SRK @ 55:શાહરુખના જીવનના ત્રણ ઇમોશનલ કિસ્સા: ICUમાં મોત સામે ઝઝૂમતી માતાને અંતિમ સમયે મળવા માગતો નહોતો, પિતાનો ચહેરો છેલ્લી વાર જોયો નહોતો

મુંબઈએક વર્ષ પહેલા

શાહરુખ ખાન 55 વર્ષનો થઈ ગયો. 2 નવેમ્બર, 1965માં દિલ્હીમાં જન્મેલા શાહરુખે 15 વર્ષની ઉંમરમાં પિતા મીર તાજ મોહમ્મદ ખાનને ગુમાવી દીધા હતા. 10 વર્ષ પછી એટલે કે 25 વર્ષની ઉંમરમાં શાહરુખ ખાનની માતા લતીફ ફાતિમા ખાનનું મોત થયું હતું. શાહરુખ ખાને 'ધ અનુપમ ખેર શોઃ કુછ ભી હો સકતા હૈ'માં કહ્યું હતું કે તેણે માતાને અંતિમ સમયમાં ઘણી જ હેરાન કરી હતી. આ પાછળનું કારણ ઘણું જ ઈમોશનલ છે.

શાહરુખ માતાને મળવા ICUમાં જવા માગતો નહોતો
શાહરુખ ખાનના મતે, જે દિવસે માતાનું મોત થયું એ દિવસે તે દિલ્હીની બત્રા હોસ્પિટલના પાર્કિંગમાં પ્રાર્થના કરતો હતો અને માતા ICUમાં દાખલ હતી. શાહરુખ એ સમયે માતાને મળવા ગયો નહોતો, કારણ કે કોઈએ તેને કહ્યું હતું કે જો તે પ્રાર્થના કરશે તો તેની માતાને કંઈ જ થશે નહીં.

શાહરુખે કહ્યું હતું કે તેને 100 વાર પ્રાર્થના કરવાનું કહ્યું હતું, પરંતુ તેણે 100થી વધુ વાર પ્રાર્થના કરી હતી. ત્યારે જ અચાનક ડૉક્ટર આવ્યા હતા અને ICUમાં જઈને માતાને મળવાનું કહ્યું હતું. આનો અર્થ એવો થતો હતો કે માતાનો અંતિમ સમય આવી ગયો છે.

શાહરુખ ખાનના મતે, 'હું જવા માગતો નહોતો, કારણ કે મને લાગતું હતું કે હું પ્રાર્થના કરીશ તો માતા બચી જશે, પરંતુ પછી બહેન અને અન્ય લોકોએ કહ્યું કે જવું જરૂરી છે અને પછી હું ગયો હતો.'

શાહરુખે કેમ ICUમાં માતાને તકલીફ આપી હતી?
શાહરુખ ખાને આગળ કહ્યું હતું, 'મારો વિશ્વાસ કરો કે વ્યક્તિ જ્યારે દુનિયા છોડે છે ત્યારે તે દરેક બાબતથી સંતુષ્ટ હોય છે. જો આવું ના હોય તો મા-બાપ બાળકોને એકલાં તરછોડીને જતાં નથી. જ્યારે મારી માતા ICUમાં હતી ત્યારે હું તેમની નજીક જઈને બેઠો હતો અને ખોટી-ખોટી વાતો કરીને તેમને દુઃખ આપતો હતો.

મેં વિચાર્યું કે જો હું તેમને સંતુષ્ટ નહીં કરું તો તેઓ જશે નહીં. આથી જ હું તેમની પાસે બેસીને એવી વાતો કરતો કે જો તમે જતા રહેશો તો હું મારી બહેનનું ધ્યાન રાખીશ નહીં. હું ભણીશ નહીં. કામ-ધંધો કરીશ નહીં.

એવી મૂર્ખતાપૂર્ણ વાતો કરતો રહેતો હતો, જેથી તેમને તકલીફ પહોંચી ને એ વિચારે કે હવે હું જઈશ નહીં. જોકે તેમને જવાનું જ હતું. તેમને ખ્યાલ હતો કે હું મારી બહેનનું ધ્યાન રાખીશ અને જીવનમાં કંઈક તો કરી જ લઈશ.'

શાહરુખ ખાનના પેરેન્ટ્સ દીકરી શહનાઝ લાલા રૂખ સાથે.
શાહરુખ ખાનના પેરેન્ટ્સ દીકરી શહનાઝ લાલા રૂખ સાથે.

