ભાસ્કર ઈન્ટરવ્યૂ:'સ્કેમ 1992'માં હર્ષદ મહેતાને જીવંત કરનારા પ્રતીક ગાંધી કહે છે, 'સ્ટૉક માર્કેટ અલગ જ દુનિયા છે, એમાં રોકાણ કરવું આપણું કામ નહીં'

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: ઉર્વી બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક
  • સીરિઝ માટે પ્રતીક ગાંધીએ 18 કિલો જેટલું વજન વધાર્યું હતું
  • પ્રતીક ગાંધીના મતે હર્ષદ મહેતા સપનાંના વેપારી હતા, તેમણે આખા હિંદુસ્તાનને સપનાંઓ વેચ્યા હતા
  • 'હર્ષદ મહેતાના રોલ માટે સાત-આઠ લુક ટેસ્ટ કર્યા, બૉડી લેંગ્વેજ પર ખાસ ધ્યાન આપ્યું'

લગભગ ત્રણ દાયકા પછી 'બિગ બુલ' હર્ષદ મહેતા ફરી એકવાર ચર્ચામાં છે. હર્ષદ મહેતાનાં પરાક્રમો પર આધારિત વેબ સીરિઝ 'સ્કેમ 1992' તાજેતરમાં જ રિલીઝ થઈ છે અને ચોમેરથી પ્રશંસા મેળવી રહી છે. આ પ્રશંસાઓના વરસાદના કેન્દ્રમાં છે વધુ એક ગુજરાતી, યાને કે પ્રતીક ગાંધી, જેમણે પડદા પર હર્ષદ મહેતાને આબેહૂબ સજીવન કર્યો છે. યસ્સ, એ જ પ્રતીક ગાંધી જેમને આપણે 'બે યાર', 'રોંગ સાઇડ રાજુ' અને 'ધૂનકી' જેવી ફિલ્મો તથા 'હું ચંદ્રકાંત બક્ષી', 'મોહનનો મસાલો', 'મારો પિયુ ગયો રંગૂન' જેવાં નાટકોમાં જોયા છે. 'સ્કેમ 1992'ની ઑવરનાઇટ સફળતાથી આખો દેશ અચાનક પૂછવા માંડ્યો છે કે કોણ છે આ પ્રતીક ગાંધી? 'સ્કેમ 1992'ની સફળતામાં મહાલી રહેલા પ્રતીક ગાંધીએ 'દિવ્ય ભાસ્કર' સાથે દિલ ખોલીને વાત માંડી. પેશ છે તેના ચૂંટેલા અંશો...

આ સીરિઝ કેવી રીતે મળી?
મેં આ સીરિઝ માટે ઓડિશન આપ્યું હતું. હંસલસરે (ડિરેક્ટર હંસલ મહેતાએ) મારી ગુજરાતી ફિલ્મો 'બે યાર' અને 'રોંગ સાઈડ રાજુ' જોઈ હતી. તેમણે મારું થિયેટરનું કામ પણ જોયું હતું. આ બધી વાતો મારી ફેવરમાં રહી હતી. જ્યારે હંસલસરને ખબર પડી કે મેં પણ આ સીરિઝ માટે ઓડિશન આપ્યું છે તો તેમણે નક્કી જ કરી નાખ્યું હતું કે હું જ આ સીરિઝમાં કામ કરીશ. તેમણે મારું ઓડિશન પણ જોયું નહોતું. તેમણે માત્ર એટલું જ જોયું હતું કે હું આ રોલ માટે કેટલો તૈયાર છું. ઓડિશનમાં મેં જે સીન કર્યો હતો, તે સીરિઝમાં છે જ નહીં. સ્ક્રિપ્ટ પર કામ કરતાં કરતાં આ સીન જ કપાઈ ગયો હતો. મેં સાત-આઠ લુક ટેસ્ટ કર્યા હતા.સીરિઝ ફાઈનલ થયા પછી મને ખ્યાલ આવ્યો કે મારે વજન વધારવાનું છે. પછી દર દોઢ મહિને મારો લુક ટેસ્ટ કરવામાં આવતો હતો. પહેલી મિટિંગ પછીના એક વર્ષ બાદ અમે શૂટિંગ કર્યું હતું.

સીરિઝની તૈયારી કેવી રીતે કરી?
આ સાતેક લુક ટેસ્ટ દરમિયાન મેં એ બધું જ ખાધું છે, જે હું ક્યારેય ખાતો નહોતો. આ સીરિઝ દરમિયાન મેં મારું 18 કિલો વજન વધાર્યું હતું. પેટ વધાર્યું હતું. ડબલ ચીન લાવવા માટે વધુ જમતો હતો. સીરિઝ પહેલાં મારું વજન 71 કિલો હતું અને સીરિઝ દરમિયાન મારું વજન 89 કિલો સુધી પહોંચી ગયું હતું. જોકે, લૉકડાઉન દરમિયાન મેં 12-15 કિલો જેટલું વજન ઉતારી નાખ્યું છે અને હું પાછો પર્ફેક્ટ શૅઈપમાં આવી ગયો છું.

