સલમાન ખાનની 'રાધે' હાઈબ્રીડ નહીં, માત્ર સિંગલ ડિજિટલ રિલીઝ બનીને રહી જશે. આ અંદાજો સાચો સાબિત થઈ રહ્યો છે. દેશના મોટાભાગના થિયેટર બંધ છે. આથી આ ફિલ્મ માત્ર OTT પ્લેટફોર્મ ઝી પ્લેક્સ પર રિલીઝ થઈ રહી છે. જોકે, UAE, અમેરિકા તથા ઓસ્ટ્રેલિયા સહિત કેટલાંક દેશોમાં આ ફિલ્મને બિગ સ્ક્રીન પર જોઈ શકાશે.
બિગ બજેટ તથા બિગ સ્ટારની ડિજિટિલ રિલીઝના હિસાબથી નવો ઈતિહાસ રચરના આ હોમ પ્રોડક્શન ફિલ્મથી સલમાને પહેલાં જ નફો કમાઈ લીધો છે. ઝી ગ્રુપે આ ફિલ્મને બહુ ઊંચી કિંમતે ફિલ્મના રાઈટ્સ ખરીદ્યા છે. બની શકે કે હાલના કેટલાંક સમય માટે તેને બ્રેક ઈવન પર આવવામાં મુશ્કેલી થાય, પરંતુ તેમ છતાંય આ બહાને ઝી 5 નવા સબસ્ક્રાઈબર લઈ લેશે. આ હિસાબે ઝીનું આજનું નુકસાન આવતીકાલનો નફો છે. પૂરા હિસાબ-કિતાબમાં જો કોઈ સૌથી નિરાશ હોય તો થિયેટર ઓનર્સ છે. તેમના હાથમાંથી બહુ મોટી ફિલ્મ જતી રહી છે.
'રાધે'નું ગણિતઃ કોને શું ફાયદો, શું નુકસાન
230 કરોડના રોકાણથી 400 કરોડની કમાણીની આશા હતી
ઓરિજિનલ પ્લાન પ્રમાણે, આ ફિલ્મ મે 2020માં રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાને કારણે આ શક્ય થઈ શક્યું નહીં. પછી જાન્યુઆરી 2021માં લાગ્યું કે કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો સલમાને ઝી 5 સાથે કરાર કર્યો કે તે તમામ રાઈટ્સ 230 કરોડમાં વેચશે.
તે સમયે માનવામાં આવતું હતું કે 13 મેના રોજ ઈદ છે તો ત્યાં સુધીમાં દેશની પરિસ્થિતિ ઘણી જ સુધરી થશે અને થિયેટર ઓપન થઈ ચૂક્યા હશે. ઝીને ત્યારે આ ફિલ્મથી 400 કરોડની કમાણીનો અંદાજો હતો. જોકે, કોરોનાની બીજી લહેરને કારણે થિયેટર બંધ થઈ ગયા અને અંતે આ ડીલ 170 કરોડમાં ઝીને પડી.
હાઈબ્રીડ રિલીઝનું એલાન હતું, માત્ર ડિજિટલ રિલીઝ થશે
ગયા મહિને જ્યારે કોરોનાના કેસ વધવા લાગ્યા ત્યારે એક પછી એક રાજ્યોએ પ્રતિબંધ મૂકવાની શરૂઆત કરી હતી. અમિતાભની 'ચેહરે' સહિત અનેક ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી. તે સમયે અટકળો હતી કે સલમાન પણ 'રાધે' પોસ્ટપોન કરશે. જોકે, સલમાન કમિટમેન્ટનો પાક્કો નીકળ્યો અને તેણે ઝી ગ્રુપની સાથે હાઈબ્રીડ રિલીઝનું એલાન કર્યું.
સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય, તેના ચાર અઠવાડિયા બાદ જ OTT પર રિલીઝ કરવાનો એક નિયમ બોલિવૂડમાં છે. જોકે, સલમાન તથા ઝીએ આ પરંપરા તોડીને 13 મેના રોજ એક જ દિવસે 'રાધે'ને થિયેટર તથા OTT પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, હવે મોટાભાગના રાજ્યોમાં કોરોના તથા લૉકડાઉન હોવાને કારણે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે નહીં. માત્ર OTT પર જ જોવા મળશે.
સલમાનને આની કોઈ જ ચિંતા નથી
ટ્રેડ સાથે જોડાયેલા સૂત્રોના મતે, નવી ડીલ પ્રમાણે, ઝી ગ્રુપ સલમાનને 170 કરોડ પહેલાં જ આપી ચૂક્યું છે. આ ડીલમાં સલમાન ખાનને તો ફાયદો જ છે. હોમ પ્રોડક્શનની ફિલ્મ છે. માત્ર સલમાન જ બિગ સ્ટાર છે અને તેથી જ અન્ય કલાકારો કે અન્ય બાબતો પર વધુ ખર્ચ થયો નથી.
ઝીની નજર આવતીકાલના ફાયદા પર
ઝીને ખ્યાલ છે કે દેશમાં હજી પણ 'પે પર વ્યૂ' મોડલ નવું છે. લોકો આ મોડલને અપનાવે અને પૈસા ખર્ચ કરે, તેમાં સમય લાગશે. જોકે, ઝીએ રાધેની સાથે સાથે ઝી 5ના સબસ્ક્રિપ્શનનો પ્લાન સામેલ કર્યો છે.
