'કબીર સિંહ' પછી શાહિદની પરિસ્થિતિ:એક્ટરે કહ્યું, 'ફિલ્મ રિલીઝ થયા બાદ હું ભિખારીની જેમ લોકોની પાસે જતો હતો'

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 'કબીર સિંહ' 2019માં રિલીઝ થઈ હતી અને ફિલ્મે ભારતમાં અંદાજે 278 કરોડની કમાણી કરી હતી

શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ 'જર્સી'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર રિલીઝ બાદ શાહિદે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'કબીર સિંહ'ની શાનદાર સફળતા બાદ તે આ ફિલ્મ માટે અનેક લોકો પાસે ગયો હતો અને તેમને 'જર્સી' બનાવવાનો આગ્રહ કર્યો હતો. જોકે, કોઈએ તેની વાત ગંભીરતાથી લીધી નહીં.

'કબીર સિંહ'ને કારણે શાહિદ પહેલી જ વાર 200 કરોડ ક્લબનો હિસ્સો બન્યો
શાહિદે કહ્યું હતું, 'કબીર સિંહ' રિલીઝ થઈ પછી હું એક ભિખારીની જેમ બધાની પાસે ગયો હતો. જે મેકર્સે 200-250 કરોડની ફિલ્મ બનાવી, તે તમામ પાસે હું ગયો હતો. હું ક્યારેય આ ક્લબનો હિસ્સો રહ્યો નથી, આથી આ મારા માટે તદ્દન નવું હતું. ઇન્ડસ્ટ્રીમાં 15-16 વર્ષ પસાર કર્યા બાદ પણ મારી પાસે આટલું મોટું ગ્રોસર નહોતું. આથી જ જ્યારે આમ થયું ત્યારે મને ખ્યાલ જ નહોતો કે મારે ક્યાં જવું જોઈએ. આ મારે નવું હતું.'

'જર્સી' અત્યાર સુધીની સારી ફિલ્મ
શાહિદે આગળ કહ્યું હતું, 'જર્સી' મને 'કબીર સિંહ' પહેલાં ઑફર થઈ હતી અને તેને ના કહેવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. આથી જ મારી સાથે કામ કરવા માટે અને મારી રાહ ડોવા માટે હું ફિલ્મના ડિરેક્ટર ગૌતમનો આભારી છું. હું કહી શકું છું કે આ ફિલ્મ મારી અત્યાર સુધીની સૌથી સારી ફિલ્મ છે.'

ફિલ્મ જોયા બાદ રડી પડ્યો હતો
વધુમાં એક્ટરે જણાવ્યું હતું, 'મેં ફિલ્મની વાર્તા સાંભળી અને ઘણો જ ખુશ થઈ ગયો હતો. 'કબીર સિંહ' રિલીઝ થયાના બે અઠવાડિયા પહેલાં આ ફિલ્મ જોઈ હતી અને જોઈને રડી પડ્યો હતો. મારી સાથે મીરા તથા મારો મેનેજર હતો. મને રડતો જોઈને તેમને પણ નવાઈ લાગી હતી.'

તેલુગુની હિંદી રીમેક
ગૌતમ તિન્નનુરીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં શાહિદની સાથે મૃણાલ ઠાકુર તથા પંકજ કપૂર છે. ફિલ્મમાં મૃણાલ, શાહિદની પત્નીના રોલમાં છે, જ્યારે પંકજ કપૂર ક્રિકેટ કોચના રોલમાં છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે એક ખેલાડી ક્રિકેટ છોડી દે છે અને દીકરાની જર્સી ખરીદવા માટે બીજીવાર મેદાનમાં આવે છે. શાહિદની આ ફિલ્મ 31 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. 'જર્સી' તેલુગુ ફિલ્મની હિંદી રીમેક છે. તેલુગુ ફિલ્મને ગૌતમ તિન્નનુરીએ ડિરેક્ટ કરી હતી અને ફિલ્મમાં સાઉથસુપરસ્ટાર નવીન બાબુ (નાની)એ લીડ રોલ પ્લે કર્યો હતો.