કુંદ્રા દંપતી વિરુદ્ધ કેસ:શિલ્પા-રાજ પર 1.5 કરોડના ફ્રોડનો આરોપ, મુંબઈ પોલીસ ટૂંક સમયમાં પૂછપરછ કરે તેવી શક્યતા

મુંબઈ23 દિવસ પહેલા
  • શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રાનો પક્ષ જાણવા મુંબઈ પોલીસ ટૂંક સમયમાં તેમનો સંપર્ક કરશે

શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રાની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ કુંદ્રા પર પોર્નોગ્રાફીનો કેસ ચાલી જ રહ્યો છે. હવે શિલ્પા તથા રાજ પર મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ કરવામાં આવ્યો છે. નિતિન બરાઈ નામના ફરિયાદીનો આરોપ છે કે શિલ્પા તથા રાજે 2014થી લઈ અત્યાર સુધી સ્પા તથા જિમની ફ્રેન્ચાઇઝી વહેંચવાના નામે અનેકવાર ફ્રોડ કર્યો છે. નિતિને આ કેસમાં કાશિફ ખાન, દર્શિત શાહ તથા કેટલાંક સાથીઓને આરોપી ગણાવ્યા છે. જોકે, એ વાતની માહિતી મળી નથી કે કાશિફ તથા દર્શિત કોણ છે અને શિલ્પા-રાજની કંપનીમાં આ બંનેની ભૂમિકા શું હતી?

1.5 કરોડ રૂપિયાનું રોકાણ કરીને છેતરપિંડી કરી
નિતિને કહ્યું હતું કે તેણે પૂનામાં કોરેગાંવમાં શિલ્પા તથા રાજની ફર્મ 'મેસર્સ SFL પ્રાઇવેટ કંપની' હેઠળ જિમ તથા સ્પાની ફ્રેન્ચાઇઝી શરૂ કરી હતી. આરોપીઓએ તેની પાસેથી 1 કરોડ 59 લાખ 27 હજાર રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને પછી તે પૈસા અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા. જ્યારે પૈસા પરત માગ્યા ત્યારે આરોપીઓએ તેને ધમકાવ્યો હતો.

ટૂંક સમયમાં પૂછપરછ થશે
નિતિનની ફરિયાદ બાદ બાંદ્રા પોલીસે શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્ર સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ હેઠળ 406, 409, 420, 506, 34 અને 120 (B) હેઠળ કેસ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસ આ કેસમાં આરોપીઓની ટૂંક સમયમાં પૂછપરછ કરશે. રાજ કુંદ્રા તથા શિલ્પા શેટ્ટીનો પક્ષ જાણવા માટે પોલીસ તેમનો સંપર્ક કરશે.

શિલ્પાએ કહ્યું, આઘાતમાં છું
શિલ્પાએ સો.મીડિયામાં પોતાનું નિવેદન શૅર કરીને કહ્યું હતું, 'સવારે ઊઠીને જ ખબર પડી કે મારી તથા રાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ વાતથી આઘાતમાં છું. હું કહેવા માગીશ કે SFL ફિટનેસ એક વેન્ચર છે અને તે કાશિફ ખાન ચલાવતા હતા. તેણે આ બ્રાન્ડ નેમ હેઠળ દેશભરમાં ફિટનેસ જિમ શરૂ કરવાના રાઇટ્સ લીધા હતા. સારી ડીલ્સ પર તે જ સહી કરતા હતા અને તેમની પાસે જ રોજનું કામકાજ કરવાની જવાબદારી હતી. અમને તેમના કોઈ ટ્રાન્ઝેક્શન અંગે જાણ નથી અને અમે તેમની પાસેથી કોઈ રૂપિયા લીધા નથી.'

વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું, 'તમામ ફ્રેન્ચાઇઝી સીધી રીતે કાશિફ સાથે જ ડીલ કરતી હતી. કંપની 2014માં બંધ થઈ ગઈ હતી અને તેનું પૂરું મેનેજમેન્ટ કાશિફ ખાન જ કરતો હતો. મેં મારા જીવનના 28 વર્ષ ઘણી જ મહેનત કરી છે. મને આ જોઈને દુઃખ થાય છે કે ઘણી જ સહજતાથી મારું નામ અને મારી રેપ્યુટેશન ડેમેજ થઈ રહી છે. કેટલી સરળતાથી મારું નામ ક્યાંય પણ લઈ લેવામાં આવે છે. હું કાયદાનું પાલન કરતી અને સન્માન કરતી દેશની ગૌરવાન્વિત નાગરિક છું. મારા અધિકારોનું રક્ષણ થવું જોઈએ.'

હાલમાં જ શિલ્પા-રાજે તાંત્રિક પૂજા કરાવી
પતિ રાજને જામીન મળી ગયા બાદ શિલ્પા દિવાળી વેકેશન માટે હિમાચલ પ્રદેશ ગઈ હતી. અહીંયા શિલ્પાએ પતિ સાથે પહેલાં ચામુંડાદેવી મંદિર તથા જ્વાલામુખી મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ તે બગલામુખી મંદિર ગઈ હતી. શત્રુનાશિની માતા બગલામુખી મંદિર બનખંડીમાં શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રાએ તાંત્રિક અનુષ્ઠાન કરાવ્યું હતું. બંનેએ અહીંયા રાત્રે હોમ-હવન કરાવ્યો હતો. આ દરમિયાન શિલ્પા ભક્તિમાં લીન જોવા મળી હતી. તેણે ભગવાન સામે શિશ ઝૂકાવીને પરિવારની સુખ-શાંતિ માટે દુઆ માગી હતી. રાજની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી અને 20 સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા.

રાજે પોર્ન કંપનીમાં 10 કરોડનું રોકાણ કર્યું હતું
મુંબઈ ક્રાઇમ બ્રાંચના મતે, રાજે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં 8-10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રાજે બ્રિટનમાં રહેતા ભાઈ સાથે મળીને કેનરિન નામની કંપની બનાવી હતી. ભારતમાં પોર્ન વીડિયો શૂટ કરીને વી ટ્રાન્સફર (ફાઇલ ટ્રાન્સફર સર્વિસ)ના માધ્યમથી કેનરિન કંપનીને મોકલવામાં આવતા હતા. આ કંપની રાજે જ બનાવી હતી અને રજિસ્ટ્રેશન વિદેશમાં કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...