બેમિસાલ 25 વર્ષ:સંજય લીલા ભણસાલીએ ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂરા કર્યા, દીપિકા પાદુકોણ સહિત સેલેબ્સે શુભેચ્છા પાઠવી

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'દેવદાસ', 'હમ દિલ દે ચુકે સનમ', 'ગોલિયોં કી રાસલીલા રામલીલા', 'બાજીરાવ મસ્તાની', 'સાંવરિયા', 'પદ્માવત' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવનારા સંજય લીલા ભણસાલીએ 9 ઓગસ્ટના રોજ ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂરા કર્યા છે. આ ખાસ પ્રસંગે બોલિવૂડ સેલેબ્સે તેમને શુભેચ્છા પાઠવી હતી.

દીપિકા પાદુકોણે સંજય લીલા ભણસાલી સાથે 'બાજીરાવ મસ્તાની', 'પદ્માવત', 'રામલીલા'માં કામ કર્યું હતું. આ ત્રણેય ફિલ્મ સુપરહિટ રહી હતી. સંજયની સાથે પહેલીવાર કામ કરવાનો અનુભવ શૅર કરીને દીપિકાએ કહ્યું હતું, '9 નવેમ્બર, 2007 મારી ડેબ્યૂ ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' તથા સજંય લીલા ભણસાલીની 'સાંવરિયા' સાથે રિલીઝ થઈ હતી. હું આભારી છું અને હંમેશાં રહીશ. હું જે રીતે લૉન્ચ થઈ, અન્ય કોઈ ફીમેલ એક્ટ્રેસ આ રીતે લૉન્ચ થઈ નથી. તે સમયે હું વિચારતી હતી કે હું એટલી સારી નથી કે સંજય લીલા ભણસાલી સાથે કામ કરી શકું. 2012માં હું બીમાર હતી અને પલંગ પર સૂતી હતી. ત્યારે મેનેજમેન્ટમાંથી કોલ આવ્યો કે સંજય મને મળવા માગે છે. હું ચમકી ગઈ હતી. તેમણે કહ્યું કે તેઓ એક ફિલ્મ બનાવી રહ્યા છે અને તમને મળવા માગે છે. મેં કહ્યું કે હું કાર્ટવ્હીલ લઈને તેમને મળવા જાત પરંતુ હું બીમાર છું. પછી મને કહેવામાં આવ્યું કે સંજય જાતે જ મને મળવા આવે છે.'

વધુમાં દીપિકાએ કહ્યું હતું, 'અમારી એક આઇકોનિક પાર્ટનરશિપ હતી. અમે આ પાર્ટનરશિપથી એવા યાદગાર રહી જાય તેવા આઇકોનિક પાત્રો બનાવ્યા. જો સંજય લીલા ભણસાલી ના હોત તો હું આજે જે છું, તે ના હોત. હું ઈચ્છું છું કે અમે હજી સાથે કામ કરીએ, પરંતુ હું આનાથી પણ વધુ ઈચ્છું છું. તમને સારા સ્વાસ્થ્ય, મનની શાંતિ તથા ખુશીઓ મળે.

'હમ દિલ દે ચુકે સનમ'માં સંજય લીલા ભણસાલી સાથે કામ કરનાર અજયે કહ્યું હતું, 'સંજય લીલા ભણસાલીના 25 વર્ષ પૂરા. સિલ્વર જ્યુબલી માટે શુભેચ્છા. ફિલ્મમાં તમારું યોગદાન બેમિસાલ છે. તમારા પેશન તથા લગનને કારણે મને તમારી સાથે કામ કરવું ઘણું જ ગમે છે. હું તમારા આગામી માઇલસ્ટોનની રાહ જોઉં છું.'

'બાજીરાવ મસ્તાની', 'પદ્માવત' તથા 'રામલીલા' જેવી ફિલ્મમાં કામ કરનારો રણવીર સિંહ આગામી ફિલ્મ 'બૈજુ બાવરા'માં જોવા મળશે. આ ફિલ્મ સંજય લીલા ભણસાલી બનાવી રહ્યા છે. ચર્ચા છે કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ કામ કરવાની હતી. જોકે, તેણે રણવીર સિંહ જેટલી ફી માગી હતી, પરંતુ સંજય લીલા ભણસાલી આટલી ફી આપવા તૈયાર થયા નહોતા. આથી તે ફિલ્મમાંથી નીકળી ગઈ હતી.