સલમાન ખાન સાઉથ સુપરસ્ટાર ચિરંજીવીની ફિલ્મ 'ગોડફાધર'માં સ્પેશિયલ રોલમાં જોવા મળશે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સલમાને સાઉથ ઇન્ડસ્ટ્રીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે સાઉથની ફિલ્મ કેમ દેશભરમાં સારી ચાલે છે.
રામચરણે 'RRR'માં સારું કામ કર્યું છે
સલમાને કહ્યું હતું, 'ચિરંજીવી સાથે કામ કરવાનો અનુભવ ઘણો જ સારો રહ્યો. હું ચિરુગુરુને લાંબા સમયથી ઓળખું છું. તે અને તેમનો દીકરો બંને મારા સારા મિત્રો છે. રામચરણે 'RRR'માં શાનદાર કામ કર્યું છે. મેં તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મને તેમના પર ગર્વ છે.'
સલમાને કહ્યું, કેમ સાઉથની ફિલ્મ ચાલે છે?
સલમાને કહ્યું હતું, 'અમારી ફિલ્મ તેમના રાજ્યોમાં ચાલતી નથી, પરંતુ તેમની ફિલ્મ આખા દેશમાં સફળ થઈ રહી છે. સાઉથની ફિલ્મ હીરોઇઝ્મ પર બનાવવામાં આવે છે. તેમની ફિલ્મ લાર્જર ધેન લાઇફ હોય છે, પરંતુ અમારી ફિલ્મ અંગે એવું કહેવામાં આવે છે કે આ ક્લિચ છે અને રિયાલિસ્ટિક થવાની જરૂર છે. જોકે, હું તો લાર્જર ધેન લાઇફ હીરોવાળી ફિલ્મ જ કરું છું.'
સાઉથની ફિલ્મ પર ઓબ્ઝર્વેશન શૅર કર્યું
સલમાને કહ્યું હતું કે તેલુગુ ફિલ્મ બનાવવાની રીત તેના પિતા સલીમ ખાન તથા જાવેદ અખ્તરની પદ્ધતિ સાથે ખાસ્સી મળતી આવે છે. એક્ટરે જણાવ્યું હતું, 'તે ફોર્મેટ સલીમ-જાવેદના સિનેમા બ્રાન્ડથી જ આવે છે, પરંતુ સાઉથની ફિલ્મમાં તેને અલગ સ્તર પર લઈ જવામાં આવ્યું છે. આશા છે કે એક સમય એવો આવશે કે તેઓ અમારી સ્ક્રિપ્ટ પસંદ કરશે અને અમારી ફિલ્મની રીમેક બનાવશે. એ પણ વાત સાચી છે કે સાઉથના રાઇટર ઘણાં જ મહેનતી છે અને ડિરેક્ટર પણ હાઇ કોન્સેપ્ટ ફિલ્મ બનાવવા પર ફોકસ કરે છે.'
હિંદી ફિલ્મ અંગે અભિપ્રાય આપ્યો
વધુમાં સલમાને કહ્યું હતું, 'કેટલાંક લોકો માને છે કે ભારત કફ પરેડ તથા અંધેરીની વચ્ચે જ છે. જોકે, મારું માનવું છે કે ભારત કફ પરેડ તથા અંધેરીથી પણ આગળ છે. મારી ફિલ્મ તે હકીકત પર આધારિત હોય છે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.