મન્નતમાં NCBની ટીમ:પત્ની ગૌરી માટે શાહરુખે 'વિલા વિયેના'નું નામ બદલી 'મન્નત' રાખ્યું, ગુજરાતી પારસી પરિવારે વર્ષો પહેલાં આ બંગલો બનાવ્યો હતો

મુંબઈ2 મહિનો પહેલા
  • શાહરુખ ખાને કિકુ ગાંધી પાસેથી આ બંગલો ખરીદ્યો હતો

બોલિવૂડનો બાદશાહ શાહરુખ ખાન પરિવાર સાથે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બેન્ડસ્ટેન્ડમાં રહે છે. દરિયાકિનારે આવેલા મન્નતની બહાર હજારો લોકો એ આશાએ આવે છે કે કદાચ ઘરની બહાર શાહરુખની એક ઝલક જોવા મળી જાય. છેલ્લાં કેટલાંય વર્ષોથી ભાગ્યે જ કોઈ એક દિવસ હશે, જ્યાં મન્નતની બહાર ચાહકોની ભીડ જોવા ના મળે. જોકે આજે આ બંગલો NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ને કારણે ચર્ચામાં છે. NCBની ટીમ બંગલે આવી હતી. આજે જાણીએ કે શાહરુખનો મન્નત બંગલો એક સમયે વિલા વિયેના તરીકે જાણીતો હતો. આ બંગલામાં પારસી પરિવાર રહેતો હતો.

કેવી રીતે શાહરુખને સપનાનું ઘર મળ્યું?
શાહરુખનો બંગલો વર્ષો પહેલાં ગુજરાતી મૂળના પારસી પરિવાર પાસે હતો. કિકુ ગાંધી આ બંગલાના માલિક હતા. કિકુ ગાંધી મુંબઈની જાણીતી શિમૉલ્ડ આર્ટ ગેલરીના સ્થાપક હતા. તેમના નાના મન્નતના મૂળ માલિક હતા. ત્યાં સુધી કહેવાય છે કે કિકુ ગાંધી, જેમનાં માતા મન્નતને અડીને આવેલા કિકિ મંઝિલમાં રહેતાં હતાં, આ મન્નત બંગલામાં જ જન્મ્યાં હતાં. ખુદ કિકુ ગાંધી આવું માનતા હતા.

મન્નતનું મૂળ નામ વિલા વિયેના હતું અને એની બાજુમાં જ કિકિ મંઝિલ બંગલો આવેલો છે. આ બંને કિકુ ગાંધીના પરિવારની માલિકીના હતા. આ બંને એકબીજાને અડીને આવેલા છે અને વચ્ચે ખાલી એક દીવાલ જ છે. કિકુ ગાંધીનો પરિવાર મૂળ દક્ષિણ ગુજરાતના પારસી લોકો છે. ધંધાર્થે એ લોકો મુંબઈમાં સ્થાયી થયા હતા, જ્યાં કિકુ ગાંધીનો જન્મ થયો હતો. તેમના નાનાનું નામ માણેકશા બાટલીવાલા હતું. મૂળ તે ઓદક્ષિણ ગુજરાતમાં આવીને વસ્યા હતા. ત્યાંથી ઘણા બધા પારસીઓ બિઝનેસ અર્થે મુંબઈમાં આવી ગયા હતાં. ટાટા પરિવાર પણ એમાંથી એક છે. આવી જ રીતે માણેકશા બાટલીવાલા પરિવાર પણ દક્ષિણ ગુજરાતથી મુંબઈ બિઝનેસ અર્થે આવ્યો હતો.

પરિવારે એક બંગલો લીઝ પર આપવાનું વિચાર્યું
જ્યારે કિકુ ગાંધીએ વિલા વિયેનાને લીઝ પર આપવાનું વિચાર્યું ત્યારે શાહરુખ ખાને આ ઘર ખરીદવાની ઑફર કરી હતી. જ્યારે શાહરુખે આ બંગલો ખરીદવાનું વિચાર્યું ત્યારે તે ફિલ્મ 'યસ બોસ'નું શૂટિંગ કરતો હતો. 2001માં શાહરુખ ખાને 13.32 કરોડમાં વિલા વિયેના ખરીદ્યો હતો. આજે આ ઘરની માર્કેટ વેલ્યુ 350 કરોડ રૂપિયાથી પણ વધુ છે.

શાહરુખે ગૌરી માટે આ બંગલો ખરીદ્યો હતો
શાહરુખ ખાને પત્ની ગૌરી માટે આ સપનાનું ઘર ખરીદ્યું હતું. મુંબઈના આર્કિટેક્ટ કૈફ વકીહે 6000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આ બંગલાને રિનોવેટ કર્યો હતો. શાહરુખની પત્ની ઇન્ટીરિયર ડિઝાઇનર છે. તેણે 1920ની રોયલ થીમ પ્રમાણે બંગલો ડેકોરેટ કર્યો છે.

વિલા વિયેના ખરીદ્યા બાદ શાહરુખે આ બંગલાનું નામ બદલીને મન્નત કર્યું હતું. પહેલાં શાહરુખ આ બંગલાનું નામ જન્નત રાખવા માગતો હતો.

છ માળના મન્નતમાં શાહરુખનો પરિવાર બે જ માળમાં રહે છે. બાકીના માળમાં ઓફિસ, પ્રાઇવેટ બાર, પ્રાઇવેટ થિયેટર, સ્વિમિંગ પૂલ, ગેસ્ટ રૂમ, જિમ, લાઇબ્રેરી, પ્લે એરિયા તથા પાર્કિંગ સહિતની સુવિધા છે.

મન્નતમાં પાંચ લક્ઝૂરિયસ બેડરૂમ, મલ્ટીપલ લિવિંગ એરિયા તથા ડાઇનિંગ એરિયા છે.

શાહરુખના ઘરમાં એક ખાસ જગ્યા રિઝર્વ રાખવામાં આવી છે. અહીં શાહરુખે પોતાના કરિયરમાં જેટલા પણ અવોર્ડ મળ્યા એ સાચવીને રાખે છે.

આ બંગલો 20મી સદીના ગ્રેડ 3 હેરિટેજમાં આવે છે. મન્નતના દરેક ફ્લોર પરથી દરિયો દેખાય છે.