સલમાન ખાનનો 27 ડિસેમ્બરે 56મો જન્મદિવસ છે. સલમાન ખાનને જન્મદિવસ પહેલાં એટલે કે 25 ડિસેમ્બરની રાત્રે સાપે ડંખ માર્યો હતો. સલમાન ખાન પનવેલ ફાર્મહાઉસમાં બર્થડે સેલિબ્રેશન માટે ગયો હતો. ઉલ્લેખનીય છે કે પનવેલ ફાર્મ હાઉસ પર્વતીય વિસ્તારમાં આવેલું છે અને અહીંયા જંગલ વિસ્તાર છે. સાપ-અજગર અવારનવાર અહીંયા જોવા મળે છે.
સલીમ ખાને મીડિયા સાથેની વાતચીતમાં દીકરાની તબિયત હવે એકદમ સારી હોવાનું કહ્યું હતું. સલીમ ખાને એમ પણ કહ્યું હતું કે ફાર્મ હાઉસના સ્ટાફને ઘણીવાર સાપે ડંખ માર્યો છે. આટલું જ નહીં સલીમ ખાને એમ પણ કહ્યું હતું કે સલમાનને ડંખ મારનાર સાપને સ્ટાફે પકડી પાડ્યો હતો.
ફાર્મહાઉસમાં સાપે ડંખ માર્યો
સલમાન ખાન દર વર્ષની જેમ આ વર્ષે પણ બર્થડે સેલિબ્રેશન માટે પનવેલ ફાર્મહાઉસ આવ્યો હતો. અહીંયા સલમાનને સાપે ડંખ માર્યો હતો. સલમાનને કામોઠે વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી મિશન (MGM) હોસ્પિટલમાં રાત્રે ત્રણ વાગે દાખલ કરવામાં આવ્યો હતો. સલમાનને આજે એટલે કે 26 ડિસેમ્બરે સવારે નવ વાગે ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે અને સલમાન ખાન પોતાના ફાર્મહાઉસ પર આવી ગયો છે. સલમાનને બિન ઝેરી સાપે ડંખ માર્યો હતો.
હાથમાં ડંખ માર્યો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સલમાન ખાન મિત્રો સાથે હતો. વાતચીત દરમિયાન સલમાનને એ વાતનો અહેસાસ થયો કે તેને હાથમાં કંઈક થયું છે. ત્યારબાદ એક્ટરે આસપાસ નજર ફેરવી તો તેણે સાપ જોયો હતો. સાપ જોઈને સલમાન ખાન એકદમ ડરી ગયો હતો અને તરત જ મદદ માટે બૂમો પાડી હતી. હોસ્પિટલમાં છ-સાત કલાક રહ્યા બાદ સલમાનને રજા આપી દેવામાં આવી હતી.
સલમાનના પિતાએ શું કહ્યું?
સલીમ ખાને મીડિયા સાથેની વાતચીતમાં દીકરા સલમાનની તબિયત અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, 'સલમાન ખાનને સાપે ડંખ માર્યો ત્યારે અમે ઘણાં જ ડરી ગયા હતા. સલમાનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તેને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. ભગવાનની દયાથી સાપ ઝેરી નહોતી.'
વધુમાં સલીમ ખાને કહ્યું હતું, 'હોસ્પિટલથી સલમાન ખાન ફાર્મહાઉસ આવ્યો આવ્યો હતો અને સૂઈ ગયો હતો. અમે તેની સાથે વાત કરી હતી અને તેની તબિયત ઠીક હતી. ચિંતાનું કોઈ કારણ નહોતું, પરંતુ અમે ઘણાં જ ડરી ગયા હતા.'
સ્ટાફે સલમાનને ડંખ મારનાર સાપને પકડી પાડ્યો
સલીમ ખાને એમ પણ કહ્યું હતું કે ફાર્મ હાઉસના સ્ટાફને ઘણીવાર સાપ તથા કરોળિયાએ ડંખ માર્યો છે. જોકે, મોટાભાગે સાપ બિન ઝેરી જ હોય છે. સલમાન ખાનને જે સાપે ડંખ માર્યો હતો તે સાપને સ્ટાફે પકડી પાડ્યો હતો. જોકે, તેમણે હંમેશાં સ્ટાફને કહી રાખ્યું છે કે જો સાપ બિન ઝેરી હોય તો તેને મારવો નહીં અને જંગલમાં છોડી મૂકવો. સલમાનને ડંખ મારનાર સાપ પણ બિન ઝેરી હોવાથી તેને ફાર્મહાઉસથી થોડે દૂર આવેલા જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.
હાલમાં જ 'બિગ બોસ'ના સેટ પર જન્મદિવસ સેલિબ્રેટ કર્યો
સલમાન ખાને હાલમાં જ 'બિગ બોસ 15'ના સેટ પર ફિલ્મ 'RRR'ની ટીમ સાથે કેક કટિંગ કરીને બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આલિયા ભટ્ટ, જુનિયર NTR તથા રામચરણ તેજા તથા ડિરેક્ટર એસ એસ રાજમૌલિએ 'બિગ બોસ'માં ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. આ ફિલ્મ સાત જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.
સલમાને હાલમાં જ 'ટાઇગર 3'નું શૂટિંગ પૂરું કર્યું
સલમાન ખાન 23 ડિસેમ્બરે પનવેલ આવ્યો હતો અને 3 જાન્યુઆરી સુધી અહીંયા જ રહેશે. સલમાન ખાને થોડાં દિવસ પહેલાં જ 'ટાઇગર 3'નું શૂટિંગ મુંબઈમાં પૂરું કર્યું હતું. બાકીનું શૂટિંગ હવે સલમાન ખાન તથા કેટરીના કૈફ દિલ્હીમાં કરે તેવી શક્યતા છે.
'અંતિમ'માં જોવા મળ્યો
સલમાન ખાન છેલ્લે ફિલ્મ 'અંતિમ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તે પોલીસના રોલમાં હતો અને તેના જીજાજી આયુષ શર્મા ગેંગસ્ટરના રોલમાં હતો. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ એવરેજ રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.