વાનખેડે અને બોલિવૂડ વચ્ચે 36નો આંકડો!:શાહરુખ જ નહીં, દીપિકા-કેટરીનાથી લઈને અનુષ્કા સહિત 14 બોલિવૂડ સેલેબ્સનું સમીર વાનખેડે ઉતારી ચૂક્યાં છે પાણી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈ સેલેબ્સની 11 કલાક તો કોઈકની 16 કલાક પૂછપરછ કરી હતી

બોલિવૂડમાં હાલમાં સમીર વાનખેડેનું નામ ચર્ચામાં છે. સમીર વાનખેડે છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ સ્ટાર્સ માટે સંકટરૂપ બની ગયા છે. તેમણે અલગ અલગ રીતે બોલિવૂડ સ્ટાર્સને પકડ્યા છે. ક્યારેક સર્વિસ ટેક્સ અધિકારી તરીકે તો ક્યારેક નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)માં તો ક્યારેક કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં રહીને. સમીર વાનખેડેએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે તે ક્યારેય બોલિવૂડના વિરોધમાં નથી, પરંતુ જે કાયદો તોડે છે એના વિરોધમાં છે. શાહરુખના દીકરા આર્યન પહેલાં સમીર વાનખેડેએ 13 સેલેબ્સને અલગ અલગ રીતે પકડ્યા હતા. હાલમાં સમીર વાનખેડે NCBના મુંબઈ ઝોનલના ડિરેક્ટર છે.

1. શાહરુખ ખાન

સમીર વાનખેડે જ્યારે એરપોર્ટ કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં હતા ત્યારે જુલાઈ, 2011માં શાહરુખ ખાનને મુંબઈ એરપોર્ટ પર અટકાવ્યો હતો. શાહરુખ પાસે વધુ સામાન હતો અને તેને 1.5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. શાહરુખ ખાન પરિવાર સાથે લંડન તથા હોલેન્ડમાં વેકેશન મનાવીને મુંબઈ એરપોર્ટ આવ્યો હતો.

2. મિનિષા લાંબા

એક્ટ્રેસ મિનિષા લાંબા મે, 2011માં ફ્રાંસના કાન શહેરથી પરત આવી હતી. તે મુંબઈ એરપોર્ટ પર અમીરાતની ફ્લાઇટમાં આવી હતી. આસિસ્ટન્ટ કમિશનર (કસ્ટમ) સમીર વાનખેડેની ટીમે મિનિષા લાંબાની બેગ ચકાસી હતી અને એમાંથી ડાયમંડ જ્વેલરી, કીમતી સ્ટોન્સ સહિતની 50 લાખની જ્વેલરી મળી આવી હતી. મિનિષાની એરપોર્ટ પર 16 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

3. અનુષ્કા શર્મા

જૂન, 2011માં એરપોર્ટ પર સમીર વાનખેડેની ટીમે અનુષ્કા શર્માની બેગની તપાસ કરી હતી. બેગમાંથી ડાયમંડ બ્રેસ્લેટ, નેકલેસ, ઇયરરિંગ્સ તથા બે મોંઘી ઘડિયાળ થઈને 35 લાખનો સામાન મળ્યો હતો. 11 કલાકની પૂછપરછ બાદ અનુષ્કાને જવા દેવામાં આવી હતી.

4. કેટરીના કૈફ

સપ્ટેમ્બર, 2012માં મુંબઈ એરપોર્ટ પર કેટરીના કૈફ એરપોર્ટમાંથી એમ કહીને બહાર આવી હતી કે તેની પાસે કોઈ સામાન નથી. જોકે પછી તેના બે આસિસ્ટન્ટ પી. ચઢ્ઢા તથા અરુણ શર્મા સામાન લેવા ગયા હતા. આ સમયે સમીર વાનખેડેની ટીમે બંનેને પકડ્યા હતા. કેટરીનાની બેગમાંથી આઇપેડ, 30 હજાર રોકડા તથા વ્હિસ્કીની બે બોટલ મળી હતી. ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ હેઠળ સમીર વાનખેડેએ કેટરીનાને 12 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

5. રણબીર કપૂર

મે, 2013માં મુંબઈ એરપોર્ટ પર રણબીર કપૂરને ડિટેન કરવામાં આવ્યો હતો અને તેને 60 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રણબીર કપૂર લંડનથી બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં આવ્યો હતો. આ દરમિયાન રણબીર કપૂર માત્ર એરપોર્ટ અધિકારી તથા સ્ટાફ માટે જે રસ્તો હોય ત્યાંથી પસાર થયો હતો. રણબીરની બેગ ચેક કરવામાં આવી તો મોંઘા પર્ફ્યૂમ, કપડાં, ફૂટવેર સહિતનો એક લાખ રૂપિયાથી પણ વધુનો સામાન મળ્યો હતો. વાનખેડેએ રણબીરને દંડ ફટકાર્યો હતો અને 40 મિનિટ સુધી ડિટેન કર્યો હતો.

