નવેમ્બરથી શૂટિંગ શરૂ કરશે:'ઝીરો'ના બે વર્ષ બાદ શાહરુખ ખાન નવી ફિલ્મની જાહેરાત કરશે, જ્હોન અબ્રાહમ-દીપિકા પાદુકોણ પણ હશે

મુંબઈ2 વર્ષ પહેલા

બે વર્ષના બ્રેક બાદ શાહરુખ ખાન નવેમ્બરમાં યશરાજ બેનરની અપકમિંગ ફિલ્મ 'પઠાન'નું શૂટિંગ શરૂ કરશે. માનવામાં આવે છે કે શાહરુખ ખાન બીજી નવેમ્બર, પોતાના જન્મદિવસ પર ફિલ્મની જાહેરાત કરશે.

870 દિવસ બાદ ફિલ્મનું શૂટિંગ કરશે
વેબ પોર્ટલ બોલિવૂડ હંગામાના રિપોર્ટ પ્રમાણે, શાહરુખ ખાને 'ઝીરો'નું શૂટિંગ જૂન 2018માં પૂરું કર્યું હતું. આ હિસાબે શાહરુખ 870 દિવસ બાદ નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

ફિલ્મમાં જ્હોન અબ્રાહમ-દીપિકા પાદુકોણ પણ હશે
રિપોર્ટ પ્રમાણે, આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ તથા દીપિકા પાદુકોણ પણ મહત્ત્વના રોલમાં હશે. આ બંને આવતા વર્ષે જાન્યુઆરીથી શૂટિંગ શરૂ કરશે. જ્હોન તથા શાહરુખ ખાન પહેલી જ વાર સાથે કામ કરશે. તેમની વચ્ચેની એક્શન સીક્વન્સ માટે એક્શન ડિરેક્ટર પરવેઝ શેખને હાયર કર્યો છે. પરવેઝે આ પહેલા 'વૉર', 'બ્રહ્માસ્ત્ર' તથા 'બેલબોટમ' જેવી ફિલ્મના એક્શન સીન કોરિયોગ્રાફ કર્યા છે.

બે મહિનાનું પહેલું શિડ્યૂઅલ
કહેવાય છે કે સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મનું શૂટિંગ યશરાજ ફિલ્મ સ્ટૂડિયોમાં શરૂ થશે. મીડિયામાં થતી ચર્ચા પ્રમાણે, ફિલ્મનું પહેલું શિડ્યૂઅલ બે મહિનાનું હશે. આ શિડ્યૂઅલમાં માત્ર શાહરુખ ખાન જ શૂટિંગ કરશે. 'વૉર'ની જેમ જ આ ફિલ્મ પણ એક રિવેન્જ ડ્રામા હશે. ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થશે.

અન્ય સમાચારો પણ છે...