કિસ્સો નંબર 2: પિતા સાથેની અંતિમ યાદ
શાહરુખે ઈન્ટરવ્યુમાં પિતા મીર તાજ મોહમ્મદ સાથેની અંતિમ યાદ પણ શૅર કરી હતી. શાહરુખ ખાનના મતે તેના પિતાને કેન્સર હતું. તેમની સારવાર ચાલતી હતી અને ઠીક થયા બાદ તેઓ ઘરે આવ્યા હતા. ઘર આવ્યા બાદ પિતાએ વેનીલા આઈસક્રીમ માગ્યો હતો અને તેણે પિતાને આઈસક્રીમ આપ્યો હતો.

શાહરુખે કહ્યું હતું, '18 ઓક્ટોબરની રાત હતી અને હું સૂઈ ગયો હતો. માતાએ આવીને મને જગાડ્યો અને કહ્યું કે પિતા હોસ્પિટલમાં છે. મેં છેલ્લે જોયું હતું કે પિતાના પગ એકદમ ઠંડા હતા. તેમનો ચહેરો નહોતો જોયો, કારણ કે હું બહુ જ દુઃખી હતો. પિતા સાથેની અંતિમ યાદ તેમની સાથેની વેનીલા આઈસક્રીમવાળી ક્ષણ છે.'

પિતાએ શાહરુખ ખાનને આ શિખામણ આપી હતી
શોમાં શાહરુખ ખાનને પૂછવામાં આવ્યું કે તેના વાલિદ તેને શું બનાવવા માગતા હતા? તો તેણે જવાબ આપ્યો હતો, 'હું 15 વર્ષનો હતો અને તેમનું ફૌત (નિધન) થઈ ગયું હતું. આથી ક્યારેય સમય જ નહોતો મળ્યો કે તે કહે કે મારે શું બનવાનું છે. જોકે તેઓ એક-બે વાતો કરતા અને મને તે આજે પણ યાદ છે. તેઓ કહેતા કે જેમાં તને દિલથી ખુશી મળે એ જ બનજે.

હું પિતાની ઘણો જ નિકટ હતો. તેઓ મારા મિત્ર હતા. હંમેશાં કહેતા કે કામ કરો કે ના કરો એ પણ ઠીક છે, કારણ કે જે લોકો કંઈ નથી કરતા તે પણ કમાલ કરતા હોય છે. તે કહેતા કે હૉકી જરૂરથી રમવી, તે આપણી નેશનલ ગેમ છે. તેઓ જાતે પણ હૉકી રમતા હતા.'

કિસ્સો નંબર 3: બહેન ડિપ્રેશનમાં જતી રહી હતી
કહેવાય છે કે પિતાની ડેડ બૉડી જોઈને શાહરુખ ખાનની બહેન શહનાઝ બેભાન ગઈ હતી. તેને એટલો આઘાત લાગ્યો કે તે ડિપ્રેશનમાં જતી રહી હતી અને બીમાર રહેવા લાગી હતી.

શાહરુખ ખાનની બહેન શહનાઝ લાલા રૂખ ખાન.
શાહરુખ ખાનની બહેન શહનાઝ લાલા રૂખ ખાન.

એક ઈન્ટરવ્યુમાં શાહરુખ ખાને કહ્યું હતું, 'પિતાના મોત બાદ શહનાઝ માનસિક સંતુલન ગુમાવી બેઠી હતી અને 2 વર્ષ સુધી આ આઘાતમાંથી બહાર આવી શકી નહોતી. તે રડતી પણ નહોતી અને બૂમ પણ પાડતી નહોતી, પરંતુ તેના ચહેરા પર પિતાને ગુમાવવાનું દુઃખ સ્પષ્ટ જોઈ શકાતું હતું. 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ના શૂટિંગ દરમિયાન તેની તબિયત ખરાબ થઈ તો અમે તેને સારવાર માટે સ્વિટ્ઝર્લેન્ડ લઈ ગયા હતા.

હું જ્યારે ફિલ્મનું ગીત 'તુઝે દેખા તો યે જાના સનમ'નું શૂટિંગ કરતો હતો ત્યારે બીજી બાજુ સ્વિટ્ઝર્લેન્ડમાં મારી બહેનની સારવાર ચાલતી હતી. સારવાર બાદ તેની તબિયત પહેલાં કરતાં સારી થઈ હતી, પરંતુ હજી પણ તે પૂરી રીતે ઠીક થઈ નથી.'

અન્ય સમાચારો પણ છે...