વાઇરલ વીડિયો:સલમાન ખાને સ્ટેજ પર પહેલા શૂઝ કાઢ્યા પછી હાથ જોડીને નમન કર્યું, ચાહકો ઓવારી ગયા

મુંબઈ9 દિવસ પહેલા
  • સલમાન ખાન મરાઠી ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે જોવા મળ્યો હતો

બોલિવૂડનો દબંગ ખાન એટલે કે સલમાન ખાન એક્ટિંગની સાથે સાથે પોતાની દરિયાદિલી માટે પણ જાણીતો છે. સલમાન ખાન આ જ કારણે ચાહકોમાં ઘણો જ લોકપ્રિય છે. હાલમાં જ ભાઈજાનનો એક વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. આ વીડિયો જોયા બાદ ચાહકો એક્ટરનાં વખાણ કરતાં થાકતા નથી. આ વીડિયો મરાઠી ફિલ્મ 'ધર્મવીર'ના ટ્રેલર લૉન્ચિંગનો છે. ઇવેન્ટમાં ભાગ્યશ્રી તથા જેકી શ્રોફ પણ જોવા મળ્યાં હતાં.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટેજ પર શિવાજી મહારાજની પ્રતિમા, શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરે, તેમનાં પત્ની મીનાતાઈ ઠાકરે તથા દિવગંત આનંદ દિઘેની તસવીર હોય છે. સલમાન ખાન આ તમામને શ્રદ્ધાંજલિ આપતા પહેલાં શૂઝ ઉતારે છે.

સલમાને ફૂલ અર્પણ કરીને નમન કર્યું
સલમાન ખાને શૂઝ ઉતાર્યા પછી તમામને હાથ જોડીને નમન કર્યું હતું અને ફૂલ ચઢાવ્યા હતા. આ પ્રસંગે મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે, તેમનો દીકરો આદિત્ય ઠાકરે પણ હતા. સલમાનની આ બાબત ચાહકોને ઘણી જ પસંદ આવી હતી અને સો.મીડિયામાં સલમાનનાં ભરપેટ વખાણ કરવામાં આવી રહ્યાં છે.

સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે તે 'અંતિમ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મને મહેશ માંજરેકરે ડિરેક્ટ કરી હતી. હવે તે 'ટાઇગર 3', 'કભી ઈદ કભી દિવાલી'માં જોવા મળશે. આ ઉપરાંત તે તેલુગુ ફિલ્મ 'ગોડફાધર'માં ચિરંજીવી સાથે જોવા મળશે.