સો.મીડિયા વૉર:સ્વર્ગીય પત્નીનું નામ વચ્ચે લાવતા શશિ થરુર ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી પર રોષે ભરાયા, કહ્યું- આ ઘૃણાસ્પદ છે

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રી તથા કોંગ્રેસ સાંસદ શશિ થરુર વચ્ચે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' અંગે સો.મીડિયામાં ઉગ્ર દલીલો થઈ હતી. આ શાબ્દિક હુમલામાં વિવેકે શશિ થરુરની સ્વર્ગીય પત્ની સુનંદા પુષ્કરનું નામ લીધું હતું. હવે શશિ થરુરે આ અંગે જવાબ આપ્યો છે અને આ હરકતને ઘૃણાસ્પદ ગણાવી હતી.

સ્વર્ગીય પત્નીનું નામ ઉછાળવું ખોટું છેઃ થરુર
શશિ થરુરે વિવેક અગ્નિહોત્રી પર ગુસ્સે થઈને પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં કહ્યું હતું, 'હું સ્પષ્ટ કરવા માગું છું કે મેં સવારે એક તથ્યસભર સમાચાર શૅર કર્યા હતા. મેં 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર કોઈ કમેન્ટ કરી નહોતી. મેં હજી સુધી આ ફિલ્મ જોઈ નથી. મેં કાશ્મીરી પંડિતોની મજાક પણ ઉડાવી નથી. તેમની દુર્દશા અંગે મને ખ્યાલ છે અને મેં ભૂતકાળમાં અનેકવાર અવાજ ઉઠાવ્યો છે. આ તમામની વચ્ચે મારી સ્વર્ગીય પત્ની સુનંદા પુષ્કરનું નામ લાવવું તે ખોટું અને ઘૃણાસ્પદ છે.'

વધુમાં થરુરે કહ્યું હતું, 'તેમના વિચારો મારા કરતાં વધુ કોઈ જાણતું નથી. હું તેમની સાથે સોપોર નજીક બોમઈ ગામમાં ગયો હતો. અહીંયા તેમનું પૈતૃક ઘર હતું. તેમની સાથે કાશ્મીરી પાડોશીઓ તથા મિત્રો સાથે વાત કરી હતી, જેમાં હિંદુ-મુસ્લિમ સામેલ હતા. મને એક વાતની ખબર છે કે જ્યારે વ્યક્તિ પોતાનો પક્ષ રજૂ કરવા માટે હાજર ના હોય ત્યારે લોકો તેમના નામનો ઉપયોગ કરવા ઈચ્છે છે. તે મળવામાં વિશ્વાસ રાખતી હતી, ઘૃણામાં નહીં.'

શું છે સમગ્ર ઘટના?
કોંગ્રેસના સાંસદ શશિ થરુરે કહ્યું હતું, 'ભારતની સત્તાધારી પાર્ટીએ જે ફિલ્મને પ્રમોટ કરી હતી એના પર સિંગાપોરે બૅન મૂક્યો.'

ફિલ્મમાં કેમ બૅન થઈ?
શશિ થરૂરે સ્ક્રીનશોટ શૅર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું, 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં મુસ્લિમોની ખોટી ઇમેજ તથા કાશ્મીરમાં ચાલતા સંઘર્ષમાં હિંદુઓને હેરાન કરવામાં આવતા હોવાની વાતને એકતરફી બતાવવામાં આવી છે. આ જ કારણે ફિલ્મ અનેક કમ્યુનિટી વચ્ચે દુશ્મની ઊભી કરી શકે છે અને અમારા બહુ ધાર્મિક સમાજમાં સામાજિક ભાઈચારાને નુકસાન પહોંચાડી શકે છે. સિંગાપોરમાં ધાર્મિક સમુદાયને બદનામ કરતી કોઈપણ બાબતને રિલીઝ કરી શકાય નહીં.'

વિવેક અગ્નિહોત્રીએ શું કહ્યું?
વિવેક અગ્નિહોત્રીએ શશિ થરૂરને ફોપડૂડલ (મૂર્ખ) કહીને કહ્યું હતું, 'પ્રિય શશિ થરુર, તમારી જાણકારી માટે કહી દઉં કે સિંગાપોરનું સેન્સર વિશ્વનું સૌથી રિગ્રેસિવ સેન્સર છે. અહીં 'ધ લાસ્ટ ટેમ્પટેશન્સ ઑફ જિસસ ક્રાઇસ્ટ' પર બૅન મૂકવામાં આવ્યો હતો (તમારા મેડમને પૂછો). ત્યાં સુધી કે રોમેન્ટિક ફિલ્મ 'ધ લીલા હોટલ ફાઇલ્સ' પર પણ બૅન મુકાયો હતો. મહેરબાની કરીને કાશ્મીરી હિંદુઓના નરસંહારની મજાક ઉડાવવાની બંધ કરો.' આ પોસ્ટ સાથે જ વિવેક અગ્નિહોત્રીએ સિંગાપોરમાં બૅન થયેલી 48 લોકપ્રિય ફિલ્મનું લિસ્ટ અટેચ કર્યું હતું.

સુનંદા પુષ્કરને યાદ કરી
અન્ય એક પોસ્ટમાં વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું, 'શું આ વાત સાચી છે કે સુનંદા પુષ્કર કાશ્મીરી હિંદુ હતી? શું સ્ક્રીનશોટ સાચો છે? જો હા, તો હિંદુ રીતરિવાજ પ્રમાણે, કોઈપણ મૃતકને સન્માન આપવા માટે તમારે તમારી પોસ્ટ ડિલિટ કરવી જોઈએ અને તેમના આત્માની માફી માગવી જોઈએ. વિવેક અગ્નિહોત્રીએ શૅર કરેલા સ્ક્રીનશોટમાં સુનંદા પુષ્કરે કહ્યું હતું, 'પતિને કારણે હું 1989-91માં કાશ્મીરમાં થયેલી હિંસામાં સ્ટેન્ડ લઈ શકી નહોતી.' ઉલ્લેખનીય છે કે 2014માં 17 જાન્યુઆરીના રોજ સુનંદા પુષ્કર દિલ્હીની હોટલમાં મૃત અવસ્થામાં મળી આવી હતી.

અનુપમ ખેરે પણ જવાબ આપ્યો
અનુપમ ખેરે પણ આ વિવાદમાં ઝંપલાવ્યું હતું. તેમણે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'પ્રિય શશિ થરુર, કાશ્મીરી હિંદુઓના નરસંહાર પર તમારી કઠોરતા દુઃખદ છે. જો કંઈ ના થાય તો સુનંદા પુષ્કરને કારણે કાશ્મીરી પંડિતો પ્રત્યે થોડી સંવેદના બતાવો. તેઓ કાશ્મીરી હતા. કોઈ પણ દેશમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ' બૅન થાય તો તેના પર ખુશ ના થશો.'

અન્ય સમાચારો પણ છે...