કોરોનાની ઝપેટમાં સેલેબ્સ:રણબીર કપૂર પછી સંજય લીલા ભણસાલી પણ કોરોના પોઝિટિવ, આલિયા ભટ્ટ ક્વૉરન્ટીન થઈ

એક વર્ષ પહેલા
આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ના શૂટિંગ દરમિયાન ડિરેક્ટર કોરોના પોઝિટિવ થયા.
  • સંજય લીલા ભણસાલીની માતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો
  • નીતુ સિંહે સોશિયલ મીડિયા પર રણબીર કોરોના પોઝિટિવ હોવાની વાત કહી

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ ડિરેક્ટર આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ચાલુ છે અને શૂટ દરમિયાન જ સંજય લીલા ભણસાલી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. રણબીર કપૂર પછી સંજય લીલા ભણસાલીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આલિયા ભટ્ટ ક્વૉરન્ટીન થઈ છે.

ભણસાલીની માતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો.
ભણસાલીની માતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો.

સૂત્રો તરફથી મળેલા રિપોર્ટ પ્રમાણે, હાલ સંજય લીલા ભણસાલી સેલ્ફ ક્વૉરન્ટીન છે. રણબીર કપૂર અને સંજય લીલા ભણસાલીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આલિયા પોતે ક્વૉરન્ટીન થઈ છે. ડિરેક્ટરના કોન્ટેક્ટમાં જેટલા લોકો આવ્યા હતા તે બધા પણ સલામતીના ભાગ રૂપે ટેસ્ટ કરાવી રહ્યા છે. જોકે સંજય લીલા ભણસાલીની માતા એકદમ સ્વસ્થ છે. ડિરેક્ટર પોતે કોરોના પોઝિટિવ આવ્યા પછી સૌપ્રથમ માતાનો ટેસ્ટ કરાવ્યો હતો. માતાનો રિપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો અનુભવ્યો હતો તેમ છતાં તેઓ ક્વૉરન્ટીન રહીને પોતાનું ધ્યાન રાખી રહ્યા છે.

ભણસાલીની અપકમિંગ ફિલ્મ વિવાદોથી ભરપૂર
ભણસાલીની આલિયા ભટ્ટ સ્ટારર નવી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની જાહેરાત થઈ છે ત્યારથી વિવાદોના પણ ફણગા ફૂટ્યા કરે છે. મહારાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્ય અમીન પટેલે માગ કરી છે કે આ ફિલ્મનું નામ બદલી નાખવું જોઈએ, કેમ કે એનાથી ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારનું નામ બદનામ થાય છે.

મહારાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્ય અમીન પટેલને ફિલ્મના નામ સાથે વાંધો પડ્યો.
મહારાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્ય અમીન પટેલને ફિલ્મના નામ સાથે વાંધો પડ્યો.

સાઉથ મુંબઈના મુંબાદેવી મતવિસ્તારમાંથી ચૂંટાયેલા અમીન પટેલે બાકાયદા મહારાષ્ટ્રની વિધાનસભામાં આ માગ કરી છે. તેમણે હાકલ કરી છે કે આ મુદ્દે મહારાષ્ટ્રની સરકારે દખલગીરી કરીને ફિલ્મનું નામ બદલાવડાવવું જોઇએ.

ફિલ્મ 30 જુલાઇએ રિલીઝ થશે.
ફિલ્મ 30 જુલાઇએ રિલીઝ થશે.

ફિલ્મ રિલીઝ ક્યારે થશે?
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ક્રાઇમ રાઇટર એસ. હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ના ગંગુબાઈના પ્રકરણ પર આધારિત છે, જે સત્ય ઘટના પરથી લખાયેલું છે. આ ફિલ્મનું ટીઝર 24 ફેબ્રુઆરીએ રિલીઝ થયું હતું. આલિયા ભટ્ટ ઉપરાંત અજય દેવગણને પણ ચમકાવતી આ ફિલ્મ 30 જુલાઇએ રિલીઝ થશે.

આ બાજુ રણબીર કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તે હોમ ક્વૉરન્ટીન છે અને તેની સારવાર ચાલુ છે; તેની માતા નીતુ સિંહે એ કન્ફર્મ કર્યું છે અને સોશિયલ મીડિયામાં એની જાણકારી આપી છે.

નીતુએ લખ્યું છે કે ‘તમારી ચિંતા અને પ્રાર્થના માટે આભાર. રણબીર કોરોના પોઝિટિવ છે, હાલ તેની સારવાર ચાલુ છે. તે હોમ ક્વૉરન્ટીન છે અને દરેક બાબતનું ધ્યાન રાખી રહ્યો છે.’