બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ ઘરમાં પરિવાર સાથે હોલિકા દહન કર્યું હતું, જેમાં દીકરો વિવાન, દીકરી સમિષા, પતિ રાજ કુંદ્રા તથા પરિવારના અન્ય સભ્યો સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે દેશના કેટલાંક હિસ્સામાં સોમવારે (6 માર્ચ) તો કેટલાંક હિસ્સામાં મંગળવારે (7 માર્ચ) હોળી મનાવવામાં આવશે. શિલ્પાએ શૅર કરેલા વીડિયોમાં કેટલાંક યુઝર્સે તેની ટીકા કરતા કહ્યું હતું કે હિંદુ ધર્મમાં વાંસને ક્યારેય સળગાવવામાં આવતા નથી.
શિલ્પા શેટ્ટીએ વીડિયો શૅર કર્યો
શિલ્પા શેટ્ટીએ હોલિકા દહનનો વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'હોલિકા દહન, અમે નાની-નાની ચિઠ્ઠીઓ બનાવીએ છીએ., તેમાં અમે તમામ નેગેટિવ ફિલિંગ્સ, વિચારો લખીએ છીએ અને તેને લવ તથા લાઇટના રૂપમાં બ્રહ્માંડમાં જવા દઈએ છીએ. આવું અમે દર વર્ષે હોલિકા દહન પર કરીએ છીએ. આ તહેવાર આપણને વિશ્વાસ ને ભક્તિ યાદ અપાવે છે. ભગવાન આપણી સાથે છે અને આપણી રક્ષા કરે છે. તમે હંમેશાં નેગેટિવિટી સળગાવીને તેને રાખ કરી નાખો છે અને જીવનને પોઝિટિવિટી તથા પ્રેમના રંગોથી ભરો છો. આ હોળી તમારા અને તમારા પોતાના માટે ખુશી, સમૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય લાવે. હોળીની શુભેચ્છા.'
ગુલાબી ડ્રેસમાં જોવા મળી
હોલિકા દહનમાં શિલ્પા શેટ્ટી ગુલાબી કુર્તા ને વ્હાઇટ પાયજામામાં જોવા મળી હતી. દીકરો વિવાન વ્હાઇટ કુર્તા પાયજામા, બ્લૂ જેકેટમાં હતો તો સમિષાએ નેવી બ્લૂ કુર્તા તથા વ્હાઇટ પાયજામો પહેર્યો હતો. શિલ્પાએ દીકરીને તેડીને હોળીની પૂજા કરી હતી અને પછી પ્રદક્ષિણા ફરી હતી.
સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કરી
હોલિકા દહનમાં છાણ તથા ઝાડની નાની-મોટી ડાળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, શિલ્પા શેટ્ટીએ પોતાના ઘરે કરેલા હોલિકા દહનમાં વાંસનો ઉપયોગ કર્યો હતો. હોલિકા દહનમાં ક્યારેય વાંસનો ઉપયોગ થતો નથી. આ જ કારણે શિલ્પા શેટ્ટીને ટ્રોલ કરવામાં આવી હતી. કમેન્ટ્સમાં મોટાભાગના યુઝર્સે કહ્યું હતું કે હોલિકા દહનમાં વાંસ સળગાવવામાં આવે નહીં. કેટલાંક યુઝર્સે એ વાતનો પણ વિરોધ કર્યો કે શિલ્પાએ ચંપલ પહેરીને હોળીની પૂજા કરી હતી.
શિલ્પા શેટ્ટીના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ વેબ સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'થી ડિજિટલ ડેબ્યૂ કરવાની છે. આ સિરીઝને રોહિત શેટ્ટી ડિરેક્ટ કરે છે. સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા તથા વિવેક ઓબેરોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.