈ પોલીસને કહ્યું હતું કે તેના પતિ પર લગાવવામાં આવેલા આરોપો યોગ્ય નથી. તેણે પોર્ન તથા ઇરૉટિક વચ્ચેનો ડિફરન્સ બતાવવાનો પ્રયાસ કર્યો હતો.

શિલ્પાની છ કલાક પૂછપરછ કરવામાં આવી
ક્રાઇમ બ્રાંચે શિલ્પાની છ કલાક પૂછપરછ કરી હતી. ક્રાઇમ બ્રાંચે શિલ્પાનો ફોન ફોરેન્સિક તપાસ માટે લીધો હતો. નિવેદન આપતા સમયે પણ વચ્ચે વચ્ચે શિલ્પા શેટ્ટી રડી પડતી હતી.

ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટી છેલ્લે 'હંગામા 2'માં મિઝાન તથા પરેશ રાવલ સાથે જોવા મળી હતી. હવે તે 'નિકમ્મા'માં જોવા મળશે. શિલ્પા 'સુપર ડાન્સર ચેપ્ટર 4'માં જજ છે.