મારા માટે હર્ષદ મહેતાને સ્ક્રીન પર લાવવા એ મુશ્કેલ કરતાં બહુ જ રસપ્રદ ચેલેન્જ હતી. આ એવું કેરેક્ટર છે, જેને આખી દુનિયા નેગેટિવ તરીકે ઓળખે છે. વિલન તરીકે ઓળખે છે અને લોકોના મનમાં આ વ્યક્તિ અંગે વિવિધ થિયરીઓ છે. ઘણું બધું આ વ્યક્તિ વિશે બોલાયું છે અને લખાયું છે. મેં આ કેરેક્ટરને કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર પ્રામાણિક રીતે સ્ક્રીન પર ભજવ્યું છે. મેં હર્ષદ મહેતાની બૉડી લેંગ્વેજ પર ખાસ ધ્યાન આપ્યું હતું. મેં એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું કે સ્ક્રીન પર ક્યાંય એવું ના લાગે કે પ્રતીક ગાંધી હર્ષદ મહેતા બનવા માટેનો પ્રયાસ કરી રહ્યો છે. મારે નેચરલ ફ્લોમાં હર્ષદ મહેતાનું પાત્ર ભજવવું હતું. મેં એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે ક્યાંય પણ પ્રતીક ગાંધીનો અંશ જોવા ના મળે.

હર્ષદ મહેતા કેવી રીતે રિએક્ટ કરશે, એ શું વિચારે છે, એ કઈ રીતે હસે છે? હર્ષદ મહેતાના ઓનલાઈન એક-બે ઈન્ટરવ્યૂ છે, જેમાં પ્રીતિશ નંદી સાથેનો ઈન્ટરવ્યૂ ઘણો જ સારો છે અને મેં આ જ બેથી ચાર વાર ઈન્ટરવ્યૂ જોયો હતો. આ ઈન્ટરવ્યૂ પરથી મેં જોયું કે એ કેવી રીતે જવાબ આપે છે, કેવી રીતે હસે છે, આ બધી વાતો મેં ઓબ્ઝર્વેશન કરી હતી. બાકી તો અમે ચર્ચા કરતા અને એ રીતે હર્ષદ મહેતાના પાત્રને ભજવ્યું હતું. આમાં મને થિયેટરનો અનુભવ પણ સારો એવો કામ આવ્યો છે. મેં ગણતરીપૂર્વક એક્ટિંગ કરવાનો એકવાર પણ પ્રયત્ન કર્યો નથી. બસ મને ફિઝિકલ ટ્રાન્સફોર્મેશનમાં સમય લાગ્યો હતો. બાકી તો જે અંદરથી આવતું હતું, તે જ સ્ક્રીન પર આવ્યું છે અને હું એ જ રીતે હર્ષદ મહેતા બન્યો છું.

હર્ષદ મહેતાના પરિવાર કે મિત્રો કે પછી તેમની સાથે કામ કરનાર લોકોને મળ્યા હતા?
હર્ષદ મહેતાના પરિવારને મળ્યો નથી, પરંતુ તેમની આસપાસના લોકો અને તેમની સાથે જેમણે કામ કર્યું હતું અથવા તો એ લોકો જે કોઈ ને કોઈ રીતે હર્ષદ મહેતા સાથે જોડાયેલા હતા, તેમને હું મળ્યો હતો અને તેમની પાસેથી હર્ષદ મહેતા કેવા હતા, કેવું વ્યક્તિત્વ હતું, કઈ રીતે વિચારતા હતા, તે જાણવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. હર્ષદ મહેતાની સીરિઝ પહેલાં 'સ્કેમ 1992' બુક એક વાર પણ નહોતી વાંચી. અમારી સીરિઝ આ જ બુક પર છે, એટલે શૂટિંગ દરમિયાન આખી બુક વાંચી હતી. પહેલાં અમારી સ્ક્રિપ્ટ 650 પાનાંની હતી અને પછી તે 550 પાનાંની બની હતી. સ્ક્રિપ્ટ તમે એક કે બેવાર વાંચો એટલે લગભગ આખી બુક વંચાઈ જ ગઈ હતી.