માત્ર અરબના દેશોમાં 700 શો હશે
ઈન્ડસ્ટ્રીના સૂત્રોના મતે, UAE સહિત અરબ દેશોમાં 'રાધે'ના 700 શો થશે. અહીંયાના લોકોએ દોઢ વર્ષથી હિંદી ફિલ્મ જોઈ નથી. તેમાંય ઈદ પર ભાઈજાન સલમાનની ફિલ્મ રિલીઝ થઈ રહી છે.
નુકસાન માત્ર થિયેટરને
છેલ્લાં દોઢ વર્ષથી બંધ પડેલા થિયેટર માલિકને આશા હતી કે 'રાધે'થી ઘણું નુકસાન ભરપાઈ થઈ જશે. જોકે, સલમાને હાઈબ્રીડ રિલીઝની જાહેરાત કરી ત્યારે તેમની આશા પર પાણી ફરી વળ્યું હતું. એક જ દિવસે ડિજિટલ તથા થિયેટર રિલીઝથી મલ્ટીપ્લેક્સ ઓનર્સ નારાજ હતા. જોકે, તેમણે હજી સુધી જાહેરાત કરી નહોતી કે તેઓ સલમાનની ફિલ્મ રિલીઝ કરશે કે નહીં.
સિંગલ સ્ક્રીન માટે સલમાનની ફિલ્મ વરદાન
દિલ્હીના ડિલાઈઝ સિનેમાના ઓનર રાજકુમાર મલ્હોત્રાએ કહ્યું હતું કે જ્યારે થિયેટર માલિક ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટરથી ફિલ્મ લે છે તો શરૂઆતમાં 50-50 ટકા શૅર હોય છે. એટલે કે જે કલેક્શન થાય તેમાંથી અડધું થિયેટર માલિકને અને અડધું ડિસ્ટ્રીબ્યૂટરને મળે છે. પછી ફિલ્મ લાંબી ચાલે તો થિયેટરનો હિસ્સો વધતો જાય છે અને ડિસ્ટ્રીબ્યૂટરનો હિસ્સો ઓછો થતો જાય છે. ફિલ્મ વધુ અઠવાડિયા ચાલી તો થિયેટરને સારી કમાણી થાય છે.
આખા બોલિવૂડમાં સલમાનની ફિલ્મ સૌથી વધુ કલેક્શન કરે છે. સિંગલ સ્ક્રીન માટે સલમાનની ફિલ્મ વરદાન હોય છે. સૌથી વધુ નફો સલમાનની ફિલ્મ આપે છે. તેની આસપાસ કોઈ સ્ટાર નથી. સલમાનની આ ફિલ્મ જો બે અઠવાડિયા પણ ચાલી જાય તો એક સિંગલ સ્ક્રીન માટે 90 લાખનું કલેક્શન કોઈ મોટી વાત નથી.
હવે નફો માત્ર ઝીનું ટેન્શન
ફિલ્મ પ્રોડ્યૂસર તથા ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જૌહરે કહ્યું હતું કે હવે આ વાત ઝી પર નિર્ભર કરે છે કે તે નફો કમાઈ શકે છે કે નહીં. પહેલાં તે થિયેટરના માધ્યમથી પણ નફો કમાઈ શકત પરંતુ હવે કોરોનાને કારણે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સલમાનના ચાહકો મોટાભાગે નાના શહેરોમાં છે અને ત્યાં ઈન્ટરનેટ કેવું છે તે પણ એક સવાલ છે. લોકો કોરોના સામે ઝઝૂમી રહ્યાં છે તો આ પરિસ્થિતિમાં તેઓ ફિલ્મ જોશે કે નહીં એ ખ્યાલ નથી.
વિદેશમાં બિગ રિલીઝ, દેશમાં IPL કેન્સલ થવાનો ફાયદો
ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ કહ્યું હતું કે મોટાભાગના રાજ્યમાં થિયેટર બંધ છે. ડિજિટલ રિલીઝ જ શક્ય છે. ઝી ગ્રુપ ઓવરસીઝ રિલીઝ પર ભાર આપે છે. UAE તથા અમેરિકામાં થિયેટર ઓપન થઈ ચૂક્યા છે. ઈંગ્લેન્ડમાં 17 મેથી શરૂ થઈ રહ્યાં છે. તમામ જગ્યાએ એકાદ વર્ષથી એક પણ હિંદી ફિલ્મ રિલીઝ થઈ નથી. આશા છે કે આ ફિલ્મને સારો રિસ્પોન્સ મળશે. ફિલ્મની સ્પોન્સરશિપ માટે અનેક બ્રાન્ડ્સ સાથે વાત થઈ છે. હવે તો IPL સસ્પેન્ડ થઈ ગઈ છે. દર્શકોને મનોરંજન મળશે અને બ્રાન્ડ પણ એડવર્ટાઈઝમેન્ટની રાહમાં છે. તેમના માટે 'રાધે' સુવર્ણ તક છે. ઝી પાસે 10 વર્ષના રાઈટ્સ છે. આ રાઈટ્સથી કમાણી કરવાનો પ્રયાસ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.