તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટાર્સની એડ ઈકોનૉમી:શાહરુખ-રણવીર જેવા સ્ટાર્સની 2-3 વર્ષથી બિગ સ્ક્રીન પર એક પણ ફિલ્મ ના આવી હોવા છતાં સૌથી વધુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ આ સ્ટાર્સ પાસે જ

મુંબઈ2 મહિનો પહેલાલેખક: મનિષા ભલ્લા
  • છેલ્લે શાહરુખની 2018માં ફિલ્મ આવી હતી અને તે ફ્લોપ હતી, છતાંય કિંગનું સ્ટેટ્સ અકબંધ

કોરોના તથા લૉકડાઉનને કારણે છેલ્લાં એક વર્ષથી પણ વધુ સમયથી મોટાભાગના લોકોએ થિયેટરમાં કોઈ ફિલ્મ જોઈ નથી. આગામી થોડાં મહિના આ જ પરિસ્થિતિ રહેશે. મોટાભાગના બિગ સ્ટાર્સની ફિલ્મ રિલીઝ થઈ શકી નથી. આ ઉપરાંત સલમાન ખાન, શાહરુખ ખાન, રણવીર સિંહ જેવા સ્ટાર્સની તો 2-3 વર્ષથી એક પણ ફિલ્મ બિગ સ્ક્રીન પર આવી નથી. જોકે, બિગ સ્ક્રીન પર વિઝિબિલિટી ઓછી થઈ હોવા છતાંય શાહરુખ-આમિર જેવા સ્ટાર્સની બ્રાન્ડ વેલ્યૂમાં કોઈ ફરક પડ્યો નથી.

સલમાન ખાનની 'રાધે' 13 મેના રોજ રિલીઝ થઈ રહી છે. આ પહેલાં સલમાનની 'દબંગ 3' 2019માં આવી હતી. આમ તો એમ કહેવાય કે સલમાન અંદાજે બે વર્ષ બાદ બિગ સ્ક્રીન પર પરત આવી રહ્યો છે, પરંતુ 'રાધે' ડિજિટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. દેશના મોટાભાગના રાજ્યોમાં લૉકડાઉન છે. સલમાનને તો ચાહકો ડિજિટલ પ્લેટફોર્મ પર ફ્રેશ ફિલ્મમાં જોશે, પરંતુ શાહરુખ ખાન ત્રણ વર્ષથી જોવા મળ્યો નથી. 2018માં એક્ટરની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ 'ઝીરો' હતી. આ સુપરફ્લોપ રહી હતી. શાહરુખની છેલ્લી હિટ ફિલ્મ 'રઈસ' હતી. આ ફિલ્મ 2017માં આવી હતી. આગામી ફિલ્મ 'પઠાન' 2022માં આવી શકે છે. બીજા સ્ટાર્સ ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળ્યા છે, પરંતુ શાહરુખ ખાનનો હજી સુધી ત્યાં કામ કરવાનો મૂડ હોય તેમ લાગતું નથી. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની બાબતમાં શાહરુખ ખાન ટોચ પર છે.

ડિજિટલ પ્લેટફોર્મ પર કોણ કોણ આવ્યું?
અક્ષય કુમારની 'લક્ષ્મી'ની સાથે અને હવે સલમાન ખાન 'રાધે'ની સાથે આવ્યો છે, પરંતુ બંને ફિલ્મ મેકર્સની પસંદને આધારે નહીં, પરંતુ લૉકડાઉનને કારણે ડિજિટલ પ્લેટફોર્મ પર આવી છે. શાહરુખ તથા આમિર હજી સુધી આ પ્લેટફોર્મ પર આવ્યા નથી. જોકે, ચર્ચા છે કે રીતિક રોશન વેબ સિરીઝમાં કામ કરવાનું વિચારી રહ્યો છે.

સો.મીડિયાથી દૂર રહ્યા
શાહરુખ ખાને ઈન્સ્ટાગ્રામમાં છેલ્લાં પાંચ મહિનામાં પાંચેક પોસ્ટ શૅર કરી છે. આમિરે સો.મીડિયા છોડી દીધું છે. સલમાન આ બંનેની તુલનાએ સો.મીડિયામાં વધુ એક્ટિવ હોય છે. 'રાધે' રિલીઝ થવાની હોવાથી સલમાન અત્યારે વધારે એક્ટિવ હોય તે સમજી શકાય તેવી વાત છે. અક્ષય કુમાર 'લક્ષ્મી'ની રિલીઝ તથા 'રામસેતુ' તથા 'બેલબોટમ'ના શૂટિંગને કારણે સો.મીડિયામાં જોવા મળ્યો હતો.

કેટરીના-દિશાને દમદાર રોલ નથી મળતા, પણ એડ જરૂર મળે છે
ભારતીય સિનેમાના ઈતિહાસમાં કેટરીના કૈફનું યાદગાર પાત્ર કયું છે? આ સવાલનો જવાબ તરત યાદ આવશે નહીં, પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં કેટરીનાની ધૂમ છે. શૂઝ, મોબાઈલ, હેર ઓઈલથી લઈને જ્યૂસ સુધીની બ્રાન્ડમાં કેટરીના છવાયેલી છે. દિશા પટની પણ આ જ માર્ગે આગળ વધી રહી છે. દિશાની પાંચ વર્ષમાં આઠ ફિલ્મ રિલીઝ થઈ છે અને હવે 'રાધે' રિલીઝ થશે. જોકે, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં દિશા ઘણી જ આગળ છે.

10 વર્ષ સુધી મોમેન્ટમ રહે છે
સ્ટાર્સની બ્રાન્ડ વેલ્યૂ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં એડ ગુરુ પ્રહલાદ કક્કડે કહ્યું હતું, 'એ લિસ્ટર્સનો જાદુ 2-4 વર્ષમાં ગાયબ થતો નથી. તે કંઈ કરે કે ના કરે તો પણ દસ વર્ષ અથવા તો તેનાથી પણ વધારે વર્ષો સુધી કંઈ પણ કર્યા વગર ઈન્ડસ્ટ્રી પર રાજ કરે છે, કારણ કે સુપરસ્ટારનું મોમેન્ટમ પહેલેથી બનેલું હોય છે અને તે સરળતાથી પડી જતું નથી. ટીવી પર તો આજે પણ તેમની ફિલ્મ જોવામાં આવે છે, પછી તે જૂની હોય કે નવી. ટીવી પર આવતી ફિલ્મમાં પણ તેમની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી.'

એન્ડોર્સમેન્ટ બોક્સ ઓફિસ નહીં, પરંતુ ચહેરાને કારણે ચાલે છે
સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપની બોલિવૂડ આર્ટિસ્ટ બેંકના ડિરેક્ટર જાવેદ અલીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દીપિકાની 'છપાક' ભલે ના ચાલી પરંતુ લગ્ન બાદ પણ તેણે ફિલ્મી કરિયર તથા પ્રોફેશનલ લાઈફને મેઈનટેઈન કરી છે. કરીના તથા અનુષ્કા શર્મા બેકફુટ પર જતા રહ્યાં છે. આથી જ માર્કેટમાં દીપિકા સિવાય અન્ય કોઈ ચહેરો જ નથી. આ સમયે જાહેરાતમાં દીપિકા કે આલિયાનુ જ નામ છે. સારા અલી ખાન આગામી સમયમાં તેમને રિપ્લેસ કરી શકે છે. બીજી વાત જાહેરાતમાં ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન જોવામાં આવતું નથી, ચહેરો ચાલે છે. આ જ કારણ છે કે અમિતાભ બચ્ચન અનેક જાહેરાતમાં જોવા મળે છે.