સૌથી પહેલાં ક્યારે હર્ષદ મહેતા અંગે સાંભળ્યું હતું?
જ્યારે હર્ષદ મહેતા સ્કેમ થયો ત્યારે હું સ્કૂલમાં હતો. મારા પરિવારમાંથી મારા કઝિન્સને શેરમાર્કેટમાં ખાસ્સું એવું નુકસાન થયું હતું. એ રીતે હર્ષદ મહેતાને હું ઓળખતો હતો. મારા માટે આ જ એક નાનકડો રેફરન્સ પોઈન્ટ હતો.

હર્ષદ મહેતા અંગે તમે શું માનો છો?
હર્ષદ મહેતા સપનાના વેપારી હતા. એમણે આખા હિન્દુસ્તાનને સપનાં વેચ્યા છે. હર્ષદ મહેતાને કોઈ જાતની ખરાબ આદતો નહોતી. તેમને દારૂ, તમાકુ, સિગારેટ કે અન્ય કોઈ બીજી કુટેવો નહોતી. તેમને માત્ર એક જ નશો હતો અને તે કમાવાનો હતો. આ પાત્ર ભજવતાં મને ખ્યાલ આવ્યો કે તે કમ્પ્લિટ ફેમિલી મેન હતા.

સીરિઝના સેટ પર ડિરેક્ટર હંસલ મહેતા સાથે પ્રતીક ગાંધી
સીરિઝના સેટ પર ડિરેક્ટર હંસલ મહેતા સાથે પ્રતીક ગાંધી

ઘણીવાર એવું થાય કે દર્શકો અવઢવમાં મુકાતા હોય છે કે તે પાત્ર પર ગુસ્સો કરે કે પછી એમ થાય કે તેણે ભૂલ કરી છે કે નથી કરી? આપણાં જીવનમાં પણ આવું બનતું હોય છે. હર્ષદ મહેતા અંગે મેં જે પણ વાંચ્યું હતું તે નહીં પરંતુ મારે હર્ષદ મહેતાની હ્યુમન સાઈડ સ્ક્રીન પર લાવવી હતી અને તેથી જ મેં મનમાં કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર આ પાત્ર આત્મસાત કર્યું હતું. હર્ષદ મહેતા એક કોમ્પ્લેક્સ વ્યક્તિ છે અને તેની આસપાસ ઘણી વાતો કહેવાઈ છે. મારે હર્ષદ મહેતાની હ્યુમન સાઈડ રજૂ કરવાની હતી અને મને આ વાત સૌથી વધારે ગમી હતી. મારી પાસે તો 9-10 કલાકનો પૂરતો સમય હતો અને મને ખ્યાલ હતો કે હું હર્ષદ મહેતાને સારી રીતે રજૂ કરીશ.

ગુજરાતી તરીકે તમને હર્ષદ મહેતાનો રોલ ભજવવો સરળ લાગ્યો?
ગુજરાતી તરીકે આ રોલ ભજવવો મારે માટે થોડું સહેલું હતું. પહેલેથી જ નક્કી હતું કે ગુજરાતી લોકોને, તેમની ભાષાને યોગ્ય રીતે બતાવવામાં આવે. જે રીતે ફિલ્મો કે સિરિયલોમાં ગુજરાતીઓને ખોટું ગુજરાતી બોલતા બતાવવામાં આવે છે, તે જોઈને ઘણું જ દુઃખ થતું હતું. આ રીતે ક્યારેય ગુજરાતી બોલવામાં આવતું નથી. મારે બહુ જ સિમ્પલ તથા સાહજિક રીતે ગુજરાતી શબ્દો સ્ક્રીન પર લાવવા હતા.

સીરિઝ આ રીતે સફળ થશે તેવો અંદાજ હતો?
મેં જ્યારે આ સીરિઝમાં કામ કર્યું ત્યારે ખ્યાલ નહોતો કે આટલી સફળ થશે. અલબત્ત, એ ખ્યાલ હતો કે હંસલ સર અને તેમની ટીમ જોડાઈ છે, તો ચોક્કસપણે એક સારી પ્રોડક્ટ જ બનશે. મને વિશ્વાસ હતો કે હું ગર્વથી કહીશ કે હું આ સીરિઝનો હિસ્સો છું. જોકે, એ સપનેય ખબર નહોતી કે લોકો આ રીતે માથે બેસાડશે અને આટલો બધો પ્રેમ આપશે અને સીરિઝ આટલી સફળ જશે.

સીરિઝનો તમારો ફેવરિટ ડાયલોગ કયો છે અને હવે આગળ શેમાં વધુ ધ્યાન આપશો?
'સક્સેસ ક્યા હૈ? ફેલ્યોર કે બાદ કા નયા ચેપ્ટર' આ મારી ફેવરિટ લાઈન છે. હું જ્યાંથી આવ્યો છું અને જે કરતો હતો તે તો કરતો જ રહીશ પરંતુ મારું જે સપનું હતું કે હિંદીમાં હું કામ કરું તો તેના પર થોડું વધુ ધ્યાન આપવું પડશે.