6. મીકા સિંહ

ફેબ્રુઆરી, 2013માં સિંગર મીકા સિંહને મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિટેન કરવામાં આવ્યો હતો. મીકા સિંહ બેંગકોકથી આવ્યો હતો. તેની બેગમાં 9 લાખ રૂપિયાનો સામાન હતો અને તે કોઈપણ જાતના ડિક્લેરેશન વગર સામાન લઈને બહાર જતો હતો. સમીર વાનખેડેની ટીમે મીકા સિંહને પકડ્યો હતો અને તેની બેગમાંથી બે દારૂની બોટલ, સનગ્લાસ, પર્ફ્યૂમ્સ મળી આવ્યાં હતાં.

7. બિપાશા બાસુ​​​​​​​

બિપાશા બાસુ 2011માં લંડનથી ભારત આવી હતી. બિપાશાએ 60 લાખના સામાનનું ડિક્લેરેશન આપ્યું નહોતું. સમીર વાનખેડેની ટીમે તેને ડિટેન કરી હતી અને 12 હજારનો દંડ ફટકાર્યો હતો. તેની બેગમાંથી ફૂટવેર, ડિઝાઇનર સનગ્લાસ તથા હેન્ડબેગ્સ હતી.

8. અનુરાગ કશ્યપ

ઓગસ્ટ, 2013માં જ્યારે સમીર વાનખેડે સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કમિશનર તરીકે કામ કરતા હતા ત્યારે તેમણે અનુરાગ કશ્યપને 55 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમનું અકાઉન્ટ એ જ વર્ષે ડિસેમ્બરમાં સીઝ કરવામાં આવ્યું હતું.

9. વિવેક ઓબેરોય​​​​​​​

સપ્ટેમ્બર, 2013માં વિવેક ઓબેરોયને સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી સમન્સ પાઠવવામાં આવ્યું હતું. વિવેક પ્રોડ્યુસર્સ પાસેથી 40 લાખ રૂપિયા સર્વિસ ટેક્સના ભેગા કર્યા હતા, પરંતુ તે આપ્યા નહોતા. આ સંદર્ભે સમીર વાનખેડેએ વિવેકની પૂછપરછ કરી હતી.

10. રિયા ચક્રવર્તી

ગયા વર્ષે 2020માં સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો. ત્યાર બાદ સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીની 8 સપ્ટેમ્બર, 2020ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ સમયે સમીર વાનખેડે NCBના મુંબઈ ઝોનલના ડિરેક્ટર હતા.

11. દીપિકા પાદુકોણ-શ્રદ્ધા કપૂર-સારા અલી ખાન

સપ્ટેમ્બર, 2020ના રોજ આ ત્રણેય એક્ટ્રેસને વ્હોટ્સએપ ચેટના આધારે સમન્સ પાઠવીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. NCBએ આ ત્રણેયની પૂછપરછ કરી હતી.

12. અરમાન કોહલી​​​​​​​

ઓગસ્ટ, 2021માં NCBએ અરમાન કોહલીની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. અરમાન કોહલી હજી પણ જેલમાં છે.

13. આર્યન ખાન

શાહરુખના દીકરા આર્યન ખાનની 2 ઓક્ટોબર, 2021ના રોજ ક્રૂઝ પરથી અટકાયત કરવામાં આવી હતી. 3 ઓક્ટોબરના રોજ ધરપકડ થઈ હતી. સમીર વાનખેડેએ આર્યન ખાન સહિત ક્રૂઝ પરથી 8 લોકોની ધરપકડ કરી હતી. આર્યન ખાન 8 ઓક્ટોબરથી આર્થર રોડ જેલમાં છે. 27 ઓક્ટોબરે આર્યન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થશે.

14. અનન્યા પાંડે​​​​​​​

આર્યન ખાન તથા અનન્યા પાંડે વચ્ચે ડ્રગ્સ અંગે ચર્ચા થઈ હોવાનો દાવો કરીને NCBએ એક્ટ્રેસને સમન્સ પાઠવ્યું હતું. અનન્યાની સતત બે દિવસ પૂછપરછ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...