સલમાન ખાનની કો-સ્ટાર સુનીતા શિરોલે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પોતાની આર્થિક સ્થિતિ તથા સ્વાસ્થ્ય અંગે વાત કરી હતી. સુનીતાએ કહ્યું હતું કે કોરોના દરમિયાન તેમની તમામ બચત પૂરી થઈ ગઈ છે. ફ્રેક્ચર થયા બાદ તે પોતાનો ડાબો પગ પણ વાળી શકતા નથી. આ સાથે જ તેમને અન્ય બીમારીઓ પણ છે. હવે તેમની પાસે રહેવા માટે ઘર નથી અને ગુજરાન ચલાવવા માટે પૈસા પણ નથી. 85 વર્ષીય સુનીતાએ હવે લોકો પાસે મદદ માટે હાથ લાંબો કર્યો છે.
કોરોના આવ્યો ત્યાં સુધી કામ કર્યું
સુનીતાએ કહ્યું હતું, 'હું કોરોના આવ્યો ત્યાં સુધી કામ કરતી હતી. કોરોના બાદ લૉકડાઉન આવ્યું અને તે દરમિયાન મારી તમામ બચત પૂરી થઈ ગઈ હતી. કમનસીબે તે સમયે મને ઘૂંટણમાં દુખાવો થતો હતો. કિડની ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. હોસ્પિટલમાં હું એક નહીં પણ બેવાર પડી ગઈ હતી. આ જ કારણે મને ડાબા પગે ફ્રેક્ચર આવ્યું છે અને હવે હું ડાબો પગ વાળી પણ શકતી નથી. આ પહેલાં મેં એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી અને બીજી બીમારીઓ સામે ઝઝૂમું છું.'
નુપુર અલંકારના ઘરમાં રહે છે
વધુમાં સુનીતાએ કહ્યું હતું, 'હું એક ફ્લેટમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. જોકે, ત્રણ મહિના સુધી હું પૈસા આપી શકી નહીં, મારી પાસે પૈસા જ નથી. CINTAA (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન)નો આભાર કે તેમણે નુપુર અલંકારને મારી મદદ માટે મોકલી. નુપુર હાલમાં મને તેના ઘરે લઈ ગઈ છે. અહીંયા તેણે મારા માટે એક નર્સ પણ રાખી છે. તે મારી સેવાચાકરી કરે છે.'
ગુજરાન ચલાવવું અશક્ય
સુનીતાએ ફરીથી કામ શરૂ કરવા અંગે કહ્યું હતું, 'હું કામ કરવા માગું છું, કારણ કે મારે પૈસાની જરૂર છે. જોકે, મારો પગ કામ જ કરતો નથી. મને ખ્યાલ નથી કે હું ક્યારેય ચાલી શકીશ. આર્થિક મદદની તાતી જરૂર છે. મેં મારા ગોલ્ડન સમયમાં ઘણાં જ પૈસા કમાયા હતા અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી હતી. મેં જીવનમાં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આવી પરિસ્થિતિમાં આવીશ. મેં મારી કમાણીનો એક મોટો હિસ્સો મારા પતિના બિઝનેસમાં લગાવ્યો હતો. પછી ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી અને મેં બધું જ ગુમાવી દીધું. 2003માં મારા પતિનું અવસાન થયું હતું. આજે હું દુનિયાની દયા પર જીવું છું. સર્વાઇવ કરવું અશક્ય લાગે છે.'
'બજરંગી ભાઈજાન' સહિટ ટીવી શોમાં પણ કામ કર્યું
સુનીતાએ 'બજરંગી ભાઈજાન', 'છોટે અજ ઇસ્કો', 'કલ તેરે કો', 'કિસનાઃ ધ વોરિયર પોએટ', 'શાપિત', 'ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ', 'મેડ ઇન ચાઇના' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. આ ઉપરાંત ટીવી શો 'કિસ દેશ મેં હૈ મેરા દિલ', 'મિસિસ કૌશિક કી પાંચ બહુ'માં પણ કામ કર્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.