અત્યાર સુધીના બેસ્ટ કૉમ્પ્લિમેન્ટ કયા મળ્યા?
મને મેસેજ આવ્યો હતો કે હવે હર્ષદ મહેતા પણ અમારી સામે આવે તો પણ અમે એને સ્વીકારીએ નહીં. હંસલ સરે મને કહ્યું હતું કે તું વિચારી પણ ના શકે એવું કામ તેં કર્યું છે.

અભિષેક બચ્ચન પણ 'બિગ બુલ' નામની ફિલ્મમાં છે, તો તેની સાથેની તુલના પર શું કહેશો?
આ બધો દર્શકોનો પ્રેમ છે. જ્યાં સુધી ફિલ્મની વાત કરીએ તો અભિષેક બચ્ચન એક મોટા કલાકાર છે અને તેઓ પોતાની ફિલ્મમાં એક અલગ ફ્લેવર સાથે આવશે. એ ફિલ્મ ના આવે ત્યાં સુધી કંઈ પણ બોલવું એ યોગ્ય નહીં કહેવાય.

કોરોનાની મુશ્કેલ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવ્યા?
મારા આખા પરિવારને કોરોના થયો હતો, મને, મારા ભાઈને, મારી પત્નીને, મારી દીકરીને, મારી મમ્મીને. મારો ભાઈ દસેક દિવસ હોસ્પિટલમાં એડમિટ રહ્યો હતો. બાકી અમે બધા ઘરે જ આઇસોલેશનમાં હતા. અમે લોકો ઘરની બહાર ગયા નહોતા, બહારથી કોઈ ઘરમાં આવ્યું નહોતું અને અમને કેવી રીતે કોરોના થયો એ જ સમજાતું નહોતું. અમે આ પહેલાં પણ મેડિકલની દૃષ્ટિએ ખરાબ સમય જોયો છે, જેમાં મારી પત્નીને ટ્યૂમર થયું હતું અને મારા પપ્પાની કેન્સરની સારવાર. જોકે, આ વખતે હું કંઈ જ કરી શકું એમ નહોતો. હું ઘરમાં ક્વૉરન્ટીન હતો અને મારો ભાઈ હોસ્પિટલમાં હતો. હું ભાઈ કે ડૉક્ટરને મળી શકું તેમ નહોતો. મને બે-ત્રણ દિવસ માથું દુખતું હતું અને એક-બે દિવસ તાવ આવ્યો હતો અને પછી ડાયેરિયા થયા હતા. પછી ટેસ્ટ કરાવ્યો ને બધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમે 21 દિવસ સુધી ઘરમાં ક્વૉરન્ટીન રહ્યા હતા. આ દિવસોમાં આમ તો ભરપૂર આરામ કર્યો અને એકાદ સીરિઝ જોઈ હતી. બાકી ભાઈ હોસ્પિટલમાં હતો તો તેનું કો-ઓર્ડિનેશન ચાલતું હતું.

માતા, પત્ની, ભાઈ સાથે પ્રતીક ગાંધી
માતા, પત્ની, ભાઈ સાથે પ્રતીક ગાંધી

તમે શેરબજારમાં રોકાણ કરો છો?
હું શેરબજારમાં રોકાણ નથી કરતો. એવું કોઈ મોટું રોકાણ કર્યું નથી. એકાદવાર ખાલી જોવા માટે અને પ્રોસેસ માટે પાંચ-પાંચ શૅર લીધા હતા. શૅરમાર્કેટ એક અલગ જ દુનિયા છે અને તેમાં સમજ્યા વગર કંઈ કરવાની જરૂર નથી. હું મારી આવકનો 15% હિસ્સો ઇન્વેસ્ટ કરવાનો પ્રયાસ કરતો હોઉં છું. હું મ્યુચ્યુઅલ ફંડ્સ તથા SIP જેવા સલામત રોકાણ કરતો હોઉં છું. રિયલ એસ્ટેટમાં તો મારા ઘરની જ લોન ચાલે છે.

આગામી પ્રોજેક્ટ્સ કયા છે?
'ભવાઈ' કરીને મારી હિંદી ફિલ્મ બનીને તૈયાર છે અને તેની રિલીઝ ડેટ જાહેર કરીશું. બાકી કેટલીક સીરિઝ પર ચર્ચા અને નેરેશન ચાલે છે, જે ફાઈનલ થયા બાદ અનાઉન્સ કરીશું.

પત્ની ભામિની સાથે પ્રતીક ગાંધી
પત્ની ભામિની સાથે પ્રતીક ગાંધી
અન્ય સમાચારો પણ છે...