તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શમ્મી કપૂરના લગ્ન ચર્ચામાં:34 વર્ષની ઉંમરમાં પહેલી પત્નીનું અવસાન થયું હતું, બે બાળકો માટે નીલા દેવી સાથે આ શરત પર બીજા લગ્ન કર્યા હતા

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનોજ મુંતશિરે કહ્યું હતું, શમ્મી કપૂરે ગીતા બાલીના નિધન બાદ લગ્ન કર્યા નહોતા
  • સાચી વાતની જાણ થતાં મનોજે સો.મીડિયામાં માફી માગી

'ગલિયાં', 'તેરે સંગ યારા', 'કૌન તુઝે યૂં પ્યાર કરેગા', 'મૈં ફિર ભી તુમકો ચાહુંગા' તથા 'તેરી મિટ્ટી' જેવા ગીતના લિરિક્સ લખનાર મનોજ મુંતશિરે હાલમાં જ 'ઈન્ડિયન આઈડલ 12'ના સેટ પર એક ભૂલ કરી હતી. તેમણે શમ્મી કપૂરના જીવન અંગે કેટલીક એવી વાતો કરી હતી, જે તદ્દન ખોટી હતી.

મનોજ મુંતશિરે કહ્યું હતું કે ગીતા બાલીના અવસાન બાદ શમ્મી કપૂરે બીજા લગ્ન કર્યા નહોતા. જોકે, આ વાત ખોટી છે. મનોજે સો.મીડિયામાં પોતાની ભૂલની માફી માગી હતી અને કહ્યું હતું, 'તમારી જેમ જ હું પણ ભારતીય સિનેમાનો ઘણો જ મોટો ચાહક છું. અનેકવાર ચાહકો અજાણતામાં ભૂલ કરી બેસતા હોય છે. મેં આજે 'ઈન્ડિયન આઈડલ'ના એપિસોડમાં ફેક્ચ્યુઅલ ભૂલ કરી હતી અને તે બદલ માફી માગું છું. શમ્મીજીએ ગીતા બાલીજીના નિધન બાદ નીલા દેવી સાથે લગ્ન કર્યા હતા.'

34 વર્ષની ઉંમરમાં ગીતા બાલીનું અવસાન થયું હતું
21 ઓક્ટોબર, 1931માં મુંબઈમાં જન્મેલા શમ્મી પોતાની એક્ટિંગ, સ્ટાઈલની સાથે સાથે અફેરના કિસ્સા ઘણાં જાણીતા છે. તેમણે પહેલાં લગ્ન એક્ટ્રેસ ગીતા બાલી સાથે કર્યાં હતાં. જોકે, 1965માં માત્ર 34 વર્ષની ઉંમરમાં ચિકન પોક્સને કારણે ગીતા બાલીનું અવસાન થયું હતું. પત્નીના અવસાનથી શમ્મી કપૂર ભાંગી પડ્યા હતા. તેમણે પોતાનું ધ્યાન રાખવાનું બંધ કરી દીધું હતું અને તેથી તેમનું વજન ઘણું જ વધી ગયું હતું. વજન વધતા તેમની કરિયરની પડતી શરૂ થઈ હતી.

પરિવારના પ્રેશરને કારણે બીજા લગ્ન માટે તૈયાર થયા હતા
ગીતાના મોત સમયે શમ્મીના સંતાનો આદિત્ય તથા કંચન ઘણાં જ નાના હતા. ત્યારબાદ પરિવારે બીજા લગ્ન માટે દબાણ કર્યું હતું. પરિવારના દબાણમાં આવીને શમ્મી બીજા લગ્ન માટે તૈયાર થયા હતા. ગીતાના મોત બાદ ચાર વર્ષ બાદ 1969માં શમ્મીએ ભાવનગરના રોયલ ફેમિલી નીલા દેવી સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં શમ્મીએ નીલા દેવી સમક્ષ શરત મૂકી હતી. તેમણે કહ્યું હતું કે તે ક્યારેય માતા બનશે નહીં. તેમણે ગીતાના જ સંતાનોનો ઉછેર કરવો પડશે. નીલા દેવીએ આ શરત સ્વીકારી લીધી હતી.

મંદિરમાં પહેલાં લગ્ન કર્યા હતા
ગીતા બાલી તથા શમ્મી કપૂરની લવ સ્ટોરી ફિલ્મ 'રંગીલા રતન'ના મેકિંગ દરમિયાન 1955માં શરૂ થઈ હતી. તે સમયે કપૂર ખાનદાનમાં નિયમ હતો કે કોઈ પણ એક્ટ્રેસ સાથે લગ્ન કરશે નહીં. આ વાતને કારણે શમ્મી તથા ગીતા બંને ઘણાં ડરેલા હતા. આટલું જ નહીં ગીતા ઉંમરમાં શમ્મી કરતાં મોટાં હતાં. બંનએ પહેલી મુલાકાતના ચાર મહિના બદા મુંબઈના મંદિરમાં ગુપચુપ લગ્ન કરી લીધા હતા અને પછી પરિવારને જણાવ્યું હતું.

શમ્મી કપૂરે પોતાના લગ્નની વાત પરિવારને કહી તો તમામ લોકો નારાજ થયા હતા અને વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. જોકે, થોડાં સમય બાદ બધું જ સામાન્ય થઈ ગયું હતુ. લગ્ન બાદ દીકરા આદિત્ય રાજ કપૂર તથા દીકરી કંચનનો જન્મ થયો હતો. આદિત્ય રાજ કપૂરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવ્યું હતું, પરંતુ સફળતા મળી નહીં. દીકરી કંચને ડિરેક્ટર મનમોહન દેસાઈના દીકરી કેતન દેસાઈ સાથે લગ્ન કર્યા છે.

શમ્મી એક્ટ્રેસ મુમતાઝ પર ફિદા હતા
મુમતાઝ જ્યારે 18 વર્ષની હતી, ત્યારે શમ્મી કપૂરે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તે સમયે મુમતાઝ પણ શમ્મીને પ્રેમ કરતી હતી. જોકે, શમ્મી ઈચ્છતા હતા કે તે ફિલ્મી કરિયર છોડીને લગ્ન કરે. જોકે, મુમતાઝ કરિયર છોડવા તૈયાર નહોતી અને તેથી જ તેણે લગ્ન માટે ના પાડી દીધી હતી. બંનેએ 'બ્રહ્મચારી' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.

શમ્મી કપૂરે 22 વર્ષની ઉંમરમાં ફિલ્મ 'જીવન જ્યોતિ'થી એક્ટિંગની શરૂઆત કરી હતી. તેમણે 'નકાબ', 'હમ સબ ચોર હૈ', 'ઉજાલા', 'એન ઈવનિંગ ઈન પેરિસ', 'પ્રિન્સ', 'સચ્ચાઈ', 'અંદાજ', 'પગલા કહી કા' સહિતની ફિલ્મમાં કામ કર્યું હતું. 14 ઓગસ્ટ, 2011ના રોજ શમ્મી કપૂરનું નિધન થયું હતું.