સમ્રાટ પૃથ્વીરાજ:મેકર્સે ફિલ્મ ફ્લોપ થતાં અક્ષય કુમારના માથે ઠીકરું ફોડ્યું, પ્રોડ્યૂસર આદિત્ય ચોપરા નારાજ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અક્ષય કુમાર તથા માનુષી છિલ્લરની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી છે. 300 કરોડના જંગી બજેટમાં બનેલી આ ફિલ્મ 80 કરોડ પણ કમાઈ શકી નથી. ફિલ્મ ફ્લોપ જતાં મેકર્સ ઘણાં જ નારાજ છે. તેમણે ફ્લોપ ફિલ્મ માટે અક્ષય કુમારને જવાબદાર ઠેરવ્યો છે.

અનેક શો કેન્સલ થયા હતા
ફિલ્મે ખરાબ બિઝનેસ કરતાં પ્રોડ્યૂસર આદિત્ય ચોપરા ઘણો જ નારાજ છે. તેણે ફિલ્મ ના ચાલવા પાછળ અક્ષય કુમારને જવાબદાર ગણાવ્યો છે. સૂત્રોના મતે, યશરાજ બેનરની 'જયેશભાઈ જોરદાર' તથા 'સમ્રાટ પૃથ્વીરાજ' બેક ટુ બેક ફ્લોપ રહી છે. 'જયેશભાઈ...'ના અનેક શો કેન્સલ કરવા પડ્યા હતા. એ જ હાલ 'સમ્રાટ પૃથ્વીરાજ'ના થયા હતા. આ ફિલ્મ 4950થી વધુ સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી હતી.

અક્ષયે બેસ્ટ ના આપ્યું
સૂત્રોના મતે, 'સમ્રાટ પૃથ્વીરાજ'ને સમર્પિત એકાગ્રતાની જરૂર હતી. ફિલ્મ માટે અક્ષય કુમારે અસલી મૂછ પણ ઉગાડી નહોતી, કારણ કે તે અન્ય ફિલ્મમાં વ્યસ્ત હતો. જ્યારે તમે ઐતિહાસિક પાત્ર ભજવતા હો તો અક્ષય કુમારે કેમ બીજા પ્રોજેક્ટ ચાલુ રાખ્યા? કેમ 'સમ્રાટ પૃથ્વીરાજ'માં પોતાનું બેસ્ટ આપ્યું નહીં? તેવા સવાલો પ્રોડક્શન હાઉસે કર્યા છે.

અક્ષયની એક્ટિંગ ચાહકોને ના ગમી
'સમ્રાટ પૃથ્વીરાજ'ને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મમાં 'પૃથ્વીરાજ'ના રોલમાં અક્ષયને દર્શકોએ સ્વીકાર્યો નથી. અક્ષયની એક્ટિંગ પણ દમ વગરની લાગી હતી. અક્ષય કુમારની સાથે પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. માનુષીને ખ્યાલ પણ નહોતો કે આ ફિલ્મના આવા ખરાબ હાલ થશે.

110 કરોડથી વધુનું નુકસાન
ફિલ્મને ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મના ડિરેક્શન પર પણ સવાલ કરવામાં આવ્યા છે. ફિલ્મને હિંદી, તમિળ તથા તેલુગુમાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મે હિંદી બેલ્ટ ઉપરાંત અન્ય પ્રદેશમાં પણ સારું પ્રદર્શન કર્યું નથી. મેકર્સને 110 કરોડથી વધુનું નુકસાન ગયું છે. ફિલ્મના ડિજિટલ રાઇટ્સ, સેટેલાઇટ રાઇટ્સ, મ્યૂઝિક રાઇટ્સની ડીલથી 120 કરોડની કમાણી થઈ હતી. ફિલ્મે 80 કરોડની પણ કમાણી કરી નથી. આ રીતે 300 કરોડમાં બનેલી ફિલ્મે 110 કરોડથી વધુનું નુકસાન કર્યું છે.

આ ફિલ્મ ભારતના વીર યૌદ્ધા સમ્રાટ પૃથ્વીરાજના જીવન પર આધારિત છે. ફિલ્મમાં અક્ષયે લીડ રોલ પ્લે કર્યો છે. મહારાણી સંયોગિતાના રોલમાં માનુષી છિલ્લર હતી. આ ઉપરાંત સંજય દત્ત, સોનુ સૂદ, સાક્ષી તન્વર, આશુતોષ રાણા, લલિત તિવારી તથા માનવ વિજ પણ મહત્ત્વના રોલમાં જોવા મળ્યા હતા.