બોલિવૂડ એક્ટર આયુષ શર્મા ફરી એકવાર સલમાન ખાન સાથે ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'માં કામ કરવાનો હતો. આ પહેલાં સલમાન-આયુષે ફિલ્મ 'અંતિમઃ ધ ફાઇનલ ટ્રૂથ'માં સાથે કામ કર્યું હતું. જોકે, હવે આયુષ શર્મા 'કભી ઈદ કભી દિવાલી'માંથી નીકળી ગયો છે. આ ફિલ્મને સલમાન ખાન પ્રોડ્યૂસ કરી રહ્યો છે અને ડિરેક્ટર ફરહાદ સામજી છે.
કેમ નીકળી ગયો?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આયુષ શર્માને સ્થાને હવે જસ્સી ગિલને લેવામાં આવ્યો છે. આયુષ શર્માને ફિલ્મના ડિરેક્ટર ફરહાદ સામજી સાથે ક્રિએટવ ડિફરન્સ હતા. સલમાન ખાને આ બંને વચ્ચે દરમિયાનગિરી કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બંને વચ્ચે કોઈ સમાધાન થયું નહોતું. અંતે, સલમાન ખાને પોતાના જીજાજી આયુષ શર્માને ચોખ્ખું જ કહી દીધું હતું કે જો તે ઉકેલ ના લાવી શકે એમ હોય તો બેસ્ટ ઓપ્શન છે કે તે ફિલ્મમાંથી નીકળી જાય. સલમાન ખાને આ વાત કરી પછી જ આયુષે અંતિમ નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે આયુષે સલમાનની બહેન અર્પિતા સાથે લગ્ન કર્યાં છે. તેમને દીકરો તથા દીકરી છે.
આયુષ બાદ અન્ય એક એક્ટર પણ નીકળી ગયો
આયુષ શર્મા ફિલ્મમાંથી નીકળી જતાં ઝહીર ઇકબાલે પણ ફિલ્મમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ચર્ચા છે કે ઇકબાલના સ્થાને સિદ્ધાર્થ નિગમને લેવામાં આવ્યો છે.
'કભી ઈદ કભી દિવાલી'માં લીડ હિરોઈન પૂજા હેગડે છે. ફિલ્મમાં 'બિગ બોસ' ફૅમ શહનાઝ ગિલ પણ છે. શહનાઝે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ વર્ષના અંતે અથવા તો આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.