શેખર સુમનનો આક્રોશ:‘સુશાંત જેવું જ મારા દીકરા સાથે થયું હતું, બોલિવૂડમાં કૌરવ-પાંડવ જેવી લડાઈ, હિંદુ-મુસ્લિમ ભાઈ-ભાઈ હોવાનો માત્ર દેખાડો’

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થોડાં સમય પહેલાં એક્ટર તથા કોમેડિયન શેખર સુમને સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડની CBI તપાસની માગણી કરી હતી. આટલું જ નહીં શેખર સુમને JusticeforsushantForum પણ શરૂ કર્યું છે. હવે, શેખર સુમને ટેલેન્ટેડ એક્ટર્સનો બૉયકોટ કરતાં લોકોને આડેહાથ લીધા છે. શેખરે કહ્યું હતું કે આવા લોકો ટેલેન્ટેડ લોકોને અંદરથી તોડી નાખે છે અને માનસિક રીતે તેઓ ભાંગી પડે છે. 

શેખર દીકરાને કારણે સુશાંતના અવસાનથી કનેક્ટેડ છે
શેખર સુમને હિંદી ન્યૂઝ પેપર નવભારત ટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તે સુશાંતના અવસાન સાથે એટલા માટે કનેક્ટેડ છે, કારણ કે એક સમયે તેમના દીકરા અધ્યયનના જીવનમાં પણ આવો જ સમય આવ્યો હતો. તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. 

શેખરે કહ્યું હતું, ‘સુશાંત સિંહ રાજપૂત આજે આપણી વચ્ચે નથી પરંતુ હું તે વાતોને સમજી શકું છું કે જે તેના મૃત્યુ પછી સામે આવી રહી છે. આ બધું જ મારા દીકરા અધ્યયન સાથે થયું હતું અને આજે પણ થઈ રહ્યું છે. જે રીતે સુશાંત પહેલાં માનસિક રીતે નબળો પડ્યો અને પછી તેણે ફિલ્મ ગુમાવી દીધી હતી. આવું જ અધ્યયન સાથે થયું હતું.’

ઈન્ડસ્ટ્રીના ખાસ ગ્રુપે ટેલેન્ટને અંદરથી તોડી નાખે છે
શેખરે આગળ કહ્યું હતું, ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ગ્રુપ છે. આ ગ્રુપ એક્ટર્સને સોશિયલી તથા પ્રોફેશનલી બૉયકોટ કરે છે. આટલું જ નહીં તેઓ યુવા પ્રતિભાઓને માનસિક રીતે તોડી નાખે છે. આત્મવિશ્વાસથી ભરપૂર એક બાળકમાં એ હદે હીન ભાવના ભરી દેવામાં આવે છે કે તે અંદરથી તૂટી જાય છે અને પોતાને નબળો સમજવા લાગે છે. તે 360 ડિગ્રી તૂટી જાય છે. આ પ્રોસેસ મૃત્યુ કરતાં પણ ખરાબ હોય છે.’

શેખરે કહ્યું, મને પણ બરબાદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
શેખરે આ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મૂવી માફિયાએ તેની પણ કરિયર બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેની ફિલ્મ, સ્ટેજ શો તથા કામ છીનવી લેવાનો પ્રયાસ થયો હતો. આની અસર તેના દીકરા પર પડી હતી.

શેખરે કહ્યું હતું, ‘આપણે આની સામે લડવાનું છે અને માફિયા ગ્રુપને તોડવાનું છે. આ વાત જરૂરી છે. આને સમજવું મહત્ત્વનું છે કે તેમની ગુંડાગર્દી, ભેદભાવ હવે ચાલશે નહીં. હવે જનતા જાગી ચૂકી છે અને તેમણે ખોટા લોકોને ઓળખી લીધા છે. જનતાએ નક્કી કર્યું છે કે હવે તેઓ નાના શહેરમાંથી આવનાર ટેલેન્ટેડ આર્ટિસ્ટ્સને પ્રમોટ કરશે.’

બોલિવૂડમાં હિંદુ-મુસ્લિમ ભેદભાવ પણ
શેખર સુમનના મતે બોલિવૂડમાં પણ હિંદુ તથા મુસ્લિમ વચ્ચેનો ભેદભાવ જોવા મળે છે. તેના મતે, કેટલાંક લોકો ઈન્ડસ્ટ્રીમાં મુખવટો પહેરીને ફરે છે અને એકબીજા સાથે ભાઈ-ભાઈ હોવાનો દેખાડો કરે છે. બોલિવૂડમાં એ વાતનો ઢોંગ કરવામાં આવે છે કે અહીંયા ધર્મ કે પછી હિંદુ-મુસ્લિમને લઈ કોઈ ભેદભાવ નથી.

શેખર સુમને બોલિવૂડની તુલના ‘મહાભારત’ સાથે કરી હતી. તેના મતે, અહીંયા તમામ લોકો પાંડવ તથા કૌરવની જેમ અંદરોઅંદર લડી રહ્યાં છે. અહીંયાના લોકો પૈસા કમાવવા માટે કંઈ પણ કરી શકે છે. 

અન્ય સમાચારો પણ છે...